Thu Jun 18 2026

Logo

અડધા મે મહિનાના હીટવેવથી બચવા આઇપીએલ હવે આ તારીખથી શરૂ કરવાની યોજના

2026-06-18 16:25:00
Author: Ajay Motiwala
Article Image

કુલ મૅચની સંખ્યા 74થી વધારીને 94 નહીં કરાય

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતે કે એપ્રિલમાં આરંભ થઈને મે મહિનાની આખરમાં અંત આવતો હોય છે, પણ હવેથી અડધો મે મહિનો કાળઝાળ ગરમી (HEATWAVE)થી બચી શકાય એ માટે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા નવી યોજના વિચારવામાં આવી રહી છે જેમાં 2027થી સીઝનની શરૂઆત માર્ચના અંતને બદલે 10મી માર્ચે શરૂ કરીને 15મી મે સુધીમાં પૂરી કરી નાખવામાં આવશે.

બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ પીટીઆઇને ખાસ ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે, `ખાસ મુદ્દાઓ પર બીસીસીઆઇમાં અને આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય મૅચોના શેડ્યૂલને ધ્યાનમાં લેતાં સીઝનની કુલ મૅચની સંખ્યા વધારીને 94 નહીં કરવામાં આવે. 74 મૅચ જ રાખવામાં આવશે. ટૂર્નામેન્ટને બે મહિનાની કરવી મુશ્કેલ છે, કારણકે બીજા દેશોએ દ્વિપક્ષી સિરીઝો રમવાની હોય છે.'

સૈકિયાએ મુલાકાતમાં કમોસમી વરસાદનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, `આઇપીએલ સામાન્ય રીતે માર્ચની આખરમાં શરૂ થતી હોય છે. આ વખતે 28મી માર્ચે થઈ અને 31મી મેએ ફાઇનલ રમાઈ હતી. આરંભમાં ફેરફાર કરવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે અમને ડર છે કે મે મહિનાના અંત ભાગમાં કમોસમી વરસાદ પણ શરૂ થઈ જતો હોય છે. અસહ્ય ગરમી ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકોના હિતમાં ન કહેવાય એટલે પણ ફેરફાર જરૂરી છે. અમને ગરમીની બાબતમાં ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓ તરફથી ફરિયાદ મળી છષ. મેં અમારા જનરલ મૅનેજર (ગેમ્સ ડેવલપમેન્ટ) ભૂતપૂર્વ પેસ બોલર ઍબી કુરુવિલાને સૂચના આપી છે કે 10 માર્ચથી 15મી મે દરમ્યાન સીઝન રાખી શકાય કે નહીં એ ચકાસી જુઓ કે જેથી કરીને પ્લે-ઑફ અને ફાઇનલ સુધીમાં રમત પર કોઈ વિપરીત અસર ન પડે.'

સૈકિયાએ પીટીઆઇને કહ્યું, `ટૂર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓને અને પ્રેક્ષકોને સતતપણે સારું વાતાવરણ મળી રહે એ માટે સીઝનને 15મી મે સુધીમાં પૂરી કરી નાખવા અમે વિચારી રહ્યા છીએ.'