મોરારિબાપુ
જલન માતરીનો શેર છે-
‘શ્રદ્ધાનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર ?
કારણ કે કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.’
તમામ આચાર્યોએ બધાએ કહ્યું છે કે આદો શ્રદ્ધા! બિલકુલ આદિમાં શ્રદ્ધા છે. શું ભગવાન કૃષ્ણને આપણે જોયા છે? કૃષ્ણએ આપણા માટે ક્યારેય મનીઓર્ડર મોકલ્યો છે કે તમને તકલીફ છે, તો લ્યો આ એક હજાર રૂપિયા આપું! છતાં કેમ લોકો ભજે છે? 5000 સાલ થઈ ગઈ, છતાં આ માણસ સૌને મારી રહ્યો છે. એના નામથી, એના ગુણથી અને એના કથનથી. ભીતરથી બધાને સમાપ્ત કરી રહ્યા છે! કોઈએ એમને જોયા નથી.
ઈતિહાસના પાનાં પર, શાસ્ત્રોનાં પાનાં પર વર્ણન લખાયું છે, તો પણ કેમ આજે આપણે એમને પુકારીએ છીએ? આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા એમના તરફ લાગેલી છે. શ્રદ્ધા હોય તો ઘટના ઘટી શકે છે. ત્યારે એક તરફ આપણી નિષ્ઠા હોય, એક શ્રેષ્ઠ પ્રતિ આપણો ભરોસો હોય તો એ આપણી રક્ષા કેમ નહીં કરે? ભક્તિમાર્ગ પૂરી નિષ્ઠાનો માર્ગ છે કે આશ્રય કરશું તો એ અમારી રક્ષા કરશે જ. આવા પરિપૂર્ણ ભરોસા સાથે જીવન ચાલે છે.
એક વાત સમજી લો. આજના સત્સંગના અંતમાં સમજી લો કે જ્યારે આપણી પૂર્ણ નિષ્ઠા થઈ જાય છે, કોઈ શ્રેષ્ઠનો પૂર્ણ આશરે થઈ જાય છે ત્યારે ભગવાન મારી રક્ષા કરશે જ એવો ભરોસો આવી જાય છે. ભગવાન અમારી રક્ષા કરશે એવું નહીં, એવું કહેવું પડશે કે ભગવાને અમારી રક્ષા વારે વારે કરી છે; કરશે એમ નહીં વારે વારે કરી છે. આપણે જો આપણા જીવનમાં જોશું તો દેખાશે કે ભગવાન આપણી રક્ષા કરશે તે સૂત્ર અધૂરું છે.
ભગવાન આપણી રક્ષા કરી રહ્યા છે. આપણી રક્ષા કરશે એ તો એક આશાનો સેતુ બનાવવાની વાત છે, એક આશ્વાસન છે, રાખવું જોઈએ. સારું છે. પણ તમે બહુ ચિંતન કરશો તો ખબર પડશે કે ભગવાન રક્ષા કરશે એ વાત ભવિષ્યની છે, રક્ષા કરી છે, સંસારના કેટલાય વિષમ પ્રસંગોમાં તેઓ આપણી રક્ષા કરી ચૂક્યા છે.
હું કહેતો રહું છું કે એક માણસ જંગલમાં રહેતો હતો. લાકડાં કાપી પાસેના ગામમાં વહેંચે અને એમ પોતાનું ગુજરાન ચલાવે. આ એની જીંદગી. રોજ આમ જીવે છે. એક દિવસે તે ખૂબ થાક્યો પાક્યો એક વૃક્ષ નીચે સૂતો છે. એવો થાક્યો હતો કે સૂતાં વેત જ તેને ઊંઘ આવી ગઈ. ઘસસાટ ઊંઘમાં સરી પડ્યો છે. એવો થાક લાગ્યો હતો કે તેનું મોઢું ખુલ્લું રહી ગયું હતું. મોએથી શ્વાસ લેતો હતો. બરાબર એ જ સમયે એક સાપ ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો અને પેલો માણસ સૂતો હતો તેના મોઢામાં થઈ પેટમાં ઉતરી ગયો. આ માણસને તો આ ઘટના અંગે કંઈ ખ્યાલ નથી.
દૈવ યોગે બન્યું એવું કે જે વખતે પેલો સાપ એ વ્યક્તિના મોંમાં જતો હતો ત્યારે તે નગરના રાજાએ આ ઘટના જોઈ. રાજા કંઈ કરે તે પહેલાં તો સાપ પેલા માણસના પેટમાં ઉતરી ગયો છે. રાજાને થયું કે જો આને જગાડીશ તો ગભરાઈ જશે. રાજાએ ઘોડાને કાબૂમાં રાખવા માટેની ચાબુક હાથમાં લીધી છે. એક, બે, ત્રણ, આમ એ સૂતેલા માણસના બરડા પર ચાબુકના કોરડા વિંઝાવા લાગ્યા છે. અચાનક ઘા પડ્યા એટલે પેલો માણસ જાગી ગયો અને જુએ છે તો નગરનો રાજા તેને ચાબુક મારી રહ્યો છે.
‘અરે, બાપજી, મારો કંઈ વાંક? મારો કંઈ ગુનો ? કેમ મને મારો છો?’ રાજા કશું સાંભળતો જ નથી. ચાબુક મારવાનું ચાલુ જ રાખે છે. લોહીલુહાણ થઈ ગયેલા પેલા માણસે કહ્યું કે હવે તો મને ન મારો, પરંતુ ઘણી સજા જાણે બાકી હોય એમ રાજાએ કહ્યું કે ‘આ આસપાસમાં જે ફળ પડ્યાં છે તે ખાવા માંડ.’ ‘અર, બાપજી આ તો સડી ગયેલા ફાળો છે.’ જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેમ રાજાએ તેને પરાણે તેને સડેલાં ફળો ખવડાવ્યા. એક તરફ ચાબુકનો માર અને બીજી તરફ આટલા સડેલા ફળો ખાધા એટલે તેને ઊલટી થવા લાગી. તે ઊલટી થઈ તેની સાથે પહેલો સાપ પણ નીકળી ગયો નીકળી ગયો. પેલાએ કહ્યું કે ‘આ સાપ ક્યાંથી આવ્યો? મને કેમ મારતા હતા?’
રાજાની આંખમાં આંસુ આવી ગયા. ‘દોસ્ત, હું તને ચાબુક મારતો હતો પણ મને તે વખતે એટલું જ દુ:ખ પણ થતું હતું, પરંતુ જો તને જગાડીને સાવધાન કરીને કહેત કે તું સાપ ગળી ગયો છો તો તું કદાચ ભયને કારણે મૃત્યુ પણ પામ્યો હોત. એટલે મેં તને ચાબૂક મારી અને સડેલા ફળો ખવડાવ્યા કે જેથી તને ઊલટી થાય અને એ ઊલટી સાથે સાથે સાપ પણ બહાર નીકળી જાય...’
બાપ! કુદરત ક્યારેક ક્યારેક આવી રીતે આપણી રક્ષા કરે છે. આપણને લાગે તે ચાબુક ફટકારે છે પણ તે બચાવી લે છે. આપણે બધા ભૂલી જઈએ છીએ કે ભગવાને આપણી રક્ષા કરી છે. એટલે કહીએ છીએ કે અમારી રક્ષા કરો. ઈશ્વરની રીત ભિન્નભિન્ન પ્રકારની હોય છે. નરસિંહ મેહતાની હુંડી ભગવાને સ્વીકારી છે. જો આપણો ભૂતકાળ જોઈએ તો કેટલાયે પ્રસંગોમાં ઈશ્વરે આપણી રક્ષા કરી છે. પણ આપણા મદને કારણે, અભિમાનને કારણે ભગવાન અંતર્હિત થઈ જાય છે.
આપણે બધાને સાપ ગળી રહ્યો છે. સંસારને સાપ કહ્યો છે. ભક્તિમાર્ગ તો પૂરી નિષ્ઠાનો માર્ગ છે. આપણે એનો દૃઢ આશ્રય કરશું તો એ આપણી રક્ષા કરશે જ. આવા પરિપૂર્ણ ભરોસા સાથે સાધકનું જીવન ચાલે છે. ભગવાન અમારી રક્ષા કરશે એમ નહીં, પણ એવું કહેવું પડશે કે ભગવાને અમારી રક્ષા વારેવારે કરી છે અને વારંવાર કરી છે. સવાલ નિષ્ઠાનો છે, સ્થિરતાનો છે. આપણે ભલેને કેવાય હોઈએ, પણ એક શ્રેષ્ઠનો આશ્રય હશે તો ઘટના ઘટશે જ અને પરમાત્માના નામથી અધિક શ્રેષ્ઠ કોણ છે? તો એનો આશ્રય કરો.
- સંકલન: જયદેવ માંકડ