Mon May 18 2026

Logo

રાજકારણમાં દરેક વ્યક્તિ એકબીજાના સંપર્કમાં હોય છે, દુશ્મન પણ: સંજય રાઉત

2026-03-30 21:12:56
Author: Vipul Vaidya
Article Image

ANI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. આમાં, શિવસેના શિંદે જૂથ એવો દાવો કરી રહ્યું છે કે ઠાકરે જૂથના સાંસદો અલગ થઈ જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સાંસદો સંપર્કમાં છે અને ટૂંક સમયમાં ઓપરેશન ટાઇગર લાગુ કરવામાં આવશે. હવે, સાંસદ સંજય રાઉતે આ મુદ્દે ધારદાર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ‘અમારી પાસે 9 સાંસદો છે અને તેઓ છેલ્લે સુધી અમારી સાથે રહેશે.’

સંજય રાઉતે તાજેતરમાં દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે, તેમને ઓપરેશન ટાઇગર વિશે પૂછવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે ભાજપ અને શિવસેના નજીક આવવાની વાતો પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે ભાજપ સાથે સંઘર્ષ શરૂ કર્યો નથી, તેમણે અમારા પર લાદ્યો છે. આ સંઘર્ષ 2014થી ચાલી રહ્યો છે. જેમ અમેરિકાએ ઈરાન પર યુદ્ધ લાદ્યું હતું અને ઈરાન બહાદુરીથી લડી રહ્યું છે, અમારી ભૂમિકા બરાબર એવી જ છે. જેમ અમેરિકાએ પીછેહઠ કરવી પડશે, તેવી જ પરિસ્થિતિ અહીં પણ આવશે, એમ સંજય રાઉતે ઉમેર્યું હતું. 

‘રાજકારણમાં દરેક વ્યક્તિ એકબીજાના સંપર્કમાં હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ દુશ્મન હોય છે, ત્યારે તેઓ વધુ સંપર્કમાં હોય છે. જો કોઈએ એકબીજાને મદદ કરી હોય, તો તે વાતો બીજાની સામે ન કહેવી જોઈએ. રાજકીય દુશ્મનાવટ અને અંગત સંબંધો બે અલગ અલગ બાબતો છે. મેં પ્રસાદ લાડના ઘરે કાર્યક્રમ દરમિયાન પણ આ જ વાત કહી હતી. આપણે ઘણીવાર વિપક્ષી નેતાના ઘરે પણ જઈએ છીએ. બાળાસાહેબ ઠાકરે, શરદ પવાર કે આપણે પોતે પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, પરંતુ બસ એટલું જ. આનાથી એવું ન વિચારવું જોઈએ કે  વૈચારિક સંઘર્ષ અટકી ગયો છે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.