Mon Jun 08 2026

Logo

મુંબઈગરાને મળશે અત્યાધુનિક આરોગ્ય સેવા

2026-03-27 20:58:38
Author: Sapna Desai
Article Image

સાયન હૉસ્પિટલના આધુનિકરણ માટે  ૨,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે: મુખ્ય પ્રધાન હૉસ્પિટલમાં વધારાના ૩,૨૮૬ બેડ ઉપલબ્ધ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત લોકમાન્ય ટિળક મહાનગરપાલિકા જનરલ હૉસ્પિટલ (સાયન)ના બીજા તબક્કામાં પુનર્વિકાસના કામનું ભૂમિપૂજન  શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે  મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પ્રત્યેક મુંબઈગરાને આગામી સમયગાળામાં ઉત્તમ દરજ્જાની અને મફત આરોગ્ય સુવિધા મળી રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત સાયન હૉસ્પિટલમાં દર્દી માટે વધારાના બેડ ઉપલબ્ધ થવાની સાથે જ કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આખી બિલ્ડિંગ ઊભી કરવામાં આવવાની છે.

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત નાયર અને કેઈએમ બાદ  સાયન હૉસ્પિટલ મહત્વની અને મોટી હૉસ્પિટલ ગણાય છે. તેનું પુનર્વિકાસનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બીજા તબક્કાના કામમાં હૉસ્પિટલની મેઈન બિલ્િંડગની સાથે જ કેન્સર અને ઈમરજન્સી સર્વિસ એન્ડ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવવાનો છે.

તે માટે ૨,૫૦૦ કરોડ રૂપિયાનો  ખર્ચ કરવામાં આવવાનો છે. આ કામ નવેમ્બર ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવામાં આવવાનું છે. હૉસ્પિટલમાં બાંધવામાં આવનારી નવી અત્યાધુનિક બિલ્િંડગને કારણે દર્દીઓ સમાવવાની ક્ષમતા પહેલા કરતા બમણી થઈ જશે. હૉસ્પિટલની ચાર બિલ્િંડગના માધ્યમથી કુલ ૩,૨૮૬ બેડ દર્દી માટે  ઉપલબ્ધ થશે. અત્યાધુનિક યંત્રણા સહિત વિવિધ સુવિધા સાથે હૉસ્પિટલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં કેન્સરના વધતા દર્દીની સંખ્યાને જોતા કેન્સર માટે આખી નવી બિલ્િંડગ ઊભી કરવામાં આવવાની છે. તેથી ટાટા કેન્સર હૉસ્પિટલ  પરની તાણ ઓછી થશે.