અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા મહેસાણા અને જગુદણ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 974 અને 975ના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ એન્જિનિયરિંગ કાર્યને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે આ માર્ગ પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના શિડ્યુલ પર સીધી અસર પડશે, જેનાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ એન્જિનિયરિંગ બ્લોકને પગલે આગામી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સાબરમતી અને પાટણ વચ્ચે દોડતી બે મુખ્ય ડેમૂ (DEMU) ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 79435 સાબરમતી જંકશન - પાટણ ડેમૂ અને ટ્રેન નંબર 79436 પાટણ - સાબરમતી જંકશન ડેમૂનો સમાવેશ થાય છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે બ્રિજનું સમારકામ અનિવાર્ય હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદથી હિંમતનગર રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કારણ કે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેન નંબર 69243 અસારવા-ઉદયપુર મેમુ (DEMU) ના સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો સમય અસારવા અને હિંમતનગર વચ્ચેના તમામ સ્ટેશનો માટે આગામી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ નવા ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડ ન પડે.
નવા સમયપત્રક મુજબ, આ ટ્રેન હવે અસારવા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૦ને બદલે ૩૦ મિનિટ વહેલી એટલે કે સવારે ૦૯:૫૦ કલાકે ઉપડશે. આ ફેરફારને કારણે વચ્ચે આવતા તમામ સ્ટેશનો જેવા કે સાહિજપુર, સરદારગ્રામ, નરોડા, દહેગામ અને પ્રાંતિજના સમયમાં પણ ફેરફાર થયો છે. ટ્રેન હવે હિંમતનગર સ્ટેશને બપોરે ૧૨:૦૫ના બદલે ૧૧:૫૫ કલાકે પહોંચશે, જેનાથી મુસાફરોનો મુસાફરી સમય પણ થોડો બચશે.