વરલીની ૧,૬૫૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનનું ૪૪ કલાકે સમારકામ પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં બે દિવસ પાણીપુરવઠો ઠપ્પ થયા બાદ આજથી પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવી જાહેરાત પાલિકા પ્રશાસને કરી છે. વરલીના ડૉ. ઈ. મોઝેસ રોડ પર બુધવારે ૧,૬૫૦ મિલીમીટર વ્યાસની મેઈન પાઈપલાઈનમાં પડેલા ભંગાણ બાદ યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવેલું ટેક્નિકલી પડકારજનક ગણાતું સમારકામ ૪૪ કલાકના અથાગ પ્રયાસ બાદ શુક્રવારે સાંજે પૂર્ણ થયું હતું. શુક્રવારે મોડી રાતના પાણીપુરવઠો પૂર્વવત્ કર્યા બાદ શનિવાર, નવ મે, ૨૦૨૬થી ડી, ઈ અને જી-દક્ષિણ વોર્ડમાં પાણીપુરવઠો પૂર્વવત્ થઈ જશે એવો દાવો પ્રશાસને કર્યો છે.
પાલિકાના (BMC) પાણીપુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ડૉ. ઈ. મોઝેસ રોડ પર ફેમસ સ્ટુડિયો સામે આવેલી ૧,૬૫૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં બુધવારે મોટું ભંગાણ પડતા પાઈપલાઈનમાં પાણીપુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો. બુધવાર રાતના ૧૦ વાગ્યાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે પણ આખો દિવસ સમારકામ ચાલ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ નુકસાન થયેલી પાણીની પાઈપલાઈન જમીનમાં ૧૫ ફૂટ (અંદાજે પાંચ મીટર) નીચે ખોદકામ કરીને ખોલવામાં આવી હતી. ત્યારબાદ પાઈપલાઈનમાં મૅનહોલ (મનુષ્યને પ્રવેશ કરવા) તૈયાર કરીને તેમાં અંદર રહેલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન મૅનહોલથી લગભગ ૧૨ ફૂટ (અંદાજે ચાર મીટર)ના અંતરે પાઈપલાઈનને ગંભીર નુકસાન થયું હોવાનુ જણાઈ આવ્યું હતું. પોલાદની પાઈપલાઈન પર પાંચ ફૂટ બાય ૨.૫ ફૂટના પોલાદની પ્લેટના સાત ટૂકડા ‘પૅચ વેલ્ડીંગ’ દ્વારા જોડવામાં આવ્યા હતા. અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં લગભગ ૧૫ ફૂટ ઊંડાઈએ અને ૧૨ ફૂટ લંબાઈની જગ્યામાં પ્રવેશ કરીને સમારકામ કરવામાં સફળતા મળી હતી.
પાલિકાના એડિશનલ કમિશનર, ચીફ હાઈડ્રોલિક એન્જિનિયરથી લઈને મેઈન્ટેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી, સબ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર સહિતના ૪૦થી વધુ કર્મચારીઓએ ૪૪ કલાકની જહેમત બાદ સમારકામ પાર પાડયું હતું. તેથી શુક્રવારે મોડી સાંજના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવ્યો હતો. તો શનિવારથી દક્ષિણ મુંબઈના ડી, ઈ અને જી-દક્ષિણ વોર્ડમાં પાણીપુરવઠો પૂર્વવત્ થશે.