આજે આટલું જ - શોભિત દેસાઈ
મારી સાથે આ પૂરો સંસાર હસતો જાય છે
કોણ છે? જે ભીતરે બેસી વરસતો જાય છે
ધુમ્મસોમાં એવું કૈં ત્રાટક રચે છે વાદળાં
એમ લાગે જાણે આખો પહાડ ખસતો જાય છે
મંદિરો-મસ્જિદ ઉપર તો યાચકોની છે કતાર
તું છે સોહમ્, ભીડમાં તું ક્યાં અમસ્તો જાય છે?!
સત્ય એક જ છે કે નોખાં સત્ય છે સૌનાં અહીં
ડંખ છે જીવલેણ તારે, સાપ ડસતો જાય છે
બંધ પૂરું એકસાથે થાય છે ચોમેરથી
એ ક્ષણે તારા સુધી નવજાત રસ્તો જાય છે
‘મરીઝ’નો એક મક્ત્આ જે બિલકુલ નોંધાયા વગર પસાર થઈ ગયો એ ગઝલના અતિશય સુંદર-ગોપિત-અદ્ભુત મત્લઆને લીધે...
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ
ઈશ્ર્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે
(અલ્લાહથી વિશેષ નિરાકાર હોય છે)
મને ઘણી વખત સિંગલ મોલ્ટની સાંજને રંગિનિયત ધરતાં વધુધનિકોની વર્તણુંક વિચારમાં મુકી દે છે, જ્યારે એવા શબ્દો ગેલેરીમાં સિગરેટના ધુમાડા સાથે ઊડતા જોઉં છું: ‘અરે એ એરિયાને? ત્યાં તો પાન્સો પાન્સોમાં વોટ ખરીદવામાં મદદ કરે એવા એજન્ટ પડ્યા છે. કેવા ગોબરા છે આ બધા? યાર વોટ જેવી વસ્તુ વેચે છે?’ અને કદાચ આ એ જ હોઈ શકે કે એનો જો રૂા. એક લાખ મળે ને વોટ વેચવાના, તો એ વેચી નાખે. મિસ્ટર સિંગલ મોલ્ટની લિમીટેડ બુદ્ધિની બહારની વાત છે આ વાત સમજવી કે એને માટે એક લાખ રૂા.નું જે મૂલ્ય છે, ગરીબને રૂા. 500/-નું મૂલ્ય એથી અનેક ગણું વધારે છે. પરમ દિવસે ફાટી ગયેલી દીકરીની સ્કૂલ બેગથી લઈને બે-ત્રણ ડબલ ઘોડાના પેગ 7-8 દિવસ સુધી એને પરવડી શકે છે, રૂા. 500માં. ઈશ્ર્વર, અલ્લાહ, જિસસ ઈત્યાદિની ઝંખનામાં વ્યસ્ત આખી માનવજાતને પરમ આશિષ મળ્યા છે એક જ: ફાટેલા ગજવા તરફ નહીં જોવાનાં... કયું પૂણ્ય કમાવા નીકળી પડી છે આખી માનવજાત કે જેરુસલમ, મક્કા મદિના, રામ જન્મભૂમિ, દ્વારકા, નીસડન, ન્યુ જર્સી કે અન્ય ‘પરમ’ ધામોમાં બારે માસ તેજી-ફકત તેજી, જૂના મુંબઈ સમાચારની ભાષામાં કહું તો આગઝરતી તેજી જ હોય છે.
ગરીબીના એ લેવલ પર ગરીબને લઈ જવામાં આવ્યો છે, એને એવો તો તોડી નાંખવામાં આવ્યો છે કે એ પાંચ સોમાં વેચાવા મજબૂર થઈ જાય... (તુમ્હે યાદ હૈ વો ઝમાના જબ હમ હરરોઝ ખાના ખાયા કરતે થે?!) ‘મજા’ પરમ છે આઝાદીની એ જ કે 47થી ગરીબ એ તળ સુધી પહોંચી ગયો છે જ્યાંથી એને ખરીદવો આસાન થઈ પડે. કેજરીવાલ છૂટ્યો ભલે, પણ એણે મફતનો ખરીદાઉ દૌર ચાલું કર્યો એનો સૌથી મોટો માર પડ્યો છે 5% ઈન્કમ ટેક્સ ભરનારાઓને બાકીના બધા પગારદાર કે નાના વેપારીઓના બરડે સોળ ઊપસી આવ્યા છે અને આપણી બેન નિર્મલાને જાણ જ નથી કે આ ટિમ્પાટિયા ટેલિવિઝન કલ્ચરને લઈને બજેટ વખતે બેસી તો જાય છે બધા પણ ટેક્સ ભરનારામાંથી માંડ 5-7%ને રસ હોય છે બધુ ઊંડાણથી જાણવામાં. પાછી આ વાત આજે કરી કારણ કે
તું પરેશાન બહુત હૈ, તું પરેશાન ન હો
ઈન ખુદાઓંકી ખુદાઈ નહીં જાનેવાલી
દુષ્યન્તકુમાર
દસ વર્ષની એક છોકરી એક વકતૃત્વ સ્પર્ધામાં એવું જલદ, કારમું અને તેજાબી બોલી છે કે વાંચો તો તમારી આંખે ભાર વરતાય. ‘હું તમને મોકળાશ આપવા માટે અહીં નથી ઊભી, હું અહીં ઊભી છું તમને ઉપરતળે કરવા. પ્રજાસત્તાક દેશ દુશ્મનનાં હુમલે નથી ખતમ થતો, એ ગડગડી જાય છે ત્યારે જ્યારે એના લોકો સવાલો પૂછવાનું બંધ કરે છે. કહેવા પૂરતું, બંધારણ પ્રમાણે તો છે જ કે કાયદાની આંખે બધા સરખા. સરસ વાક્ય. પણ શું એ જીવતું જાગતું સત્ય છે કે મરી ગયેલા અક્ષર? સામ્ય જો ખરેખર હોય તો હજી છોકરીને જ કેમ એનાં સપનાં પર કાપ મુકવાનું કહેવામાં આવે છે? વ્યક્તિ સન્માનનો માપદંડ હજી આજે પણ નાણાંના રૂપે કેમ તય કરાય છે.? ત્વચાના રંગને જ ગુણવત્તામુલક કેમ ગણવામાં આવ છે? એકતા આપણે જરૂર ઉજવીએ છીએ, પણ ક્યાં? કાગળ પર... રોજિંદી જિંદગી તપાસો આપણા બધાની તો જાણશો કે કેટલા ભેદભાવનો સડો પડ્યો છે દિમાગમાં અને વહેવારમાં... શા માટે આપણે પ્રજાસત્તાક તરીકે ઓળખાઈએ છીએ જ્યારે આપણામાંથી જ થોડા અવાજો ખૂબ મોટા અને કર્કશ લાગતાં હોય, જ્યારે કેટલીક જિંદગીની કંઈ કરતાં કોઈ કીમત જ ન હોય. સમાજ! તારે માટે મને એક પ્રશ્ર્ન છે, આપણા જાહેરજીવન તો સમાનતાથી ભરેલાં છે પણ લગભગ દરેક ઘરમાં ખાનગીમાં નફરતના બીજ રોપાય છે.
બાજુમાં કંઈક અમંગળ બન્યું નથી અને આપણે ત્યાંથી મોં ફેરવ્યું નથી કે એમાં મારું શું? મારે શું? બંધારણને ક્યારેય દોષ દેતા જ નહીં. બહુ મજબૂત છે. ખામી આપણામાં છે. તમાકુ ખાવાનું મેલું ઘરેથી સવારે પ્લાસ્ટિકની બેગ લઈને તમે નીકળ્યા છો એમાં નાખો તો તમે પ્રજાસત્તાકના પ્રતિનિધિ ખરા. અન્યાયને સામાન્ય ગણનાર આપણે એની સામે સવાલો પૂછીશું ત્યાં માંડ આપણે કશેક પહોંચીશું. નાગરિકો જે દિવસે સર ઝુકાવાને બદલે ઊંચું રાખીને એસ્ટાબ્લીશમેન્ટને, નેતાને સવાલો પૂછશે ત્યારે ખરી આઝાદી મેળવી ગણાશે.’ નબળામાં નબળા કોશિયાજન સુધી મૂળભુત જરૂરિયાતો પહોંચશે એ દિવસે પેટ્રોલપંપ પર પેટ્રોલની ચોરી, મફત રાશન વહેંચતા સરકારી અધિકારીને મળતો CUT, હા જી હા કરતા મિનિસ્ટરો અને સરખી ઝાળ લાગવાના ઓથારથી એવા બિલને પાસ થતું અટકાવા માટે એક થઈ જતાં શાસક અને વિરોધ પક્ષ, બધું એક સાથે ગાયબ થઈ જશે.’
આજે આટલું જ...