Mon Sep 14 2026

Logo

SOGએ સામખિયાળી પાસેથી રૂ.૧૭.૯૩ લાખની કિંમતના ૩૫.૫ કિલો ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા

2026-08-04 14:24:00
Author: Mumbai Samachar Team
SOGએ સામખિયાળી પાસેથી રૂ.૧૭.૯૩ લાખની કિંમતના ૩૫.૫ કિલો ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા

ભુજઃ પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સામખિયાળી નજીકથી બાતમીના આધારે ગત મોડી રાત્રે દરોડો પાડીને રૂ. ૧૭,૯૩,૦૦૦ની કિંમતનો ૩૫.૫૯૦ કિલો માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી વનસ્પતિજન્ય નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક મહિલા અને બિહારના યુવક સહિત બે આરોપીઓની અટકાયત કરી છે.

સામખિયાળી-આંબલીયારા માર્ગ પર રાત્રી વોચ દરમિયાન સફળતા

પૂર્વ કચ્છ મિશન ડ્રગ્સ ફ્રી ઝુંબેશ અંતર્ગત પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી બોરીસાગરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી  પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક માદક પદાર્થની મોટી ખેપ પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે  મોડી રાત્રે સામખિયાળીથી આંબલીયારા જવાના માર્ગ પર વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. આ નાકાબંધી દરમિયાન બે જણની શંકાસ્પદ હલચલ જણાતાં પોલીસે તેમને ઘેરી લઈને માદક પદાર્થનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી આયુષકુમાર પવનરાય (મૂળ રહે. બિહાર) તથા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પૂછપરછ અને જડતી લેતાં  ૩૫.૫૯૦ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ ૧૭,૯૩,૦૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ૨ નંગ સ્માર્ટ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પૂર્વ કચ્છ એસઓજીએ  આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય