Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં ટ્યુશન ક્લાસમાં બેસવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીએ સગીર પર કર્યો છરાથી હુમલો

2026-03-16 11:24:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: શહેરમાં સેવન્થ ડે સ્કૂલની ચકચારી ઘટના બાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલી સામાન્ય તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારે બપોરે હીરાવાડી પાસે એક વિદ્યાર્થીએ તેના જ ક્લાસમેટ પર છરા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી સગીર બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહે છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. ફરિયાદી અને હુમલો કરનાર બંને બાપુનગર સ્થિત 'કોમર્સ એક્સપર્ટ ટ્યુશન ક્લાસીસ'માં સાથે અભ્યાસ કરે છે. ટ્યુશનમાં રૂમમાં જગ્યા ન હોવાથી હુમલો કરનાર સગીરને બીજા રૂમમાં બેસવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ, બપોરે આશરે 1:15 વાગ્યે જ્યારે ભોગ બનનાર હીરાવાડીમાં ભુમિયા ડેરી પાસે ઉભો હતો, ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. ટ્યુશનમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી દેવે પોતાની કમરના ભાગેથી છરો કાઢી જૈનિલના પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ભોગ બનનારનો મિત્ર તેને રિક્ષામાં સારવાર માટે લઈ ગયો હતો. બાપુનગર પોલીસે આ મામલે પોલીસ ફરિયાદના આધારે આરોપી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1) અને 296(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ લોહિયાળ હુમલાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.