જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે હજારો ભાવિક ભક્તો ભવનાથ તળેટી પહોંચ્યા હતા. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી ’શિવમય’ બની ગઈ હતી. નાગા સાધુઓની રવાડી બાદ મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી.

આજે રાતે નાગા સાધુઓની રવાડી અને વિવિધ અખાડાઓના સંતો મહંતો ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા. નાગા સાધુઓની રવેડીને નિહાળવા માટે હજારો ભાવિકો સાંજથી જ બેસી ગયા હતા. જુના અખાડા, આહવાન અખાડા, પંચ અગ્નિ અખાડા અને કિન્નર અખાડાઓ ના મહામંડલેશ્વરો ઉપરાંત વિવિધ આશ્રમોના મહામંડલેશ્વર અને તેના સેવકો ધર્મ ધ્વજાઓ સાથે રવેડીમાં જોડાયા હતા

જૂનાગઢ ગીરનાર તળેટીમાં મહા વદ નોમથી શરૂ થયેલા મહા શિવરાત્રિના મેળામાં લાખો ભાવિકોએ માનવ મહેરામણે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે સાધુ સંતોની રવાડીનો રૂટ પણ વધારવામાં આવ્યો હતો, જેનો હજારો લોકોએ લાભ લીધો હતો. આ વર્ષે સાધુ સંતોની બગીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી હતી.

રવેડીને નિહાળવા રસ્તાની બંને સાઈડ ઉપરાંત આશ્રમોની અગાસી, ગેલેરી, દુકાનોની છત પર ચડી લોકો સાંજથી જ ગોઠવાઈ ગયા હતા. રવેડી ના માર્ગો પર લાઈવ રંગોળી અને ફૂલો પાથરી આવકારવામાં આવ્યા હતા તો આ ઉપરાંત મેળાના મુખ્ય આકર્ષણ એવા નાગા સાધુઓ દ્વારા લાકડી, તલવાર, પટ્ટા બાજી સહિતના દાવ પેચ દર્શાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.


મુખ્ય માર્ગ પર રવેડી નીકળ્યા બાદ ભવનાથ મંદિર ખાતે મધ રાત્રે હર હર મહાદેવના નાદ સાથે મૃગીકુંડમાં નાગા સાધુઓ એ શાહી સ્નાન કર્યું હતું અને સ્નાન વિધિ બાદ ભવનાથ મહાદેવ મંદિરને મહા આરતી સાથે મેળો વિધિવત સંપન્ન થયો હતો. રાત્રે મેળો પૂર્ણ થતા તળેટીથી શહેરના માર્ગો તરફ જવા એસટી બસ અને ખાનગી વાહનોમાં બેસી શહેર તરફ લોકોનો ઘસારો રહ્યો હતો.

