Mon May 04 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ભાજપ કરે એ છિનાળું, કેજરીવાલ કરે એ લીલા

2026-05-04 08:42:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી માનસિકતામાં રાચે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અત્યારે તેનો પુરાવો આપી રહી છે. અરવિંદ કેજરીવાલ આણિ મંડળી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો, ખોટા કેસ કરીને કનડગત કરવાનું આળ મૂકે છે પણ કેજરીવાલની પાર્ટીની પંજાબની ભગવંત માન સરકાર પોતે જ એ ધંધો માંડીને બેઠી છે અને થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક સામે બે કેસ ઠોકી દેવાયા છે. 

પંજાબની ભગવંત માન સરકારે સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધી છે તેમાં એક એફઆઈઆર ઈ-ભ્રષ્ટાચારને લગતા કેસની છે જ્યારે બીજી ફરિયાદ મહિલાઓના જાતીય શોષણને લગતી છે.  આ બંને કેસમાં પાઠક સામે બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે કે જેથી જેલમાં ધકેલી દેવાય તો ઝડપથી છુટકારો ના થાય. 

ધરપકડ માટે પંજાબ પોલીસ દિલ્હીમાં સંદીપ પાઠકના ઘરે પણ પહોંચી ગઈ હતી પણ સંદીપ પાઠક પોલીસ આવે એ પહેલાં પોતાના ઘરેથી પાછલા દરવાજેથી નીકળી ગયા તેથી બચી ગયા. પાઠક હવે ભાજપમાં છે તેથી દિલ્હી પોલીસ તેમની વહારે આવી છે અને ઘરની બહાર બેરીકેડ્સ લગાવીને પંજાબ પોલીસ અચાનક ના ઘૂસી જાય તેનો બંદોબસ્ત કર્યો છે પણ પંજાબમાં એફઆઈઆર થઈ ગઈ છે તેથી સંદીપ પાઠકે કોર્ટમાં જઈને આગોતરા જામીન મેળવવા સહિતની વિધિ તો કરવી જ પડશે.  

સંદીપ પાઠકે પોતાની સામે કેમ કેસ નોંધાયા ને આ કેસ શેને લગતા છે તે અંગે અજ્ઞાન પ્રગટ કર્યું છે, પાઠકનું કહેવું છે કે, પોતાને નથી એફઆઈઆરની કોપી મળી કે નથી પંજાબ પોલીસ દ્વારા કશી જાણ કરાઈ. પંજાબ પોલીસે પણ સત્તાવાર રીતે સંદીપ પાઠક સામેના કેસોની કોઈ વિગત આપી નથી પણ તેમની સામે બે કેસ થયા હોવાનું સ્વીકાર્યું છે એ જોતાં પાઠક સામેના કેસોમાં લશ્કર ક્યાં લડે છે એ જ ખબર નથી. 

પાઠક સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો છે પણ આ ભ્રષ્ટાચાર ક્યારે થયો અને કઈ રીતે થયો તેની કોઈને ખબર નથી. એ જ રીતે પાઠકે કઈ મહિલાઓનું જાતીય શોષણ કર્યું તેની પણ કોઈને ખબર નથી. આ જાતીય શોષણ ક્યારે થયું તેની પણ વિગતો ઉપલબ્ધ નથી. 

ભાજપના નેતા પણ ભગવંત માન સરકાર ક્ધિનાખોરી દાખવી રહી હોવાના આક્ષેપો કરી રહ્યા છે પણ કેસ કે એફઆઈઆર મુદ્દે કશું બોલતા નથી તેથી કેસ શાનો છે એ કોઈને ખબર નથી. અલબત્ત આ ભ્રષ્ટાચાર કે જાતીય શોષણ સંદીપ પાઠકે ચાર દાડામાં એટલે કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા પછી તો નહીં જ કર્યાં હોય એ નક્કી છે કેમ કે ભાજપમાં જોડાયા પછી સંદીપ પાઠક દિલ્હીમાં જ છે ને પંજાબ ગયા નથી. આ સંજોગોમાં સાચા કે ખોટા જે પણ આક્ષેપો છે એ ભૂતકાળના છે. 

માનો કે, ભૂતકાળમાં પાઠક સામે અરજીઓ થઈ હોય તો પણ સવાલ એ છે કે, પંજાબની ભગવંત માન સરકારે અત્યાર સુધી સંદીપ પાઠક સામે કેમ કોઈ પગલાં ના લીધાં ? સંદીપ પાઠક રાજ્યસભાના સભ્ય છે તેથી તેમની ધરપકડ પૂરતી તપાસ વિના ના કરાય એવું માની લઈએ તો પણ અત્યાર સુધી એક પણ કેસમાં એફઆઈઆર પણ કેમ ના નોંધાઈ ? સંદીપ પાઠક અત્યાર સુધી દૂધે ધોયેલા હતા પણ આપ છોડીને ભાજપમાં જોડાયા એ સાથે જ પાપી કેમ થઈ ગયા ? 

આ સવાલોના જવાબ સ્પષ્ટ છે. પંજાબની ભગવંત માન સરકાર ક્ધિનાખોરીનું રાજકારણ રમી રહી છે અને આપ છોડીને કેજરીવાલને આંચકો આપી દેનારા સંદીપ પાઠકને ફિટ કરીને પાઠ ભણાવવા માગે છે. આ બધું કેજરીવાલના ઈશારે થઈ રહ્યું છે એ પણ સ્પષ્ટ છે કેમ કે ભગવંત માન કેજરીવાલના આંગળિયાત છે. સંદીપ પાઠક સામેની ફરિયાદોમાં દમ છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે ને કોર્ટ પોતાની ફરજ બજાવશે પણ સંદીપ પાઠક સામે કેસ કરવા માટે પસંદ કરાયેલો સમય એક જ વાત સાબિત કરે છે કે, આમ આદમી પાર્ટી ભલે ગમે તેવા દાવા કરે પણ બીજા પક્ષોથી અલગ નથી ને કેજરીવાલની માનસિકતા સત્તા મળે ત્યારે તેનો દુરૂપયોગ કરવાની જ છે. 

આ કિન્નાખોરીનું રાજકારણ માત્ર સંદીપ પાઠક સામે રમાઈ રહ્યું હોય તો પણ માફ કરી દેવાય પણ આપ છોડીને ભાજપમાં ગયેલા તમામ સાંસદો સાથે આ જ વ્યવહાર થઈ રહ્યો છે.  તેની શરૂઆત રાઘવ ચઢ્ઢાની ઝેડ+સિક્યોરિટી હટાવીને કરી હતી. રાઘવ ચઢ્ઢાને પંજાબ પોલીસ તરફથી સિક્યોરિટી અપાઈ હતી કેમ કે માન સરકારને લાગતું હતું કે તેમની જાન પર ખતરો છે પણ ચઢ્ઢા ભાજપમાં જતાં જ  આ ખતરો જતો રહ્યો. 

ક્રિકેટરમાંથી નેતા બનેલા હરભજનની સિક્યોરિટી પણ પાછી ખેંચી લેવાઈ છે.   પંજાબ પોલીસે સુરક્ષા હટાવી લીધી પછી દિલ્હીથી સીઆરપીએફના  સાત જવાનોએ ચંદીગઢ પહોંચીને મોરચો સંભાળી લીધો પણ આ નિર્ણય કિન્નાખોરી તો બતાવે જ છે. હરભજને આ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો અને કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. તેમાં જે થશે એ થશે પણ માન સરકારે ક્ધિનાખોરી તો બતાવી જ છે. 

ચઢ્ઢા કે હરભજન સામે કેસ કરવા જેવું કશું નહોતું તેથી તેમની સિક્યોરિટી હટાવીને માન સરકારે સંતોષ માન્યો જ્યારે બીજા એક સાંસદ રાજિન્દર ગુપ્તાની ફેક્ટરી પર તો રેડ કરી દેવાઈ. ગુપ્તા  લગભગ 5 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા ટ્રાઇડેન્ટ ગ્રૂપના માલિક  છે અને પંજાબમાં ફેક્ટરીઓ ધરાવે છે. રાજિન્દર ગુપ્તાની બરનાલાના ધૌલામાં ફેક્ટરી પર પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પીપીસીબીએ રેડ કરી નાંખી. તેની સામે ગુપ્તા પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં જતાં કોર્ટે 4 મે સુધી ગુપ્તા પર કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી સામે સ્ટે આપ્યો છે પણ સવાલ એ જ છે કે, ગુપ્તાની ફેક્ટરીઓ અચાનક જ પ્રદૂષણ ફેલાવતી થઈ ગઈ ? 

ચઢ્ઢા આણિ મંડળીને વખાણવા જેવી નથી કેમ કે તેમણે સાવ અનૈતિક કૃત્ય કર્યું છે પણ સામે કેજરીવાલ પણ કમ નથી એ આ ઘટનાક્રમે સાબિત કર્યું છે. કેજરીવાલના ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે એ એકથી વધુ વાર સાબિત થયું છે અને અત્યારે તેનો વધુ એક નમૂનો જોવા મળી રહ્યો છે. પોતાની ધરપકડ વખતે ખોટા કેસ કરાયા હોવાનાં રોદણાં રડવા બેસી ગયેલા કેજરીવાલને આ બધું કરતાં શરમ પણ નથી આવતી.