સુરતઃસુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયા સામે પોલીસે ગંભીર આક્ષેપો કર્યા છે. પૂનમ ભદોરીયાની જામીન અરજીનો વિરોધ કરતાં પોલીસે પૂનમ પર તુષાર ઘેલાણીને અસહ્ય માનસિક ત્રાસ આપ્યાનો અને મિલકત પડાવી લેવા માટે ધમકીઓ આપી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે. હાલમાં જેલવાસ ભોગવી રહેલી પૂનમે જામીન મેળવવા માટે અરજી કરી છે.
સુરતની કોર્ટમાં પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા રજૂ કરાયેલી સાત પાનાની વિસ્તૃત એફિડેવિટમાં દાવો કરાયો છે કે, ઘેલાણી પર દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યો હતો. આ ફોનના કારણે તુષાર ઘેલાણી અત્યંત હતાશ થઈ ગયા હતા. પરિવારે પૂછ્યું ત્યારે ઘેલાણીએ ભીની આંખે કહેલું કે, પૂનમે દીકરીના લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી છે. ઘેલાણીએ કહેલું કે, પૂનમ વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે તેથી હું હારી ગયો છું અને હવે મારાથી જીવાતું નથી. ઘેલાણીએ દીકરીનો લગ્ન પ્રસંગ સુખેથી પતી જાય એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
પોલીસ એફિડેવિટમાં દાવો કરાયો છે કે, તુષાર ઘેલાણીની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જતાં તેમની બંને દીકરીઓ જાતે પૂનમ ભદોરિયાના ઘરે ગઈ હતી. બંને દીકરીઓએ પૂનમને પોતાના પિતાને હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પૂનમે પોતાને મિલકતમાં ભાગ મળવો જોઈએ એવી માગણી કરી હતી. પૂનમે દીકરીઓને પણ ધમકી આપી હતી કે, મિલકતમાં હિસ્સો નહીં મળે તો તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.
એફિડેવિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂનમે તુષાર ઘેલાણીને ઇમોશનલ બ્લેકમેલ કરી કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી. પૂનમ શાળામાંથી નફાની સાથે પગાર પણ લેતી હતી અને પોતાના પરિવારજનોને પણ પગાર આપતી હતી. પૂનમે ઘેલાણી પર દબાણ કરીને ઉમરા ઝોનમાં આવેલી લગભગ 1.07 કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી હતી.
પોલીસે આક્ષેપ કર્યો છે કે, તુષાર ઘેલાણીને આપઘાતના પ્રયાસ બાદ મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે પણ આરોપી પૂનમ અને તેની બહેન પ્રિયા ચૌહાણે હોસ્પિટલમાં અસભ્ય વર્તન કર્યું હતું. તુષારઘેલાણીનાં પત્ની પલ્લવી અને અન્ય પરિવારજનોની હાજરીમાં આ બંને બહેનોએ ઉશ્કેરાઈને ઝઘડો પણ કર્યો હતો કે જે તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની લાઉસન્સવાળી રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા પણ ઈજા ગંભીર હોવાથી પાંચ દિવસ પછી બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા.