ઉમેશ ત્રિવેદી
પ્રથમ સમરીએ ગણપતિ દેવા. દેવોમાં સૌ પ્રથમ પૂજા ગણપતિની કરવામાં આવે છે. મુંબઈ અને ગણપતિ એ એકબીજાનાં પૂરક છે.અહીં 10-10 દિવસનો ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર ખૂબ જ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકરથી માંડીને મૂકેશ અંબાણીના પરિવાર સુધી અનેક સેલિબ્રિટીઓ આ મંદિરની વારંવાર મુલાકાત લેતા હોય છે.
આ મંદિર ભક્તોની આસ્થાનું જીવંત સ્થળ છે અને સાથોસાથ તે ઐતિહાસિક પણ છે. સિદ્ધિવિનાયક મંદિર 1801ની સાલમાં 19મી નવેમ્બરના બંધાયું હતું. તે દિવસે ગુરુવાર હતો અને હિન્દુ કેલેન્ડર મુજબ શકે 1723ના કાર્તિક સુદ ચર્તુદશીના આ મંદિરની સ્થાપના થઈ હતી. મૂળ મંદિર 3.60 મીટર બાય 3.60 મીટર વિસ્તારમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંદિરને સ્થાને અત્યારે તો વિશાળ બાંધકામ ઊભું કરાયું છે અને ટૂંક સમયમાં જ હજી આ મંદિરનો વિકાસ કરવાની યોજના ઘડવામાં આવી છે. જેથી દેશભરમાંથી આવતાં શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકશે.
આ પ્રાચીન મંદિર બંધાયું ત્યારે 450 મિ.મી.ની જાડી ઈટની દીવાલોથી તે ચણવામાં આવ્યું હતું અને તેમાં ગુંબજ બનાવવામાં આવ્યો હતો અને ગુંબજના મધ્યમાં કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રાચીન મંદિર કાકાસાહેબ ગાડગીલ માર્ગ અને પ્રભાદેવીના એસ. કે. બોલે માર્ગના જંકશન પર બાંધવામાં આવ્યું હતું.
શ્રીમતી દેવુબાઈ પાટીલે આ મંદિર બંધાવ્યાનો ઈતિહાસ છે. દેવુબાઈ પાટીલે પ્રોફેશનલ કોન્ટ્રાક્ટર લક્ષ્મણ વિઠુ પાટીલને આ મંદિર ઊભું કરવાની વિનંતી કરી હતી અને તે માટેની બધી જ નાણાકીય મદદ દેવુબાઈ પાટીલે પૂરી પાડી હતી. દેવુબાઈ પાટીલ આગરી સમાજની મહિલા હતી અને તે ખૂબ જ ધનાઢ્ય હતી. પણ નિ:સંતાન હતી.
તેણે આ મંદિર બંધાવતાં પહેલાં ભગવાન ગણેશને પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, ‘હું તો નિ:સંતાન છું, પણ જે મહિલાઓ નિ:સંતાન હોય પણ એ આ મંદિરમાં દર્શન કર્યાં પછી માતા બને એવા આશીર્વાદ તમે આપજો. ગણપતિએ દેવુબાની પ્રાર્થના સ્વીકાર કરી અને ત્યાર પછી અનેક નિ:સંતાન દંપત્તીને ત્યાં સંતાન થયાના રેકોર્ડ છે. તેથી જ આ સિદ્ધિવિનાયક મંદિરને ‘નવસાચા ગણપતિ’ અથવા ‘નવસાલા પાવણારા ગણપતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીની જે મૂર્તિ છે એ એક કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. લગભગ અઢી ફૂટ (750 મિ.મી.)ની ઊંચાઈ અને બે ફૂટ (600 મિ.મી.)ની જાડાઈ ધરાવતા આ પથ્થરમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ ગણપતિની બીજી મૂર્તિ કરતાં ઘણી રીતે અલગ છે.
ગણપતિની આ મૂર્તિના ઉપરના બંને હાથ (ડાબા અને જમણા)માં કમળ અને કુહાડી છે. જ્યારે જમણા અને ડાબા નીચેના હાથમાંથી એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં મોદકથી ભરેલો ‘બાઉલ’ છે. તેમના ખભા પર જનોઈને સ્થાને સાપ વીંટળાયેલો છે અને સાથે જનોઈ પણ છે જે ડાબા ખભાથી શરૂ થઈને તેમના પેટ સુધી જાય છે. આ દૂંદાળા દેવના કપાળ પર ભગવાન શિવની જેમ જ ત્રીજી આંખ પણ દેખાય છે. આ ગણપતિની મૂર્તિની બંને બાજુમાં રિદ્ધિ અને સિદ્ધિ પણ દેખાય છે.
લગભગ 125 વર્ષ અગાઉ, અક્કલકોટ સ્વામી સમર્થના અનુયાયી સ્વ. રામકૃષ્ણ જાંભેકર મહારાજ જેઓ ગણપતિના જ ઉપાસક હતા તેમણે સ્વર્ગસ્થ પૂજારી ગોવિંદ ચિંતામણ પાઠકને આ મંદિરની જવાબદારી સોંપતા ધાર્મિક પૂજા અને નિયમિત રીતે શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરવાનું સોંપ્યું હતું. ત્યારથી તેમના વંશજ આ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.
નાનકડાં અમથા મંદિરથી શરૂઆત કર્યાં પછી શ્રદ્ધાળુઓ આસ્થાનું સ્થાન બનેલા આ સિદ્ધિવિનાયક મંદિરનો વિસ્તાર વધતો ગયો. એક સમયે નાનકડી અમથી જગ્યાથી શરૂ થયેલા આ મંદિરની આસપાસની 2,550 ચો. મીટર જગ્યા મંદિરના ટ્રસ્ટે ખરીદી લીધી હતી. તે સમયે મંદિરની પૂર્વ દિશામાં અને દક્ષિણ દિશામાં 30 બાય 40 ચોરસ મીટરના બે નાનકડા તળાવ હતા.
આ તળાવ 19મી સદીની શરૂઆતમાં નર્દૂલાએ બંધાવ્યા હતા. તે સમયે આ વિસ્તારમાં પાણીની અછત હોવાથી આ બે તળાવ બાંધવામાં આવ્યા હતા. જો કે, ધીમે-ધીમે આને પૂરવામાં આવ્યા અને તેની જમીન પણ ટ્રસ્ટ પાસે જ હતી. અગાઉ અહીં એક ધરમશાળા પણ હતી, જ્યાં બહારગામથી આવનારા ભક્તજનો રોકાઈ શકતા હતા.
મંદિરના પરિસરમાં પથ્થરમાંથી બનાવાયેલી દીપમાળાઓ પણ છે. મંદિર પરિસરની આસપાસ ધીમે-ધીમે બહુમાળી ઈમારતો ઊભી થવા લાગી હતી. પણ 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી લગભગ 1952થી જ સિદ્ધિવિનાયક મંદિરની લોકપ્રિયતા વધવા લાગી અને ભક્તજનોનો ધસારો વધવા લાગ્યો હતો.
1990માં મહારાષ્ટ્ર સરકારે આ મંદિરના પુનનિર્માણ કાર્ય હાથ ધર્યું હતું. જે ત્રણ વર્ષે પૂરું થયું હતું. આ મંદિરનું પુનનિર્માણનું કાર્ય શરદ આઠવલે નામના આર્કિટેક્ટે કર્યું હતું. અત્યારે છ માળ જેટલી ઊંચાઈ ધરાવનારા આ મંદિરમાં ગણેશજીની મૂર્તિ એ જ રાખવામાં આવી છે, કારણ કે એ ભક્તજનોના આસ્થાનું પ્રતીક છે.
આ મંદિરના પુનર્નિમાણ દરમિયાન ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે મધ્યમાં એક મોટો ગુંબજ છે ને આજુબાજુમાં બીજા 37 ગુંબજ જેવા થાંભલા ઊભા કરાયા છે અને આ બધા પર સોનાના કળશની સ્થાપના કરવામાં આવી છે.
અત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો હવે મોટા પાયે પુનર્વિકાસ થવાનો છે. ‘શ્રી સિદ્ધિવિનાયક મંદિર કોરિડોર પ્રોજેક્ટ’ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ હાલમાં કર્યો હતો. આ ભવ્ય કોરિડોરના નિર્માણ સાથે મંદિરમાં આવનારા લાખો ભક્તજનોને હવે વિશ્ર્વકક્ષાની અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર એ ભારતના ધનાઢય મંદિરોમાંનું એક મંદિર ગણાય છે. અહીં વરસે દહાડે કરોડો રૂપિયાનું દાન જમા થાય છે.