Mon Jul 27 2026

Logo

ઈશાન કિશનની તોફાની બેટિંગથી SRHની મોટી જીત, બેંગ્લુરૂને 55 રનથી હરાવ્યું

2026-05-23 00:03:00
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચેની મેચમાં હૈદરાબાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પહેલી ઇનિંગ્સમાં હૈદરાબાદની ટીમે 20 ઓવરના અંતમાં કુલ 255 રન 5 વિકેટના નુકસાનથી બનાવ્યા હતા. જે રન ચેઝ કરવા માટે ઊતરેલી બેંગ્લુરૂની ટીમ આ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ ગઈ હતી. વિરાહ કોહલી અને ઐય્યર સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. હૈદરાબાદે આ મેચ 55 રનથી જીતી લીધી હતી, જ્યારે બેંગ્લુરૂની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી 200 રન બનાવી શકી હતી. 

ધમાકેદાર ઈશાન કિશન
ઈશાન કિશને ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી, જ્યારે હરિફ ટીમમાંથી રજત પાટીદારે હાફ સેન્ચુરી ફટકારી હતી. હૈદરાબાદની ટીમમાંથી અભિષેક શર્માએ 22 રનમાં 56, ઈશાન કિશને 46 રનમાં 79 રન, ક્લાસેને 24 બોલમાં 51 રન કર્યા હતા. ઈશાન કિશને ફોર-સિક્સની ધમાકેદાર બેટિંગ કરીને મેદાન પર પોતાની તાકાત બતાવીને હરીફ ટીમને ચોંકાવનારો લક્ષ્યાંક આપ્યો હતો, ખાસ કરીને ઓફસાઈડમાં અને થર્ડમેન તરફ ફોર ફટકારીને ઈશાને સ્કોરબોર્ડને સતત અને સખત રીતે ફરતું રાખ્યું હતું. વાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની કરવામાં આવે તો ઐય્યર અને વિરાટ કોહલીએ સામાન્ય શરૂઆત કરી હતી. રજત પાટીદારે 39 બોલમાં 56 રન કર્યા હતા. ઐય્યરે 19 બોલમાં 44 રન કર્યા હતા, વિરાટ કોહલીએ 11 બોલમાં માત્ર 15 જ રન કર્યા હતા. હૈદરાબાદની ટીમમાંથી ઈશાન કિશનનો આ દિવસ હતો અને તે ટીમ માટે ખરા અર્થમાં હીરો સાબિત થયો હતો. 

આ રીતે પલટાયું મેચનું પાસું
શરૂઆતની ઓવરમાં અભિષેકના બે કેચથી મેચનું પાસું પલટાયું હતું જ્યારે 11મી ઓવર બાદ સ્મરણના કેચથી મેચની જીત હૈદરાબાદના નામે થઈ ગઈ હતી. બે વિકેટ મલિંગાએ, એક વિકેટ સાકિબે અને એક વિકેટ ટ્રેવિસ હેડે લીધી હતી. જ્યારે હૈદરાબાદની ઈનિંગ્સમાં સુયશ શર્મા, રસિખ સલામ અને કૃણાલ પંડ્યાએ મહત્ત્વની વિકેટ ખેરવી હતી. ક્લાસેનને આઉટ કરવામાં વેંકટેશ ઐય્યરે કરેલા કેચની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય હૈદરાબાદને ફળ્યો હતો. અંતમાં નિતિશ કુમાર રેડ્ડીએ 12 બોલમાં 29 રન કરીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો હતો.  બેંગ્લુરૂની ટીમના પ્રયાસ લક્ષ્યાંક સુધી પહોંચવાના હતા પણ 20 ઓવરમાં તે 200 રન સુધી પહોંચી શકી હતી. ઈશાન, અભિષેક અને ક્લાસેનની હાફ સેન્ચુરીથી ટીમનો સ્કોર મોટો થયો હતો. આમ હૈદરાબાદે બેંગ્લુરૂને 55 રનથી માત આપી હતી.

મેચનો ટર્નિંગ પોઈન્ટ
13મી ઓવરમાં, સાકિબ હુસૈને એક મજબૂત સ્પેલ ફેંક્યો, જેમાં ફક્ત 6 રન આપ્યા. કૃણાલ પંડ્યાએ બાઉન્ડ્રી ફટકારી હોવા છતાં, બેંગલુરુના બેટ્સમેનો બાકીના બોલમાં મોટા શોટ રમવામાં અસમર્થ રહ્યા. સાકિબના ધીમા બોલ અને ચોક્કસ લાઇન અને લેન્થને કારણે સ્કોરિંગ રેટ પર બ્રેક લાગી. 13 ઓવર પછી, આરસીબીનો સ્કોર 3 વિકેટના નુકસાને 127 રન હતો, જેમાં રજત પાટીદાર (21) અને કૃણાલ પંડ્યા (21) પર રમતા હતા.