Sat Sep 12 2026

Logo

વડોદરામાં લિવ-ઈન પાર્ટનર હીનાની હત્યા કરનારા પરીણિત પ્રેમીને જનમટીપઃ સચિન દીક્ષિત કઈ રીતે ઝડપાયેલો ?

2026-05-12 10:06:00
Author: Mayur Patel
વડોદરામાં લિવ-ઈન પાર્ટનર હીનાની હત્યા કરનારા પરીણિત પ્રેમીને જનમટીપઃ સચિન દીક્ષિત કઈ રીતે ઝડપાયેલો ?

વડોદરાઃ શહેરમાં લિવ ઈન પાર્ટનર હીનાની હત્યા કરનારા પરીણિત પ્રેમીને કોર્ટે જનમટીની સજા ફટકારી હતી. પાર્ટનરનું ગળું દબાવીને સચિને હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરી રસોડાના કબાટમાં છુપાવી દીધી હતી અને 10 મહિનાના પુત્ર શિવાંશને ગાંધીનગરની ગૌશાળામાં ત્યજી દીધો હતો. હીનાની હત્યા બાદ તે પરિવાર સાથે યુપી તરફ જવા નીકળી ગયો હતો. પોલીસે તેને અધવચ્ચેથી ઝડપી લીધો હતો. 

શું છે સમગ્ર મામલો

આરોપી સચિન અને મૃતક હીના ઉર્ફે મહેંદી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓને એક પુત્ર પણ હતો.  ઓક્ટોબર 2021માં  સચિનને ગાંધીનગર જવા બાબતે હીના સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને સચિને હીનાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને તેની લાશને ટ્રોલી બેગમાં ભરી રસોડાના વોશ બેસિન નીચેના કબાટમાં સંતાડી દીધી હતી. 

બનાવ બાદ આરોપી પોતાના માસૂમ પુત્રને લઈને ગાંધીનગર ભાગી ગયો હતો અને બાળકને પેથાપુરની ગૌશાળા પાસે બિનવારસી હાલતમાં છોડી દીધો હતો. ગાંધીનગર પોલીસે જ્યારે બાળકની તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં આરોપીની સેન્ટ્રો કારના નંબર જોવા મળતા તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ 61 મૌખિક સાક્ષીઓ તપાસ્યા હતા અને 85 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં, સોસાયટીના સીસીટીવી ફૂટેજ, એક્સપ્રેસ વેના ટોલ ટેક્સના રેકોર્ડસ, એફએસએલ રિપોર્ટ અને ડૉક્ટરોનો પીએમ રિપોર્ટ અત્યંત મહત્વના સાબિત થયા હતા. સીસીટીવીમાં આરોપી બાળક સાથે ગાડીમાં જતો સ્પષ્ટ દેખાયો હતો.

સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. ન્યાયાધીશે તમામ પુરાવાઓ તપાસ્યા બાદ ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સિવાય ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી અને ગળે ટૂંપો આપવાના કારણે જ મોત નિપજ્યું છે તે મેડિકલ પુરાવાથી સાબિત થાય છે. ન્યાયાધીશે આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ ઉપરાંત કોર્ટે  પોલીસ કબજે કરેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી મુદ્દામાલ બાળક જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે તેને સોંપવામાં આવે તેવો હુકમ કર્યો હતો.