Mon Apr 27 2026

Logo

શિવ રહસ્યઃ શુદ્ધ ભાવથી આરાધના કે ઉપાસના કરે તો તે જીવ મોક્ષ મેળવ્યા વગર રહેતો નથી

2026-04-27 08:51:00
Author: Bharat Patel
Article Image

 

ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

એક સમયે દંડકારણ્યમાં નંદભદ્ર નામે એક પ્રામાણિક વેપારી પ્રખર શિવભક્ત હતો. એ સમયે એવું કહેવાતું કે નીતિમત્તા તો નંદભદ્રની! નંદભદ્રની કોઈ પ્રશંસા કરે તે તેને ગમતું નહીં, પોતે ક્યારેય પોતાના વખાણ કરતો નહોતો. સાદગીથી જીવન ગુજારતાં શિવભક્તિમાં લીન રહેતો હતો. શિવભક્ત નંદભદ્રના પડોશમાં સત્યવ્રત નામનો એક યુવક રહેતો હતો. તે હંમેશાં નંદભદ્રની નિંદા અને કૂથલી કરતો રહેતો. આ સત્યવ્રત સાવ નાસ્તિક હતો. એ દૂરાચારી સત્યવ્રત એવા મોકાની રાહમાં હતો કે જેથી તે નંદભદ્રને ધર્મભ્રષ્ટ કરી શકે. 

એક દિવસ અચાનક નંદભદ્રનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતાં નંદભદ્રની પત્ની કનકા પણ મૃત્યુ પામી. બંનેના અકાળે થયેલા અવસાનથી નંદભદ્રને આઘાત લાગ્યો, તેણે થોડા જ દિવસોમાં મન મનાવી લીધું કે ભગવાન શિવની ઈચ્છા. તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તલભાર પણ ન ડગી. પત્ની કનકાના મૃત્યુ બાદ ગૃહસ્થધર્મ નિભાવવો દુષ્કર થતું હતું. 

એક દિવસ મોકો મળતાં જ સત્યવ્રતે કહ્યું, ‘હે ધર્માત્મા નંદભદ્ર તમારા પર જે આપત્તિ આવી પડી છે તે જોતાં મને તો એમ લાગે છે કે, ધર્મ તો કેવળ આઘાત આપવાનું સાધન છે, જ્યારથી તમે પથ્થર પૂજવાનું ચાલુ કર્યું છે ત્યારથી તમારી દુર્દશા બેઠી છે. તમારો વહાલસોયો એકનો એક પુત્ર ગુજરી ગયો, તમારા ધર્મપત્ની પણ તમને એકલા મૂકી ચાલ્યાં ગયાં. 

આવું ફળ તો કુકર્મીઓને જ મળે, આવી રીતે પડોશી સત્યવ્રત અત્યારે આશ્વાસન આપવાને બદલે ઘા પર મીઠું ભભરાવી રહ્યો હતો, પરંતુ શૂદ્ર સત્યવ્રતની ક્ષુલ્લક વાતો સાંભળી શિવભક્ત નંદભદ્રએે સસ્મિત કહ્યું, ‘મિત્ર સત્યવ્રત! તારું નામ બહુ સુંદર છે, તું કહે છે કે ધર્મનું આચરણ કરનાર સદા દુ:ખી રહે છે તે અસત્ય છે! તું મારી પાસે બેસ ધર્મ શું છે એ તને સમજાવું. શિવભક્ત નંદભદ્ર એ કહ્યું કે ‘ધર્મની પરિભાષા છે કે, ‘યત અભ્યુદય નિ:શ્રેયસસિદ્ધિ: સ ધર્મ:’ અર્થાત્ : ‘જેના આચરણથી આલોકમાં અભ્યુદય થાય, સુખશાંતિ મળે અને પરલોકમાં સુગતિ મળે તે ધર્મ. ભાઇ ધર્મનું, સત્સંગનું કે ઈશ્ર્વરભજનનું છેવટનું ફળ સદાચાર જ છે. 

ધર્મની કસોટી દુ:ખમાં જ થાય છે.’ પ્રતિકુળતા એ ઇશ્ર્વર તરફથી મોકલાવેલ કૃપાપ્રસાદ જ છે. ધર્મ માટે જે જીવન સમર્પિત કરે છે તેનું રક્ષણ પણ ધર્મ જ કરે છે. તું તારી જાતને નાસ્તિક માને છે, પણ તું નાસ્તિક નથી, કારણ કે ધર્મને અવગણનાર પણ ધર્મ વગર જીવી શકતો નથી. ધર્મનું પાલન કરવાથી આપણા મનને અને તનને અપાર શાંતિ બક્ષે છે. ધર્મ વિનાનું જીવન અને પ્રાણ વિનાનું શરીર સબ સમાન છે. શિવકથા અને શિવભક્તિ પાપને બાળે છે, સારા વિચાર અને કાર્ય કરવાની પ્રેરણા આપે છે, તેમ જ તન અને મનને શાંતિ આપે છે. 
**
શિવલીલા અને શિવકથાનો મહિમા તો અપરંપાર છે, જો ધર્મકથા કે શિવકથાનો એક શબ્દ પણ હૃદયને સ્પર્શી જાય, તો તેનું જીવતર સફળ બની જાય છે. શિવકથાનું શ્રવણ કર્યા પછી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં અભિવૃદ્ધિ થાય, પાપ છોડવાની ઇચ્છા થાય,પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, સ્વભાવમાં સરળતા આવે તો માનજો કે શિવલીલા કે શિવકથા ખરેખર સાંભળી છે.

સત્યવ્રત ધર્માત્માનો સદુપયોગ એકચિત્તે સાંભળી રહ્યો છે. નંદભદ્રનો વાણી-પ્રવાહ સતત વહે છે. તે કહે છે, ધર્મમાં એટલી તાકાત છે જે કોઈ જીવ પોતાના આરાધ્યની શુદ્ધ ભાવથી આરાધના કે ઉપાસના કરે તો તે જીવ મોક્ષે ગયા વગર રહેતો નથી, તેને અવશ્ય મોક્ષ મળે.

ધર્મ જીવનને કઈ રીતે જીવવાનું તે શિખવાડે છે. ધર્મી મનુષ્ય સુખે જીવે અને અન્યને પણ સુખે જીવવા દે છે એજ જીવન જીવવાની સાચી કળા છે. તે જ ધર્મ છે. ધર્મ એક આદર્શ જીવનશૈલી છે, ધર્મ જીવનમાં સુખશાંતિથી રહેવાની પાવન પદ્ધતિ છે. ધર્મ જ સર્વ લોકોનું કલ્યાણ કરનારી પવિત્ર આચારસંહિતા છે.

ભાઈ સત્યવ્રત તમે જે કહ્યું કે, ધર્મનું આચરણ કરનાર સદા દુ:ખી રહે છે, તે વાત અસત્ય છે. ધર્મ જ શ્રેષ્ઠ છે. તમે એમ કહો છો કે, માણસ પથ્થરની મૂર્તિને શા માટે પૂજે છે? 

હું તમને એમ પૂછું છું કે શું આંધળો સૂર્યને જોઈ શકે છે? બ્રહ્માથી માંડીને  સર્વ દેવતાઓ, મહાત્માઓ, ઋષિ મુનિઓ અને સાર્વભૌમ ચક્રવર્તી રાજાઓ પણ પોતાના ઇષ્ટદેવની આરાધના - ઉપાસના કરે છે. એમની સ્થાપિત મૂર્તિઓ આજેય દૈદીપ્યમાન છે. શું તેઓ મૂર્ખ હતા? તમે જ સર્વસ્વ હોવ તો તમારી થાળીમાં આપોઆપ ભોજન કેમ પીરસાઈ જતું નથી?

‘ઈશ્ર્વર કે ભગવાન નથી’ એવી વાતો તો કેવળ મૂર્ખ માણસોનો ભ્રમ છે, જે તેઓ ફેલાવી રહ્યા છે. કોઈપણ શાસક વિના પ્રજા રહી શકે ખરી? ધાર્મિક વ્યકિતનું કામ ધર્મથી અળગા અને વિખૂટા પડેલા કે વિખૂટા થયેલા લોકોને જગાડવાનું છે તેઓને ઢંઢોળવાનું છે. કોઈએ પણ ધાર્મિક થવું તે સાધના છે. ધાર્મિક દેખાવવું વિલાસ છે. ધાર્મિક બનવું તે પોતાના જ કલ્યાણ માટે છે, પોતાના આધ્યાત્મિક વિકાસ માટે છે. ધર્મમાંથી વ્યવહારને તિલાંજલિ આપવામાં આવશે અને વ્યવહારને ધર્મમય બનાવવામાં આવશે ત્યારે જ સાચા અર્થમાં ‘ધાર્મિક’ બની શકાશે, માટે ધાર્મિક અને પ્રેમમય વ્યવહાર દ્વારા જીવનને વિશુદ્ધ રાખવું જરૂરી છે. નારાયણના નામનું નાણું જેની પાસે છે તેનો ખજાનો ખૂટતો નથી.

ધર્માત્મા નંદભદ્ર સામે શૂદ્ર સત્યવ્રત ભોઠો પડી ગયો. સત્યવ્રતને ધર્માત્મા નંદભદ્રએ પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ આપી કહ્યું કે આ પંચાક્ષર મંત્રનો જાપ કરો, ભગવાન શિવની કૃપા અવશ્ય થશે. શૂદ્ર સત્યવ્રત પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો, થોડા જ સમયમાં તેના જીવનમાં આમૂલ્ય પરિવર્તન આવવા માંડયું.

નંદભદ્ર ભગવાન શિવના સાક્ષાત્ દર્શન કરવાના હેતુથી કપિલેશ્ર્વર મંદિરમાં ગયો. તેણે પ્રાર્થના કરતા ભગવાન શિવ સમક્ષ કહ્યું, ‘પ્રભુ! જ્યાં સુધી આપ મને દર્શન નહિ આપો, ત્યાં સુધી હું અહીં ઊભા રહીને તમારી આરાધના કરતો રહીશ.’
કહેવાય છે કે ચાલીસ દિવસે ભગવાન શિવ બાળરૂપ ધારણ કરીને નંદભદ્રને દર્શન આપે છે. ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી નંદભદ્ર કૃતકૃત્ય બન્યો.

ભગવાન શિવ: ‘હે પ્રિય નંદભદ્ર હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. બોલો તમને શું વરદાન જોઈએ છે.’
નંદભદ્ર: ‘પ્રભુ તમારા દર્શનનો જ અભિલાષી હતો, બીજું કંઈ જોઈતું નથી, પણ તમે વરદાન આપતા હોવ તો મને શિવગણોમાં સામેલ કરો.’

ભગવાન શિવ: ‘તથાસ્તુ.’
આટલું કહી ભગવાન શિવે કૈલાસ તરફ પ્રયાણ કર્યું.
વરદાની નંદભદ્ર પોતાનું સાલસ જીવન ભોગવી યોગ્ય સમયે પોતાના શરીરને ત્યાગ્યું. ભગવાન શિવના વરદાનથી તેણે શિવગણોમાં સામેલ થઈ કૈલાસ ખાતે ભગવાન શિવની સેવામાં હંમેશ માટે જોડાઈ ગયો. 
(ક્રમશ:)