(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતથી રાજસ્થાન તરફની મુસાફરી કરનારા રેલ મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા જોધપુર-સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 20485/20486) ને જેસલમેર સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રેન હાલ દરરોજ સવારે 7 કલાકે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડીને મહેસાણા, પાટણ, ધાનેરા, ભિનમાલ, સમદડી સ્ટેશન થઈને જોધપુર પહોંચે છે. તે જ રીતે જોધપુરથી બપોરે 11-50 કલાકે ઉપડીને સાંજે 8 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચે છે.
આ ઉપરાંત તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઇનનું કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં અંબાજી પાસે ચીખલા ગામ નજીક અરવલ્લીની પહાડીઓમાં ૨.૨૭ કિમી લાંબી ટનલનું ૬૦% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ૧૧૬.૬૫ કિમી લાંબી આ રેલવે લાઇન વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ નવી રેલવે લાઇન કાર્યરત થવાથી ગુજરાતથી માઉન્ટ આબુ જતા મુસાફરો માટે અંતર આશરે ૨૦ કિમી જેટલું ઘટી જશે અને મુસાફરી વધુ સરળ બનશે. આ રૂટ પર કુલ ૧૫ રેલવે સ્ટેશનો વિકસાવવામાં આવશે, જ્યાં ટ્રેનો ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેનાથી પ્રવાસના સમયમાં નોંધપાત્ર બચત થશે.