ભરત પટેલ
કુમાર કાર્તિકેય કૃત્તિકા લોક પહોંચતાં જ માતાઓ કુમારને ઘેરી વળે છે. કુમારની માંગણી થતાં જ કૃત્તિકા માતાઓ ભોજન બનાવવામાં વ્યસ્ત થઇ જાય છે. ભોજન તૈયાર થતાં જ કુમાર કાર્તિકેય કહે છે, ‘માતા હું સ્વહસ્તે તો ભોજન દરરોજ કરું છું પણ માતાઓ તમારા હાથે આરોગેલું ભોજનનો સ્વાદ કંઈ અલગ જ હોય છે.’ આટલું સાંભળતાં જ માતા સીવા, માતા સંભુતી, માતા પ્રિતી, માતા સન્નતી, માતા અનાસુયા અને માતા ક્ષમા કુમાર કાર્તિકેયને હજીયે બાળ હોવાની પ્રસન્નતા સાથે ભોજન કરાવે છે. ત્યારબાદ કુમાર કાર્તિકેય પોતાના હાથે કૃત્તિકા માતાઓને ભોજન કરાવતાં માતાઓ જીવનમાં સંતુષ્ટી અનુભવે છે.
પોતાના આગમનથી માતાઓને થઈ રહેલા આનંદને જોઈ કુમાર કાર્તિકેય થોડો સમય કૃત્તિકા લોક નિવાસ કરે છે. બીજી તરફ બ્રહ્મલોક ખાતે બ્રહ્માજી ધ્યાન મગ્ન હોય છે. ધ્યાન દરમિયાન તેમને બગાસું આવતાં બગાસામાંથી એક સિંદૂરી શરીર ધરાવતા યુવાનની ઉત્પત્તિ થાય છે. યુવાન જમીન પર પગ મૂકતાં જ બ્રહ્મલોક ભૂકંપ જેવી કંપારી અનુભવે છે. યુવાન બ્રહ્માજીને કહે છે, ‘તમારામાંથી મારી ઉત્પત્તિ થઈ હોવાથી આપ મારા પિતા જ હશો મને જણાવવાની કૃપા કરો કે તમે કોણ છો.’ બ્રહ્માજી કહે છે, ‘અવશ્ય હું તમારો પિતા છું, હું સૃષ્ટિનો સજર્ર્ક બ્રહ્મા છું.’
યુવાન બ્રહ્માજીને કહે છે, ‘પિતાશ્રી મને મારું નામ અને ક્યાં નિવાસ કરું તેની જાણકારી આપો.’ બ્રહ્માજી કહે છે ‘પુત્ર તમારું શરીર સિંદૂરી છે, એટલે હું તમારું નામ સિંદૂર રાખું છું. તમારામાં ત્રણે લોકોને વશમાં કરવાનું અદ્ભુત સામર્થ્ય હશે. જાઓ ત્રણે લોકમાંથી તમને યોગ્ય લાગે ત્યાં નિવાસ કરો.’ સિંદૂર પૃથ્વી લોક પહોંચી એક ગામમાં ત્યાંના માનવોને હાનિ પહોંચાડવાની શરૂઆત કરે છે. ગામના યુવાનો એકઠા થઈ એકસાથે સિંદૂર પર તૂટી પડે છે. સિંદૂર ત્યાંથી પલાયન થઈ જાય છે અને બીજા ગામ પહોંચે છે. ત્યાંથી પણ સિંદૂર પાસે પલાયન થવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ત્યાંથી પલાયન થઈ એક નદી કિનારે પહોંચે છે.
એક સાધુ મહાત્મા ધ્યાન મગ્ન હોય છે. સિંદૂર તેમને પૂછે છે, ‘એ માનવ! તું કોણ છે આવી મોટી મોટી દાઢી રાખીને તું શું કરી રહ્યો છે.’ સાધુ મહાત્મા કહે છે, ‘હું સાધુ છું, ભગવાન શિવની આરાધના કરી રહ્યો છું. ભગવાનની આરાધના કરવાથી ભગવાન પ્રસન્ન થાય અને તમે જે મનવાંછિત વરદાન માગો એ આપે.’ સિંદૂર વિચાર કરે છે કે પિતાશ્રીએ કહ્યું હતું કે તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે. હવે મને સમજણ પડી રહી છે કે પિતાશ્રી મને પણ આરાધના કરી વરદાન માંગવાનું કહી રહ્યા હતાં. આટલું વિચારી સિંદૂર પણ એકાંત વનમાં જઈ ધ્યાન મગ્ન થઈ જાય છે. ઘણા વરસો સુધી ભગવાન શિવની આરાધના કરતાં ભગવાન શિવ વરદાન આપવા સિંદૂર પાસે પહોંચે છે.
*
ભગવાન શિવ: ‘સિંદૂર આંખ ખોલો, માગો શું વરદાન જોઈએ છે?’
સિંદૂર: ‘શું તમે જ ભગવાન શિવ છો?’
ભગવાન શિવ: ‘અવશ્ય હું જ શિવ છું, હું તમારી આરાધનાથી પ્રસન્ન છું, વરદાનમાં શું જોઈએ છે એ કહો.’
સિંદૂર: ‘પ્રભુ મને પિતાશ્રીએ કહ્યું હતું કે ‘તમને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. પુત્ર તમને દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે. પ્રભુ મને આ જ વરદાન આપો.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ!’
સિંદૂર ફરી એ ગામમાં જતાં ત્યાંના ગામવાસીઓ તેને ચેતવણી આપે છે કે અહીંથી ચાલ્યો જા. પણ સિંદૂર હવે વરદાની હોવાથી એક બે જણને પોતાની ભુજામાં જકડી લેતાં તેઓ ત્યાંજ પોતાનો જીવ ગુમાવી બેસે છે. હવે આ જોઈ ગામવાસીઓ ભયભીત થઈ જાય છે.’
સિંદૂર: ‘એ ગામવાસીઓ... હું વરદાની છું, મારે જ્યાં રહેવું હોય ત્યાં રહી શકું છું. તમારું હિત ઈચ્છતા હોવ તો તુરંત મારી પૂજા કરી મને ભોગ ધરાવો.’
ભયભીત ગામવાસીઓ તેની પૂજા કરી તેને ભોગ ધરાવે છે. દરરોજ નવા નવા ભોગ મેળવી સિંદૂર પોતાને જ ભગવાન માનવા લાગે છે અને ભોગ ચઢાવવા આવનાર ગામવાસીઓને આશીર્વાદ આપે છે. ગામવાસીઓમાં સિંદૂર સમયાંતરે સિંદૂરાસુર નામ પ્રખ્યાત થવા માંડે છે. ગામવાસીઓ વિચારે છે કે સિંદૂરાસુરને કેટલો વખત અહીં પાળવો અંતે તેઓ યુક્તિ કરે છે અને સિંદૂરાસુરને વિનંતી કરતા કહે છે.
ગામવાસીઓ: ‘પ્રભુ સિંદૂરાસુર! તમે અહીં રહીને તમારી ખ્યાતિને વિકસાવી નથી રહ્યા, તમને તો વરદાન છે કે તમને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્ય હરાવી નહીં શકે, તમે તો સ્વર્ગલોકના સ્વામી બનવાને પાત્ર છો અહીં તમને શું મળશે, ત્યાં સ્વર્ગલોકમાં મનોરંજનનાં ખૂબ સાધનો છે. ત્યાં તો અપ્સરાઓ હોય છે જે તમને નૃત્ય પાન કરાવશે, અહીં કરતા સ્વર્ગલોકના રાજા બની તમે વધુ ખ્યાતિ પામશો.’
સિંદૂરાસુર: ‘ગામવાસીઓ મને લાગે છે કે તમે સાચું જ કહી રહ્યા છો, અહીં કંઈ જ નથી તમે જ ગરીબ છો.’
સિંદૂરાસુર ગામવાસીઓની વાત માની ત્યાંથી સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. સિંદૂરાસુર સ્વર્ગલોક પહોંચતાં જ સ્વર્ગલોકના દ્વારપાલને કહે છે, ‘હે દ્વારપાલ, હવેથી હું તારો સ્વામી સિંદૂરાસુર છું, જા ઇન્દ્રને કહે કે મારો સેવક બની મારું સ્વાગત કરવા અહીં આવે. મારા આશીર્વાદ લઈ મને રાજગાદી પર બેસાડે.’
આટલું સાંભળતાં જ દ્વારપાલ દોડતો દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચે છે અને કહે છે, ‘દેવરાજ સિંદૂરાસુર નામનો અસુર દ્વાર પર ઊભો છે અને કહે છે જા ઈન્દ્રને બોલાવ. મારો સેવક બની મારા આશીર્વાદ લઈ સ્વાગત કરી રાજગાદી પર બેસાડ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ મને ખબર જ હતી કે સિંદૂરાસુરને વરદાન મળ્યું છે તો આજે કે કાલે આવશે જ. વરદાની હોવાથી આપણે એનો સામનો નહીં કરી શકીએ. દેવતાઓએ પલાયન કરવા સિવાય છુટકો નથી.’
દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઈન્દ્ર અને દેવગણો સ્વર્ગલોકથી પલાયન થવાની જાણ દ્વારપાલ સિંદૂરાસુરને આપે છે.
સિંદૂરાસુર: ‘મને ખબર જ હતી કે દેવરાજ ઇન્દ્ર અને દેવગણો કાયર છે તેઓ મારો સામનો નહીં કરે. સારું થયું તેમણે સમજદારી બતાવીને પલાયન થઈ ગયા, અન્યથા માર્યા ગયા હોત.’
સૈનિક: ‘સ્વર્ગવિજેતા મહારાજ સિંદૂરાસુરની જય હો! સ્વર્ગલોકમાં આપનું સ્વાગત છે. પધારો સ્વામી, સ્વર્ગલોકનું સિંહાસન દિપાવો.’
સ્વર્ગવિજેતા સિંદૂરાસુર સ્વર્ગલોકના સિંહાસન પર બિરાજમાન થાય છે.
સિંદુરાસુર: ‘ક્યાં છે સ્વર્ગલોકની અપ્સરાઓ? તેઓ તો નથી પલાયન થયા ને? જાઓ તેમને કહો કે મને નૃત્ય પાન કરાવે.’
અપ્સરાઓને સ્વર્ગાધિપતિ સિંદૂરાસુરનો આદેશ મળતાં જ અપ્સરાઓ નૃત્ય કરવા દરબારમાં પહોંચી જાય છે. સ્વર્ગની અપ્સરાઓનો નૃત્ય જોઈ સિંદૂરાસુર પ્રસન્ન થાય છે અને ઘણા સમય સુધી પોતાનો નિવાસ ત્યાં કરે છે.
એક દિવસ દરબારમાં અપ્સરા નૃત્ય કરતી હોય છે અને પ્રસન્ન સિંદૂરાસુરને એનો સેવક મદિરા પાન કરાવતો હોય છે.
સિંદૂરાસુર: ‘ભલુ થજો એ ગામવાસીઓનું જેમણે આપણને સ્વર્ગલોક મોકલ્યાં, અહીં આપણને ઘણું સુખ અને અપ્સરાનું નૃત્ય પાન મળી રહ્યું છે.’
આ વાત અપ્સરા સાંભળી જતાં તેઓ પણ વિચારે છે કે મૃત્યુલોકના ગામવાસીઓએ યુક્તિ કરીને સિંદૂરાસુરને અહીં મોકલી આપ્યો. એમ આપણે પણ એને અહીંથી ક્યાંક મોકલી આપવો જોઈએ જેથી આપણે પણ તેના આધિપત્યથી છૂટા પડીએ. થોડા દિવસો બાદ અપ્સરાઓ પણ એવી જ યુક્તિ અજમાવે છે.
રંભા: ‘હે સ્વર્ગાધિપતિ સિંદૂરાસુર! અમને ખબર છે કે અહીં સ્વર્ગલોકમાં તમને કોઈ ઓછપ નથી પણ વૈકુંઠલોક અને કૈલાસના સ્વામી બનાવાની ખ્યાતિ અને પ્રતિષ્ઠા કંઈક જુદી જ હોય છે અમે ઈચ્છીએ કે સ્વર્ગાધિપતિ સિંદૂરાસુર વૈકુંઠલોકાધિપતિ અને કૈલાસાધિપતિ પણ બને. તો તમારું વરદાન સાર્થક થાય. (ક્રમશ:)