સુરત: ગુજરાતના સુરતમાં ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના રહસ્યમય આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પોલીસ તપાસમાં બંને વિદ્યાર્થિનીઓની આત્મ હત્યા પાછળ બ્રેક અપ હોવાનું કારણ પ્રકાશમાં આવ્યું છે. જે અંગેની ચેટ પણ મળી આવી છે. આ બ્રેકઅપના લીધે બંને વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના લીધે તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. તેમજ આ બંને વિદ્યાર્થિનીઓના બ્રેક અપ પણ 15 દિવસના સમયગાળામાં થયા હતા.
માનસિક હેરાનગતિના કોઈ પુરાવા મળ્યા નથી
પોલીસે આ કેસની શરૂ કરેલી તપાસમાં તેમના મોબાઈલ ફોનના ચેટની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેમસબંધ હોવાના સંકેત મળ્યા હતા. પોલીસે તેમના મિત્ર વર્તુળના નિવેદનો પણ લીધા છે. જેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ચેટના આધારે બંને યુવકોના નિવેદન પણ નોંધ્યા છે. જેમાં નાની બાબતોમાં બોલચાલ થઈ હોવાની બાબત માલુમ પડી છે. પરંતુ કોઈ માનસિક હેરાનગતિ કરી હોય તેવા પુરાવા મળ્યા નથી.
આખરી પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ
આ ઉપરાંત પોલીસ મેડીકલ પુરાવા અને આખરી પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેની બાદ જ તપાસ યોગ્ય દિશાના ઝડપથી આગળ વધશે.
તેમજ બંને છોકરીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સિવાય સીડીઆર અન્ય મૌખિક પુરાવા અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રિત કરીને તપાસ પૂર્ણ કરવામાં આવશે.
સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવ્યા
ઉલ્લેખનીય છે કે, 6 માર્ચના રોજ સુરત શહેરમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યા હતા. સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના બની હતી. મંદિરમાંથી વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
એનેસ્થેટિકની બોટલો અને સિરીંજ મળી આવી હતી
આ અંગે મળતી વિગત પ્રમાણે, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની અને 20 વર્ષીય જોસના ગઈકાલે સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાં આવેલા બાથરૂમમાંથી મળી આવી હતી. પોલીસને મૃતદેહોની બાજુમાં એનેસ્થેટિકની બોટલો અને સિરીંજ મળી આવી હતી.
બંને યુવતીઓ બાળપણની મિત્રો હતી
પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને યુવતીઓ બાળપણની મિત્રો હતી. તેમાંથી એક કોમર્સના પહેલા વર્ષની વિદ્યાર્થીની હતી, અને બીજી બીજા વર્ષમાં હતી. જ્યારે બંનેના ફોન અનલોક કરવામાં આવ્યા ત્યારે જાણ થઇ કે આત્મહત્યા માટે કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય છે એ માટે ચેટજીપીટીને પૂછ્યું હતું. તેમજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.