મુંબઈ / નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષ 2022 માં એકવાર મોટો ભૂકંપ આવ્યો હતો જ્યારે એકનાથ શિંદેના બળવાને કારણે MVA સરકાર પડી ભાંગી હતી. હવે તેના ચાર વર્ષ બાદ, એટલે કે વર્ષ 2026 માં ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) માં તે જ ઇતિહાસ પુનરાવર્તિત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સાંસદોના સંભવિત બળવા બાદ પક્ષમાં ભારે દોડધામ બાદ ડેમેજ કંટ્રોલ શરૂ થઈ ગઈ છે.
વ્હીપ છતાં માત્ર 3 સાંસદો જ બેઠકમાં પહોંચ્યા?
પાર્ટી નેતૃત્વએ તમામ 9 સાંસદોને વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે 'થ્રી-લાઇન વ્હીપ' (Three-line Whip) જારી કરીને દિલ્હીમાં તાત્કાલિક બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકના જે આંકડા સામે આવ્યા છે તેણે ઉદ્ધવ જૂથની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, દિલ્હીમાં સંસદીય દળની આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે માત્ર 3 સાંસદો જ પહોંચ્યા છે. આ ત્રણેય સાંસદોની વાત કરવામાં આવે તો, અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજા ભાઈ વાજે આ બેઠકમાં પહોંચ્યાં છે. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત પોતે ત્યાં હાજર હતા. બાકીના 6 સાંસદો બાગી થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
ગેરહાજર સાંસદોને અયોગ્ય જાહેર કરાશે તેવી ધમકી
બાકીના સાંસદો ગેરહાજર રહેતા હવે તેમની હાજરી નોંધવા માટે સ્પેશિયલ કોપી તૈયાર કરવામાં આવી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે આકરા પગલાં લેવાની તૈયારી થઈ ચૂકી છે. શિવસેના UBT ના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને લોકસભા સાંસદ અરવિંદ સાવંતે આ મામલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિરોધીઓ અને બળવાખોરોને કડક ચેતવણી આપી છે. સંજય રાઉતે જણાવ્યું કે, જો પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં બાકીના 6 સાંસદો નહીં પહોંચે, તો પક્ષ દ્વારા તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવાશે અને તેમને સાંસદ પદેથી અયોગ્ય (Disqualify) ઠેરવવાની કાનૂની પ્રક્રિયા તુરંત શરૂ કરી દેવામાં આવશે.
'જ્યાં ઠાકરે, ત્યાં જ અસલી શિવસેના' - સંજય રાઉતનો હુંકાર
સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે, મહાયુતિ ગઠબંધન દ્વારા શિવસેના (UBT) ના સાંસદો પર દબાણ લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહીને નબળી પાડીને સાંસદોને હાઇજેક કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે વિરોધી જૂથોને આકરા શબ્દોમાં પડકાર ફેંકતા કહ્યું કે, ‘વિરોધીઓને લાગે છે કે તેઓ પક્ષ તોડી નાખશે. જો તમારામાં તાકાત હોય તો જેને તમે તોડવા માંગો છો એ નામ તોડીને બતાવો... તે નામ છે 'બાલાસાહેબ ઠાકરે'. જ્યાં સુધી બાલાસાહેબના વિચારો અને ઠાકરે પરિવાર છે, ત્યાં જ અસલી શિવસેના છે. શિંદેની શિવસેના ક્યારથી અસલી બની ગઈ?’
#WATCH | Delhi: In a joint press conference with party MP Arvind Sawant, Shiv Sena (UBT) MP Sanjay Raut says, "Since when has Shinde's Shiv Sena become the original Shiv Sena? The original Shiv Sena is here. Jahan Thackeray wahan Shiv Sena." pic.twitter.com/EA7YRD63Uy
— ANI (@ANI) June 18, 2026
ઉદ્ધવ ઠાકરે માટે પોતાની પાર્ટી પર કંટ્રોલ રાખવો પડકારજનક
શિવસેના (UBT) કોઈપણ પ્રકારના રાજકીય દબાણ કે એજન્સીઓના ડર સામે ઝૂકશે નહીં અને આ અન્યાય સામે લડત ચાલુ રાખશે તેવું પણ સંજય રાઉતે જણાવ્યું છે. જોકે, મહત્વની વાત એ છે કે, દિલ્હીની આ બેઠક અને સાંસદોની પાંખી હાજરી એ સ્પષ્ટ સંકેત આપે છે કે, ઉદ્ધવ ઠાકરે માટે પોતાની પાર્ટી પર કંટ્રોલ જાળવી રાખવો હવે મોટો પડકાર બની ગયો છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં કાનૂની લડાઈ અને પક્ષપલટાના મોટા દ્રશ્યો જોવા મળી શકે છે.