વિનોદ ભટ્ટ
આજથી લગભગ સવા બસોથી અઢીસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો વિકાસ નહોતો થયો ત્યારે ઘણા લોકો કાના-માત્રા વગરના બોડિયા અક્ષરથી જેમ તેમ ગાડું ગબડાવતા.
આ કારણે આવું બનતું કે ઘરમાં પુત્રજન્મ થયો હોય ત્યારે એના સમાચારમાં પોસ્ટકાર્ડમાં લખાતું કે ‘દકરન જનમ થય છ’ આવો કાગળ વાંચનારને ખબર નહોતી પડતી કે દીકરો જન્મ્યો છે કે દીકરી? લાપશી ખાવી કે ખીચડી? એ દિવસોમાં ઘેર દીકરો અવતરે તો કંસારનાં આંધણ મુકાતાં ને દીકરી જન્મે તો નાગરો જેને સુખપાવની જેવા રૂપકડા નામથી નવાજે છે એવી ખીચડી ઓરવામાં આવતી. દીકરીનું નામ પડતાં જ વડીલોના ચહેરા ફીકા પડી જતા. ઘરમાં બધાંનો ફયૂઝ ઊડી જતો. ભણેલ-ગણેલ અને સંસ્કારી ગણાતાં કુટુંબોમાં પણ આ જ હાલત હતી. અરે, પ્રિયદર્શિની નહેરુ ગાંધીના જન્મ વખતેય તેમના દાદા મોતીલાલનું મોઢું પડી ગયું હતું. (દાદાજીને તો એ પળે કલ્પના પણ નહીં હોય કે આ જ પોતરી એક દિવસ આખું ઇન્ડિયા માથે લઇને ભલભલાનાં છોતરાં ફાડી નાખશે!)
એ કાળમાં દાયણો પણ સમજુ હતી. ઘરે પુત્રરત્ન જન્મે તો હક કરીને પાંચ રૂપિયા પડાવતી, પણ જો દીકરી અવતરે તો ત્રણ રૂપિયા ચુપચાપ લઇ લેતી અને ધારો કે કોઇ ત્રણને બદલે બે રૂપિયા ધરે તો પણ ‘મરેલાને કોણ મારે?’ એવું મનોમન બબડીને કચકચ કર્યાં વગર બે રૂપિયા પણ સ્વીકારી લેતી.
પછી જેમ જેમ ભાષા કાઠું કાઢતી ગઇ તેમ તેમ આ પ્રમાણે વધામણાં આપવાનાં શરૂ થયાં: ‘બહેન કંકુબાએ ફલાણા દિવસે, ફલાણી ઘડીએ પાઘડી બાંધનાર દીકરાને જન્મ આપ્યો છે.’ અને જો ક્ધયારત્નનું આગમન થયું હોય તો ‘ચૂંદડી ઓઢનાર દીકરી અવતરી છે’ એવું લખાતું.
શુદ્ધ અને સારું ગદ્ય આપવા માટે આપણે કવિ દલપતરામ, નર્મદ અને નવલરામના ઓશિંગણ છીએ. જોડે જોડે પ્રજામાં વાચનભૂખ ઉઘાડવા ને પુસ્તકપ્રેમ વિકસાવવા કાજે ગામેગામ લાઇબ્રેરીઓ સ્થાપનાર તેમ જ તેનો વિકાસ કરનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડના પણ આપણે એટલા ઋણી છીએ. જયાં જયાં તેમની હકૂમત ચાલતી એવા ગુજરાતના પ્રદેશોમાં તેમણે એક મૌલિક અને ઉમદા પ્રણાલી પાડી હતી. જે આજે પણ ગાયકવાડ સ્ટેટ તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતના મહેસાણાપંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે દા. ત. કોઇ માણસ આ વિસ્તારમાં તેનો દીકરો પરણાવવા જાન જોડીને જાય ત્યારે એ ગામના પુસ્તકાલયનું સંચાલન કરતો પ્રાથમિક શાળાનો શિક્ષક વેવાઇપક્ષના મોવડી પાસે પહોંચી જાય છે. પોતાના ગામની દીકરી-લક્ષ્મી પામવા બદલ તેમણે અભિનંદન આપે છે. પછી નમ્રતાથી જણાવે છે કે ‘મુરબ્બી, અમારે લક્ષ્મી સામે સરસ્વતીની થોડી કૃપા જોઇએ છે. આપ આ ગામની લાઇબ્રેરી માટે યથાશક્તિ ચાંલ્લો કરો. જેમાંથી અમે સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તકો ખરીદીશું’. પુસ્તકો માટે આપવામાં આવેલ દાનની પહોંચ અપાતી. આ પુસ્તકો ખરીદવા આપેલ ડોનેશનની રકમ ઇન્કમટેકસની કલમ 80-જી હેઠળ બાદ નથી મળવાની એની ખબર હોવા છતાં તે આપનાર હોંશથી પોતાનાં એક નંબરનાં નાણાંમાંથી આપતો, કેમ કે એ દિવસોમાં બે નંબરની લક્ષ્મીનું ચલણ જાણીતું થયું નહોતું. અને સરસ્વતી માટે તો એક નંબર યા બે નંબરનો પ્રશ્ન જ અપ્રસ્તુત ગણાતો. ક્ધિતુ કહે છે કે આ સરસ્વતી પર લાગતા-વળગતાઓની અમીનજર ટકી રહે એ વાસ્તે, સરસ્વતીને ઠેકઠેકાણે પ્રવેશ કરાવવા માટે થઇને પ્રકાશકોએ બે નંબરની લક્ષ્મીને આજકાલ તો કામે લગાડવી જ પડે છે, આથી શકય છે કે ખુદ સરસ્વતીને પણ શરમ આવતી હશે. જોકે બંને બહેનોનો આ અંગત મામલો છે. એમાં આપણા કેટલા ટકા? (આ કેટલા ટકા એ પણ પ્રકાશકો અને તેમની જોડે તડજોડ કરનારાની ખાનગી વાત છે, જેને આ લેખ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી).
અલબત્ત, ગુજરાતીઓના માથે વર્ષોથી મહેણું છે કે તેમને ચોપડામાં છે એટલો રસ ચોપડીઓમાં નથી પડતો. કયારેક એ સાચું પણ લાગે છે. દા. ત. આપણા નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠી તેમની એકમાત્ર નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ થકી અમર થઇ ગયા. તેમના વારસો આજે પણ એ વાતે ગૌરવ અનુભવે છે. તેમને પણ એ પરિવારના સભ્ય લેખે ઘણાં કીર્તિ અને કલદાર મળ્યાં. એન.એમ. ત્રિપાઠી એન્ડ કું.ના નામે પુસ્તકપ્રકાશનનો ધંધો પણ સારો ચાલે છે, તેમ છતાં દિવાળીના દિવસે એ લોકો પૂજન તો ચોપડાનું જ કરે છે. ખાતાવહી અને રોજમેળને જે પૂજામાં મૂકે છે. એની જોડાજોડ ‘સરસ્વતીચંદ્ર’ના ચાર પૈકી એકેય ભાગ મૂકે છે? પૂછી જોજો.
અગાઉના સમયમાં ઘણા ગુજરાતીઓ ખાસ ભણ્યા નહોતા માટે નહોતા વાંચતા કે કેટલાકને આર્થિક કારણે પરવડતું નહીં એટલે પુસ્તકો ખરીદીને વાંચતા નહીં. આજે ભણતર વધ્યું છે, પાસે ધનની પૂરી છત છે. છતાં ચોપડી જેવી ફાલતું ચીજ પાછળ કોણ પૈસા ફેંકી દે-એવા વ્યવહારું ગણિતને લીધે ધનિક માણસો પુસ્તકો ખરીદવાનું ઓછું પસંદ કરે છે. વચ્ચે એક વાચકે છાપામાં ચર્ચાપત્ર આપ્યું હતું કે ‘જુઓ ને. પુસ્તકો માણસ કેવી રીતે ખરીદે? એની કિંમત કેટલી બધી વધી ગઇ છે!’ આની સામે મારા ગીધુકાકા કહે છે કે ‘અલ્યા ભૈ, પુસ્તકોની કિંમત જ વધી ગઇ છે? જૂતાંની નથી વધી ? જે મજબૂત ચંપલ અગાઉ શેરીઓમાં પાંચથી સાત રૂપિયામાં ઘેર બેઠાં ફેરિયો આપી જતો એ બજારમાં આજે બસો-અઢીસોમાં મળે છે. મસાલાથી ભરપૂર ઢોસો ત્રણથી ચાર આનામાં મળતો એટલો મસાલો તો હોટલવાળા સો રૂપિયાવાળા ઢોસામાં પણ નથી નાખતા. ઢોસા બનાવતી વખતે એમના પરિવારનાં સભ્યો એમને ઉદાર થતાં રોકે છે. એક આનામાં આખા દૂધની ચા નસીબ હતી. હવે એ પણ અડધા દૂધ-પાણીવાળી ચા છથી સાત રૂપિયે કપ મળે છે. આમાંનું કશું જ મોંઘું નથી પડતું. ફકત પુસ્તકો જે મોંઘાં પડે છે ! આમેય પુસ્તકો સસ્તાં હોય તોય ખરીદવામાં રસ કોને છે? માત્ર બસોનવ્વાણું રૂપિયામાં એક શર્ટ સાથે એક શર્ટ ફી મળતું હોય તો એ ઘણું સસ્તું કહેવાય. પણ જયોતીન્દ્ર દવેના ‘રંગતરંગ’ ભાગ પહેલા સાથે વિનોદ ભટ્ટનાં ત્રણ પુસ્તકો મફતમાં મળતાં હોય તો પણ ઘરાક તો દુકાનદારને એવું જ કહેવાનો કે જયોતીન્દ્રની જોડે વિનોદ ભટ્ટ સિવાય બીજો કોઇ સારો લેખક ફ્રીમાં આપતા હો તો જણાવો, હું વિચારું.
જોકે હું સાવ કાઢી નાખવા જેવો લેખક નથી. એની મને તો પાકી ખબર છે. થોડા વખત પહેલાં હું એક લાઇબ્રેરીમાં ઊભો હતો. એક વાચકે જે મને દીઠે ઓળખતો નહોતો તેણે મારી હાજરીમાં લાઇબ્રેરિયનને પૂછયું: વિનોદ ભટ્ટનું કોઇ નવું પુસ્તક આવ્યું છે? ‘કેમ. એ તમારો પ્રિય લેખક છે?’ લાઇબ્રેરિયને પૂછયું ના, એવું ખાસ નથી’ વાચકે ચોખવટ કરી : ‘એકવાર હું એની ચોપડી વાંચવા લઇ ગયો હતો. તેમાંથી રૂપિયા પચાસની નોટ નીકળી હતી, એટલે લાગે છે કે એની બુક વાંચનારને એ પચાસ રૂપિયાનો પુરસ્કાર આપતો હશે.’
મરાઠી, બંગાળી અને સાઉથ ઇન્ડિયાની ભાષાઓની પ્રજા સાહિત્યમાં ઉત્કટ રસ ધરાવે છે, એ રીતે ગુજરાતી પ્રજાએ પણ બતાવી આપવું જોઇએ કે અમારો સાહિત્યરસ-પુસ્તક પ્રેમ પણ એટલો જ તીવ્ર છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે લગ્ન કરવા આવેલ વરરાજાના વડીલ પાસે દાપું ઉઘરાવવાની પરંપરા ઊભી કરી હતી. એમાં હું જરા આગળ વધું છે. કોઇ બુઝુર્ગના મરણ બાદ સજજામાં સીડી, ફાનસ, લાકડી, છત્રી, પગરખાં, માળા (અને હવે ટીવી) વગેરે મૂકવામાં આવે છે. (શું સ્વર્ગ ને શું નરક, ચૅનલો તો બધી જ આ જ આવવાની ને!) આ બધાને જોડે થોડાં પુસ્તકો પણ સજજામાં મૂકવાં જોઇએ. પરલોકમાં સાથે માળા અને ટીવી. હોય, પણ ચોવીસે કલાક એનું એ જ હોય. તે એનોય કંટાળો આવે કે નહીં! એટલે થોડાંક સારાં, બેસ્ટ-સેલર પુસ્તકો પણ ચશ્માંની જોડે ગોઠવી દેવાં જોઇએ. ત્યાં જઇને રાંધવાનું ન હોય એટલે સ્વર્ગમાં પાકશાસ્ત્ર કે ખાધેલું પચાવવા આરોગ્યનાં પુસ્તકોની જરૂર નહીં પડે. ત્યાં તો પથરા કરતાંય વધારે સંખ્યામાં ઋષિમુનિઓ અને કથાકીર્તનકારો ગમે ત્યાં અથડાઇ જતા હોય. એટલે ધાર્મિક, આધ્યાત્મિક યા તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ ખપ નહીં. ત્યાં તો ટાઇમપાસ માટે નવલકથા, આત્મકથાઓ ને નિબંધસંગ્રહો હોય તો ભયો-ભયો. કવિતાસંગ્રહો ત્યાં લઇ જઇ દુ:ખી થવા જેવું નથી. હા, નર્કમાં જવાનું થાય તો વાત જુદી છે. કેટલાક સાહિત્યસેવીઓએ જીવતેજીવ પોતાને મનગમતાં પુસ્તકો વસાવ્યાં હોય છે. મરણ બાદ પોતાનાં આ પુસ્તકો તેઓ વારસદારોનાં નામે વિલ યાને વસિયતથી કરી શકે. લગભગ દરેક કુટુંબમાં બે-એક સભ્યો એવાં પણ હોય છે, જેમને પૈસા કરતાં સંસ્કારની આવશ્યકતા વધારે હોય છે. પોતાના વિલમાં બુઝુર્ગ લખી શકે કે ‘મારા વચેટ દીકરા વિકુને બોપલના મારા બંગલાની સાથે સાથે મેં જતનથી (તેમ જ ઊધઇથી)સાચવી રાખેલી મુનશીની ‘પાટણની પ્રભુતા’ આપી દેવી. મારી પુત્રવધૂએ નામે વિભા, મયૂરી અને હર્ષાને અનુક્રમે ‘સાપનો ભારો’, ‘ઇંધણ ઓછાં પડયાં’ અને ‘મારી હૈયાસગડી’ આપવાં મારી દીકરી. પન્નાનો સ્વભાવ ગરમ છે, તેની તપેલી કાયમ ચડેલી હોય છે, માટે તેને ‘ધૂમકેતુ’નું ‘તણખામંડળ’ આપવું.’
આ તો એક નમૂનો આપ્યો. બાકી વાચકો વધુ સુજ્ઞ હોય છે.