Thu Jun 11 2026

Logo

પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં ઈક્વિટી માર્કેટમાં સાવચેતીનો અભિગમ

2026-06-11 20:47:06
Author: Ramesh Gohil
Article Image

સત્ર દરમિયાન સેન્સેક્સમાં 875 પૉઈન્ટની બેતરફી વધઘટને અંતે 150 પૉઈન્ટનો ઘટાડો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આજે બજારમાં સાવચેતીના અભિગમ વચ્ચે બેતરફી વધઘટ જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન 875.59 પૉઈન્ટની વધઘટને અંતે 150.63 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 53.35 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ઈંધણના ભાવ વધી આવ્યા હોવાથી અમેરિકામાં ગત મે મહિનાનો ફુગાવો ત્રણ વર્ષની ઊંચી 4.2 ટકાની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે વિશ્વ બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું. જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં એકતરફી વેચવાલી જળવાઈ રહેતાં આજે તેઓની રૂ. 14,000.58 કરોડની ખરીદી સામે રૂ. 15,987.67 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1987.09 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી બજાર વધુ દબાણ હેઠળ આવી હતી. જોકે, તેની સામે આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,822.57 કરોડની ખરીદી સામે રૂ. 12,598.08 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4224.51 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 73,983.18ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 73,615.99ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 73,518.75 અને ઉપરમાં 74,394.34ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.20 ટકા અથવા તો 150.63 પૉઈન્ટ ઘટીને 73,832.55ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,214.95ના બંધ સામે 23,104.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,072.05થી 23,327.45ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 53.35 પૉઈન્ટ અથવા તો 0.23 ટકા ઘટીને 23,161.60ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળ્યું હતું જેમાં આરંભિક તબક્કે નરમાઈના અન્ડરટોને ખૂલ્યા બાદ મજબૂત વલણ જોવા મળ્યું હતું, પરંતુ મધ્યસત્ર પશ્ચાત્‌‍ સુધારો ધોવાઈ ગયો હોવાનું લાઈવલૉન્ગ વૅલ્થનાં સંસ્થાપક અને વિશ્લેષક હરિપ્રસાદ કેએ જણાવ્યું હતું.

તે પ્રમાણે રલિગેર બ્રોકિંગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ કહ્યું હતું કે આરંભિક અડધા કલાકની નરમાઈ ખંખેરીને સુધારો જોવા મળ્યો હતો, પરંતુ મધ્ય પૂર્વમાં તણાવ વધવાના અહેવાલ અને ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 95 ડૉલરની નજીક પહોંચ્યાના નિર્દેશો સાથે મધ્યસત્ર પશ્ચાત્‌‍ સુધારો ધોવાઈ ગયો હતો. વધુમાં અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી ભારત સહિતના વૈશ્વિક બજારો દબાણ હેઠળ આવ્યા હતા. 

ગઈકાલે અમેરિકાના ફુગાવાના ડેટામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરશે અને વૈશ્વિક નાણાં સ્થિતિ તંગ રહે તેવી ભીતિ સપાટી પર આવી હોવાથી આજે આઈટી શૅરોમાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

દરમિયાન આજે બીએસઈ ખાતે કુલ 4389 શૅરમાં કામકાજ થયા હતા, જેમાંથી 1279 શૅરના ભાવ વધીને, 2928 શૅરના ભાવ ઘટીને અને 182 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે 77 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 119 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને મિડકેપ તથા સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 1.08 ટકાનો અને 0.20 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી નવ શૅરના ભાવ વધીને અને 21 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.71 ટકાનો ઘટાડો ઈન્ફોસિસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટેક્નોલૉજીસમાં 1.95 ટકાનો, અદાણી પોર્ટસમાં 1.91 ટકાનો, ઈટર્નલમાં 1.82 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.56 ટકાનો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.49 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 1.87 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.67 ટકાનો, કોટક મહિન્દ્રામાં 1.31 ટકાનો, સનફાર્મામાં 0.40 ટકાનો, ભારતી એરટેલમાં 0.38 ટકાનો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.24 ટકાનો સુધારો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આઈટી ઈન્ડેક્સમાં 1.78 ટકાનો, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 1.59 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.40 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.19 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 1.17 ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં 1.07 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે હૅલ્થકૅર, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ, બૅન્કેક્સ, ટોપ ટેન બૅન્ક્સ અને મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક્સ ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકાના બજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.