સુરતઃ શહેરમાં પાન-માવાની પિચકારી ખાઈને થૂંકનારાઓ મોટી સંખ્યામાં છે. જેના કારણે અનેક જાહેર સ્થળોની દીવાલો લાલ થઈ ગઈ છે. પાન-માવા ખાઈને પિચકારી મારતા લોકોથી તંત્ર પણ તોબા પોકારી ઉઠ્યું છે અને કડક કામગીરી કરી રહ્યું છે. આ અંગે સુરત ડાયમંડ બુર્સે કડક વલણ અપનાવતાં બિલ્ડિંગની અંદર માવા - ગુટખા લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટું ઓફિસ કોમ્પલેક્સ ધરાવતાં સુરત ડાયમંડ બુર્સે જો કોઈ વ્યક્તિ માવો લઈને આવતા અથવા ગંદકી કરતાં પડકાય તો દંડની પણ જોગવાઈ કરી છે. ઉપરાંત વારંવાર પાન-માવાની પિચકારી મારી વારંવાર ગંદકી કરનારા તત્વોના ફોટા બધા જોઈ શકે તે રીતે જાહેરમાં મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે ડાયમંડ બુર્સના સત્તાધીશો દ્વારા હજુ સુધી દંડની રકમ નક્કી કરવામાં આવી નથી. પરંતુ બિલ્ડિંગને ચકચકાટ રાખવા તેઓ મક્કમ છે અને આ માટે મેનેજમેન્ટે વોશરૂમમાં પણ કેમેરા લગાવવા કે નહીં તેની ચર્ચા શરૂ કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે, સુરત ડાયમંડ બુર્સમાં આવતા તમામને પાન-માવા ચાવીને બિલ્ડિંગમાં ન પ્રવેશવા, તમાકુ-ગુટખા સાથે ન લાવવા તેમજ ટોયલેટ અને વોશ બેસિનમાં ગંદકી ન કરવા જણાવાયું છે. સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ કમિટી ઉત્પાદકો, વેપારીઓ અને દલાલોને આ કોમ્પલેક્સમાંથી કામકાજ શરૂ કરવા સતત પ્રોત્સાહિત કરી રહી છે તેવા જ સમયે આ પગલું લેવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી મહિધરપુરા અને અન્ય વિસ્તારોના હીરાના વેપારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે અને તેમને SDB થી કામ શરૂ કરવા વિનંતી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, દલાલો સહિત દરેકને બિલ્ડિંગમાં માવો લાવવા, ચાવવા કે થૂંકવા પર સખત મનાઈ કરવામાં આવી છે
લગભગ 4000 સભ્યો ધરાવતા સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનના સૂત્રો જણાવ્યું છે કે 1800 દલાલોએ બોર્સની નિયમિત મુલાકાત માટે નોંધણી કરાવી લીધી છે. એસોસિએશને દંડ સહિતના તમામ નિયમોમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. હવે આ સુંદર બિલ્ડિંગને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવાની જવાબદારી આપણી છે. અમે દલાલોને માવા પરના પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી રહ્યા છીએ, અન્યથા દંડ અને સજા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બર, 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જે સુરતને વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની દિશામાં મોટું પગલું હતું. હવે મેનેજમેન્ટ સામે તમામ 4200 ઓફિસોને કાર્યરત કરવાનો પડકાર છે. આશરે ₹3200 કરોડના ખર્ચે બનેલા આ બોર્સનો કાર્પેટ એરિયા 67,28,604 ચોરસ ફૂટ છે - જે પેન્ટાગોન કરતા લગભગ 55,000 ચોરસ ફૂટ મોટો છે. 15 માળનું અને 81 મીટર ઊંચું આ કોમ્પ્લેક્સ 35.54 એકરના કેમ્પસમાં ફેલાયેલું છે, જેમાં કુલ 9 ટાવર આવેલા છે.