Tue Apr 28 2026

Logo

પુણેમાં પવાર પરિવાર ભેગો થશે, શરદ પવારે તાત્કાલિક બેઠક બોલાવી

2026-04-28 18:17:48
Author: વિપુલ વૈદ્ય
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવાર પરિવારમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં પુણે શહેરમાંથી એક ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. શરદ પવારે પુણેમાં તેમના નિવાસસ્થાન ‘મોદી બાગ’ ખાતે સમગ્ર પવાર પરિવારની સંયુક્ત બેઠક બોલાવી છે. આ પરિવારની બેઠક શરદ પવારની હાજરીમાં યોજાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોના રાજકીય વિકાસ પછી આ પહેલીવાર છે કે આખો પરિવાર આ રીતે એક સાથે આવ્યો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

શરદ પવારની સાથે, પ્રતાપરાવ પવાર, શ્રીનિવાસ પવાર, રાજેન્દ્ર પવાર, સાંસદ સુપ્રિયા સુળે, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, શર્મિલા પવાર, વિધાનસભ્ય રોહિત પવાર, યુગેન્દ્ર પવાર, સાંસદ પાર્થ પવાર, જય પવાર, સદાનંદ સુળે, અભિજીત પવાર જેવા બધા જ પરિવારિક સભ્યો આ બેઠકમાં હાજર રહેશે. પવાર પરિવારની અચાનક બેઠક બોલાવવાથી ઘણા લોકોમાં ચિંતાનો માહોલ છે.
મળતી માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સુપ્રિયા સુળેની પુત્રી રેવતી સુળેના લગ્ન અને ભોજન સમારંભના આયોજનની તૈૈયારી માટે બોલાવવામાં આવી હતી. જોકે, સૂત્રો કહે છે કે પવારે આ બેઠક આ સંદર્ભમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવા માટે બોલાવી હશે, કારણ કે આજે અજિત પવારના મૃત્યુને 3 મહિના થઈ ગયા છે.

અજિત પવારના મૃત્યુના ત્રણ મહિના પછી પણ સીઆઈડીની તપાસમાં કશું બહાર આવ્યું નથી. બ્લેક બોક્સ વિશે પણ કોઈ નક્કર માહિતી સામે આવી નથી. તેથી, અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે ઘણા પ્રશ્ર્નો અનુત્તરિત રહ્યા છે. આમ, પવારે પવાર પરિવારની બેઠક બોલાવી ત્યારથી આ બેઠકનું એક અલગ જ મહત્વ બની ગયું છે. આ બેઠકમાં ખરેખર શું થશે? શું આમાંથી કોઈ રાજકીય પગલાં લેવામાં આવશે? આ અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.