Mon Jul 27 2026

Logo

UPમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડા અને વરસાદે લીધો 104 લોકોનો ભોગ

2026-05-14 17:04:00
Author: Savan Zalariya
Article Image

ઉત્તર પ્રદેશનાં વાતાવરણમાં અચાનક  પલટો આવ્યો છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી, મૃત્યુઆંક 100 સુધી પહોંચ્યો છે. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, રાજ્યભરમાં અનેક ઇમારતોને નુકશાન પહોંચ્યું હતું.

ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે ગુરુવારે માહિતી આપી હતી કે છેલ્લા 36 થી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં અવિરત વરસાદ, વીજળી અને વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 104 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ અધિકારીઓને નિરીક્ષણ કરવા માટે પણ આદેશો આપવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે અને 24 કલાકની અંદર નાણાકીય સહાયનું વિતરણ કરવાનો આદેશ આપ્યો છે.

વરસાદ અને વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જાનહાની પ્રયાગરાજમાં નોંધાઈ, હજુ સુધી મૃત્યુઆંક 21 સુધી પહોંચ્યો છે, જ્યારે ભદોહીમાં 18, મિર્ઝાપુરમાં 15, ફતેહપુરમાં 10, ઉન્નાવ અને બદાઉનમાં 6-6, પ્રતાપગઢ અને બરેલીમાં 4-4, સીતાપુર, રાયબરેલી અને ચંદૌલીમાં 2-2 લોકોના મોત થયા છે. કૌશામ્બી, શાહજહાંપુર, સોનભદ્ર અને લખીમપુરમાં એક-એક મૃત્યુ નોંધાયું છે. વધુમાં, 130 પશુના મોત થયા છે, અને 98 ઘરોને નુકસાન થયું છે.

બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની આંધી આવી હતી. ભારે પવનને કારણે હોર્ડિંગ્સ અને ટીન શેડ ઉખડીને ઉડી ગયા હતાં.

વૃક્ષો પાડવાને કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો પાડવાથી વાહનો કચડાઈ ગયા હતા. વાવાઝોડાને કારણે ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે.