Tue Oct 06 2026

Logo

ભુજના પદ્ધરમાં તાંત્રિક વિધિના નામે ધૂતતી પરપ્રાંતિય ત્રિપુટી ઝડપાઈ

2026-06-10 11:07:00
Author: Mumbai Samachar Team
ભુજના પદ્ધરમાં તાંત્રિક વિધિના નામે ધૂતતી પરપ્રાંતિય ત્રિપુટી ઝડપાઈ

ભુજઃ લોકોના અંધવિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ધંધામાં બરકત લાવવા તેમજ નડતરો દૂર કરવાના બહાને તાંત્રિક વિધિના નામે ખંખેરતી એક રીઢા ગુનેગારોની ત્રિપુટીને પદ્ધર પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલા શખ્સો વિરુદ્ધ અગાઉ પણ ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ભુજ ડિવિઝનના ડીવાયએસપી ડો. વિશ્વા શાહ અને પદ્ધર પોલીસ મથકના પી.આઈ એ.ડી. ખાંટના જણાવ્યા અનુસાર, એક કારમાં ત્રણ શંકાસ્પદ ઈસમો ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ ત્રિપુટી પૈકીનો એક શખ્સ સાધુ જેવો વેશ ધારણ કરી પોતે દૈવી અને વિશેષ શક્તિઓ ધરાવતો હોવાનો ઢોંગ કરતો હતો. તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકોને ધંધા-રોજગારમાં પ્રગતિ કરાવવા અને ઘરના દુઃખ-તકલીફો આંતરી દેવાનો દાવો કરીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ વિધિ પૂજાના નામે મોટી રકમ પડાવતા હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે પદ્ધર પોલીસે વોચ ગોઠવીને કાર સહિત ત્રણેય આરોપીઓ અરવિંદનાથ ઉર્ફે ફક્કો જીવણનાથ પરમાર (રહે. તરઘડી, તા. પડધરી, જિ. રાજકોટ), બળવંત હીરા વાદી (રહે. કંબોઈ, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા) અને પરબત નથભુ રાઠોડ (રહે. હરમડિયા, તા.ગોંડલ, જિ. રાજકોટ)ને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ ૧૭,૨૪૦, ચાર નંગ મોબાઈલ ફોન, વિધિની સામગ્રીમાં વપરાતો ઘીનો ડબ્બો, શ્રીફળ અને અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૩૨,૭૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ તપાસતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર અરવિંદનાથ વિરૂદ્ધ રાજ્યના જુદા-જુદા પોલીસ મથકોમાં છેતરપિંડી સહિતના કુલ ૧૧ ગુના નોંધાયેલા છે. જ્યારે સાધુનો વેશ ધારણ કરનાર પરબત સામે ત્રણ ગુના અને બળવંત સામે અગાઉ પદ્ધર પોલીસમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

(ઉત્સવ વૈદ્ય)