Mon May 25 2026

Logo

વિશેષઃ આધ્યાત્મના માર્ગે ઉદ્યમ જ ભૈરવ છે

2026-05-25 16:02:53
Author: Mumbai Samachar Team
Article Image

રાજેશ યાજ્ઞિક

આપણે શરૂઆત કરી હતી શાસ્ત્રના સૂત્ર ઉદ્યમ જ ભૈરવ છે થી. ઓશો રજનીશે ભૈરવની વ્યાખ્યા સમજાવતા કહ્યું, ભૈરવ શબ્દની પરિભાષા સમજવાની જરૂર છે. ‘ભ’ નો અર્થ ભરણ, ‘ર’ નો અર્થ રવણ, અને ‘વ’નો અર્થ વમન. ભરણનો અર્થ ધારણ કરવું, રવણનો અર્થ વિનાશ અને વમનનો અર્થ વિસ્તાર થાય છે. ભૈરવનો અર્થ થાય છે: બ્રહ્મ - જે ધારણ કરે છે, જે ટકાવી રાખે છે, જેમાં આપણે જન્મ લઈશું, અને જેમાં આપણે અદૃશ્ય થઈશું; જે વિસ્તરણ છે અને જે સંકોચન બનશે; જે સર્જનનું મૂળ છે, અને જેમાં વિનાશ થશે. એ મૂળ અસ્તિત્વનું નામ ભૈરવ છે.

આ સૂત્રમાં ઉદ્યમનો અર્થ સમજવો પણ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક લોકો ઉદ્યમને શ્રમ સમજી લે છે, પરંતુ બંને અલગ અલગ છે. શ્રમ શરીર સાથે કરવામાં આવે છે, જેમ એક મજૂર કરે છે. ઉદ્યમ શ્રમ કરતાં શ્રેષ્ઠ છે કારણ કે તે સંપૂર્ણ એકાગ્રતા સાથે કરવામાં આવે છે, અને સફળતા પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે.

જેમ સાંસારિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો પડે, તેમ આધ્યાત્મિક જાતમાં મુક્તિના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા પણ ઉદ્યમ કરવો જરૂરી છે. ઉદ્યમને પ્રાર્થના સમજવાની ભૂલ ન કરશો. પ્રાર્થના ઘણીવાર સ્વ-છેતરપિંડીનું એક સ્વરૂપ બની જાય છે. કેટલાક લોકો તો એવી રીતે પ્રાર્થના કરે છે જાણે તેઓ ભગવાન પર ઉપકાર કરી રહ્યા હોય. કેટલાક લોકો ફક્ત કંઈક માગવા માટે પ્રાર્થના કરે છે. કેટલાક એવી રીતે પ્રાર્થના કરે છે જાણે કે તેઓ ભગવાનને તેમની ભૂલો વિશે જણાવી રહ્યા હોય, કે અમારું વર્તન તો ઉત્તમ છે, પણ તેઓ આપણા પર કોઈ ઉપકાર કરતા નથી, અને અમારા દુષ્ટ પાડોશી પર બિનજરૂરી રીતે પોતાની કૃપા વરસાવી રહ્યા છે. શાત્રકારો આવો ઉદ્યમ કરવાનું નથી કહેતા. આ ઉદ્યમ નહીં, વ્યાપાર કહેવાય. ઉદ્યમ માત્ર આત્માના ઉદ્ધાર માટે થાય તે જ કહેવાય.

આત્મા આ સંસારમાં શરીરના કારાગારમાં કેદ થયેલો છે. ભવોભવના ફેરાની તેને સજા મળી છે, જેમ હત્યાના આરોપીને જન્મટીપની સજા મળી હોય તેમ. આ કારાગારમાંથી મુક્ત થવા માટે બહુ વિશેષ, બહુ ગહન ઉદ્યમની જરૂર પડે છે. તેથી જ તીર્થંકર ભગવાન મહાવીર કહે છે, ‘સમયં ગોયમ મા પમાયે’...એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. 

અનેક જન્મોની ગહેરી ઊંઘમાં આત્મા પડેલો છે. પહેલો ઉદ્યમ તો તેને જગાડવાનો છે. પહેલા એ જાણવાનો છે કે આપણે ભવોભવના ફેરામાં ઊંધે કાંધ પડ્યા છીએ અને આપણે તેમાંથી બહાર નીકળવાનું છે. એટલે સ્વયંને એ જણાવવાનો પ્રયાસ એ જ મહાન ઉદ્યમ છે. લાખો સંન્યાસીઓ, તીર્થંકરો, શાસ્ત્રકારોએ વારંવાર, અનેક રીતે, અનેક ભાષામાં, અનેક માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે જાગ્યા નહીં. આદિ શંકરાચાર્યએ જેમ કહ્યું તેમ, પુનરપિ જન્મમ, પુનરપિ મરણમ ના ચક્રવ્યૂહમાં આત્મા અભિમન્યુની જેમ અટવાયો છે. 

લોકો ફરિયાદ કરે છે, અમે તો ધર્મ-કર્મ, પૂજા-ભક્તિ બધું કરીયે છીએ. પણ ફળ મળતું નથી. કેવી રીતે મળે? કોઈ અધકચરા મનથી કરે, કોઈ દેખાદેખીમાં કરે, કોઈનું મન ભટકતું હોય, ધર્મ કરવામાં જાણે શ્રમ પડતો હોય તેવી રીતે કરે, તો સંઘ કાશીએ કેમ પહોંચે? પછી એમ લાગે કે બીજાનું તો ભલું થાય છે, અમારું જ નથી થતું. આ દુનિયામાં કોઈ અન્યાય નથી. આ દુનિયામાં જે કંઈ થાય છે તે ન્યાય છે, કારણ કે અહીં ન્યાય કે અન્યાય કરવા માટે કોઈ માનવી નથી. આ સંસારના નિયમો છે અને તે નિયમોને ધર્મ કહેવાય છે. 

સનાતન સંસ્કૃતિમાં તેને ઋત કહ્યો છે. તે અંતિમ કાયદો છે. તે તમારી સાથે ભેદભાવ રાખતો નથી, કોઈને નીચા પાડતો નથી અથવા કોઈને ઉપર ઉઠાવતો નથી, જે થાય છે, તે માત્ર આપણા કર્મ અને ભાવનું પરિણામ માત્ર છે. જો ઉદ્યમ સાચી દિશાનો હશે તો અધ્યાત્મના માર્ગે ઉન્નતિ થશે, અને મુક્તિના માર્ગે આગળ વધીશું, પરંતુ જો માર્ગ ભૂલ્યા હોઈશું કે ભટક્યા હોઈશું તો અધોગતિ થશે અને ફરી એ જ જન્મોજન્મના ફેરામાં અટવાશું. આપણે પેલું સનાતન સત્ય યાદ રાખવાનું છે, ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈ: