મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
પ્રસિદ્ધ ટીવી-પત્રકાર રાજદીપ સરદેસાઈની પત્ની અને પત્રકાર સાગરિકા ઘોષે થોડા સમય પહેલાં ટ્વિટર (હવે) પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું લગભગ બંધ કરી દીધું. કારણ? સાગરિકા મુક્ત વિચારો ધરાવતી મહિલા છે. સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર તે નિર્ભયતાથી પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતી રહી છે. સ્વાભાવિક છે કે બધા લોકોને એ વિચારો ગમે એવું જરૂરી નથી, પરંતુ અસંમતિ વ્યક્ત કરવાની જગ્યાએ કેટલાક લોકોએ તેમને ગેંગરેપ અને વસ્ત્રહરણની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. અહીં સુધી પણ કદાચ આને ‘નિર્દોષ’ દાદાગીરી કહી શકાય, પરંતુ જ્યારે કેટલાક લોકોએ તેમની નાની દીકરીનું નામ, તેની સ્કૂલ અને ક્લાસની વિગતો જાહેર કરીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું ત્યારે સાગરિકા ગભરાઈ ગઈ અને તેણે પોતાની અભિવ્યક્તિ પર જ બ્રેક મારી.
મુંબઈની મીડિયા વ્યવસાયિક અંશિકાએ સરકારનાં પુસ્તકો પર પ્રતિબંધ મૂકવાની નીતિ સામે સવાલ ઉઠાવ્યો. જવાબમાં એક વ્યક્તિએ પૂછ્યું: ‘જો તારાં મા-બાપ સેક્સ જીવન પર પુસ્તક લખે તો? ‘અંશિકાએ શાંતિથી જવાબ આપ્યો કે ‘હું એવું પુસ્તક ન વાંચું.’ ચર્ચા ત્યાં પૂરી થવી જોઈએ હતી, પરંતુ તે વ્યક્તિ રોજેરોજ ટ્વિટ કરીને અંશિકાનાં માતા-પિતાના સેક્સ જીવન વિશે કાલ્પનિક અને અશ્ર્લીલ વાર્તાઓ લખવા લાગ્યો.
સોશ્યલ મીડિયા, ખાસ કરીને ફેસબુક અને ટ્વિટર પર ટ્રોલ કે ટ્રોલિંગ શબ્દ હવે અજાણ્યો રહ્યો નથી. ટ્રોલ એવા લોકોને કહેવાય છે જે ભડકાઉ, અસંબંધિત અને ભાવનાત્મક ટિપ્પણીઓ કરીને બીજાને ઉશ્કેરે અને એમાંથી આનંદ મેળવે. અંગ્રેજીનો ‘ટ્રોલ શબ્દ સ્કેન્ડિનેવિયન પૌરાણિક ભાષા ‘ઓલ્ડ નોર્સ’માંથી આવ્યો છે. ટ્રોલ એટલે એવું કદાવર અને દુષ્ટ પ્રાણી જે લોકોને હેરાન કરે. સોશ્યલ મીડિયામાં આવા ટ્રોલ ચર્ચાની વચ્ચે ઘૂસી જાય છે અને પછી ગાળાગાળી, ધોંસ, ઉપહાસ, અપમાન અને ઉશ્કેરણીનો વરસાદ શરૂ કરે છે.
તમે ક્યારેય કોઈ સાથે તર્ક કર્યો હશે તો અનુભવ્યું જ હશે કે જ્યારે સામેની વ્યક્તિ પાસે દલીલો ખૂટી જાય અથવા તેને લાગે કે તે ખોટી સાબિત થઈ રહી છે ત્યારે તે ચર્ચાનો રસ્તો છોડીને વ્યક્તિગત હુમલા પર ઊતરી આવે છે. વિચારોની હિંસા પણ શારીરિક હિંસા જેટલી જ વાસ્તવિક છે. બંનેનું મૂળ એક જ છે- સામેની વ્યક્તિને નીચી દેખાડવાની, અપમાનિત કરવાની અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની ઇચ્છા.
અંગ્રેજીમાં એક શબ્દ છે- ‘સ્ટોકિંગ’ એટલે કોઈનો પીછો કરવો. ફિલ્મ ‘ડર’માં જુહી ચાવલા શાહરુખ ખાનને ભાવ નથી આપતી એટલે તે તેનો પીછો કરે છે. હકીકતમાં તે પ્રેમ નથી કરતો, તે અસ્વીકારથી ઘવાયેલા પોતાના અહંકારનો બદલો લેવા માગે છે. જુહીને ડરાવીને, બેઇજ્જત કરીને.
ટ્રોલિંગ અને સ્ટોકિંગ વચ્ચેનો માનસિક આધાર એક જ છે. સામેની વ્યક્તિને અપમાનિત કરીને આપણે પોતાને વધુ શક્તિશાળી અનુભવીએ છીએ.
ટ્રોલિંગમાં ટોણા મારવા, ઉપહાસ કરવો, મજાક ઉડાવવી અને જાહેરમાં નીચું દેખાડવાની વૃત્તિ છુપાયેલી હોય છે. એક વખત શિવસેનાએ દશેરાની રૅલી પહેલાં એવાં પોસ્ટરો લગાવ્યાં હતાં, જેમાં વિશાળ કદના બાળ ઠાકરે સામે નાના કદના નરેન્દ્ર મોદી માથું નમાવીને ઊભા હોય. બીજી તરફ બિહારની ચૂંટણીમાં મોદીએ લાલુપ્રસાદ યાદવને ટોણો માર્યો હતો કે તેમના દીકરાઓને 1.25 લાખ કરોડ રૂપિયા લખતાં પણ આવડે છે કે નહીં?
ટ્રોલિંગ એટલે ભાવનાત્મક હિંસા. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસંગે પાંડવોએ કૃષ્ણને મુખ્ય અતિથિ બનાવ્યા. શિશુપાળને આ પોતાનું અપમાન લાગ્યું. તેણે કૃષ્ણનું સતત અપમાન કરવાનું શરૂ કર્યું. સભા અસ્વસ્થ થઈ ગઈ, પરંતુ કૃષ્ણ શાંત રહ્યા. જ્યારે શિશુપાળે અપમાનની સીમા વટાવી ત્યારે જ કૃષ્ણે સુદર્શન ચક્ર ચલાવ્યું.
શારીરિક હિંસા માપી શકાય છે, સાબિત કરી શકાય છે અને કાયદો તેને અપરાધ માને છે, પરંતુ શાબ્દિક અને ભાવનાત્મક હિંસાને આપણે હજુ એટલી ગંભીરતાથી લીધી નથી. હું તમને ટોણા મારું, તમારી સતત ઉપેક્ષા કરું, તમારા ધર્મ કે જાતિને ગાળો દઉં, તમને મૂર્ખ, કમઅક્કલ કે નકામા ગણાવું - તો તેને આપણે હિંસા ગણતા નથી, પરંતુ આ પણ હિંસા જ છે. ગલીનો ગુંડો છરીથી હુમલો કરે છે. બૌદ્ધિક ગુંડો શબ્દોથી હુમલો કરે છે. પહેલા ગુંડાને સજા કરવાની વ્યવસ્થા છે, બીજા માટે નથી, કારણ કે આપણે હજુ માનસિક હિંસાને હિંસા તરીકે સ્વીકારી જ નથી. કોઈ પતિ પત્નીને રોજ મારે તો તે ઘરેલુ હિંસા કહેવાય, પરંતુ કોઈ ‘સંસ્કારી’ પતિ રોજ અપમાન, અવગણના અને માનસિક યાતના આપે તો તેને સાબિત કરવું મુશ્કેલ બને છે. ઊલટાનું, સમાજ ઘણી વાર પત્નીને જ ‘ભાવનાત્મક રીતે નબળી’કહીને દોષી ઠેરવે છે.
માનસિક હિંસા એ પોતાની માન્યતા, પોતાની લાગણી કે પોતાના વિચારો બીજી વ્યક્તિ પર થોપવાની જીદમાંથી જન્મે છે. આ જીદનું મૂળ અંકુશમાં છે. સામેની વ્યક્તિ પર પોતાનો કાબૂ સ્થાપિત કરીને પોતાની શ્રેષ્ઠતાનો અનુભવ કરવો. અંકુશ- ચાહે શારીરિક બળથી સ્થાપિત થાય કે બૌદ્ધિક બળથી - આખરે હિંસાનું જ એક સ્વરૂપ છે. કદાચ એટલે જ પતિથી લઈને પિતા, સ્કૂલથી લઈને પોલીસ અને ધર્મથી લઈને રાજસત્તા સુધી દરેક વ્યવસ્થાને અંકુશ ગમે છે.
આદિ શંકરાચાર્યએ મંડન મિશ્રને શાસ્ત્રાર્થમાં હરાવ્યા, એ જ્ઞાનની સીમાઓ વિસ્તરવાનો પ્રસંગ હતો કે બૌદ્ધિક બાહુબળનું પ્રદર્શન? અદાલતોમાં વકીલો પણ પોતાના-પોતાના સત્ય માટે દલીલો કરે છે. શાસ્ત્રાર્થ હોય કે અદાલત, અખાડો હોય કે સોશ્યલ મીડિયા - દરેક જગ્યાએ કેટલાક લોકો દલીલોના પહેલવાન હોય છે, પરંતુ ચર્ચા ત્યાં સુધી જ અર્થપૂર્ણ છે જ્યાં સુધી તેનો હેતુ સમજણને વિસ્તૃત કરવાનો હોય. જે ક્ષણે ચર્ચાનો હેતુ સામેની વ્યક્તિને હરાવવાનો, નીચી પાડવાનો કે અપમાનિત કરવાનો બની જાય એ ક્ષણે ચર્ચા સંવાદ નથી રહેતી, એ હિંસામાં ફેરવાઈ જાય છે.
ભારતીય જ્ઞાનપરંપરાએ સાંભળવું, સમજવું અને પચાવવું - આ ત્રણેયને જ્ઞાનની અનિવાર્ય શરત માન્યા હતા. સોશ્યલ મીડિયાના યુગમાં આ ત્રણેય કળા ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હવે આપણે સાંભળવા કરતાં વધુ બોલીએ છીએ, સમજવા કરતાં વધુ પ્રતિક્રિયા આપીએ છીએ અને વિચારવા કરતાં વધુ ટ્રોલ કરીએ છીએ.
ગૌતમ બુદ્ધે કહ્યું હતું, ‘દરેક સત્યની સામે બીજું પણ એક સત્ય હોય છે.’ સોશ્યલ મીડિયાએ આ વાક્યમાં એક નાનો સુધારો કર્યો છે - ‘હવે હર એક સત્યની સામે એક ટ્રોલ પણ હોય છે.’