Sun May 31 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ: Live Like Bond... પહાડ-પતંગિયાં ને પુસ્તકો વચ્ચે રસ્કિન બોન્ડની શાંત સર્જનાત્મક દુનિયા

2026-05-31 08:43:00
Author: Raj Goswami
Article Image

- રાજ ગોસ્વામી


 

ભારતનાં લાખો બાળકો (અને વયસ્કો)ના પ્રિય બાળ વાર્તાકાર રસ્કિન બોન્ડ હમણાં 92 વર્ષના થયા. તે અવસરે અનેક મીડિયામાં તેમના ઇન્ટરવ્યૂ પ્રગટ થયા હતા, લેખો લખાયા હતા. તે ખાસ કરીને કુદરત, પહાડો, બાળપણ, માનવીય લાગણીઓ અને રોજિંદા જીવનની સરળ સુંદરતાને સ્પર્શતી વાર્તાઓ માટે જાણીતા છે.  તેમણે સેંકડો વાર્તાઓ અને બાળકો માટે અનેક પુસ્તકો લખ્યાં છે. તેમને સાહિત્ય અકાદમીનો એવૉર્ડ, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ જેવાં સન્માનો પણ મળ્યાં છે. આજે પણ તે ભારતના સૌથી પ્રિય લેખકોમાંના એક ગણવામાં આવે છે.તે  આજે લગભગ સાત દાયકાથી વધુ સમયથી સતત લખતા આવ્યા છે. રસ્કિન બોન્ડે લગભગ 1718 વર્ષની ઉંમરે ગંભીર રીતે લખવાનું શરૂ કર્યું હતું, અને તેમની પ્રથમ નવલકથા ઝવય Room on the Roof 1956માં પ્રકાશિત થઈ હતી. તેની જાણીતી કૃતિઓમાં The Blue Umbrella, A Flight of Pigeons, અનેOurTrees Still Grow in Dehraનો સમાવેશ થાય છે.

 

બોન્ડનો જન્મ 19 મે, 1934ના રોજ કસૌલીમાં થયો હતો. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તે  બહુ સારા વાચક હતા અને નિબંધો લખતા હતા. પાછળથી તેમના ગમતા લેખકોની નકલ કરવાનું અને લેખક બનવાનું નક્કી કર્યું. તેમને શબ્દોને કાગળ પર ઉતારવાનું, વાક્યો રચવાનું, વાર્તાઓ કહેવાનું ગમતું હતું. પછીથી એમાંથી પૈસા પણ મળવા લાગ્યા.

 

તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘તમારુંં લખવાનું રૂટિન કેવું હોય છે?’ ત્યારે બોન્ડે કહ્યું હતું, ‘ખાસ નથી. બ્રેકફાસ્ટ પહેલાં (સાત વગ્યે) એક કલાક લખું છું. બે કે ત્રણ પાનાં- 500-600 શબ્દો. સવારનો સમય શ્રેષ્ઠ છે. દિવસે મુલાકાતીઓ ખલેલ પાડે, ડોરબેલ વાગે, પ્રવાસીઓ સેલ્ફી ખેંચાવા આવે. અર્જન્ટ કશું હોય તો પછી પણ કામ કરું. આજે પણ  હાથેથી જ લખું છું. ટાઇપ કરતાં આવડે છે, પણ ગરદન દુ:ખી જતી હતી. હવે બોલ-પેન કે જેલ-પેનથી લખું છું.

 

ફાઉન્ટેન પેનથી નહીં-તેનાથી હાથ ગંદા થાય છે.’

 

આ ઇન્ટરવ્યૂમાં તેમનાં કામ અને જીવન સંબંધી વાતચીત ઉપરાંત, તેમણે એક રસપ્રદ વાત તેમના એકાંતમાં જીવવાની અને કેવી રીતે તેનો પ્રભાવ તેમના સર્જન પર પડ્યો છે તેની કરી હતી.      

 

મસૂરીમાં લેન્ડોર ખાતે Ivy Cottage નામના ઘરમાં બોન્ડ રહે છે. તેમણે લગ્ન કર્યાં નથી. જીવનભર તે અવિવાહિત રહ્યા છે,  પણ તે  એકલવાયા નથી. તે   તેમના દત્તક સમાન પરિવાર સાથે રહે છે- ખાસ કરીને તેમના નજીકના પરિવારજનો અને બાળકો સાથે, જેમની સાથે તેમનો ખૂબ જ ઉષ્માભર્યો સંબંધ રહ્યો છે.  તેમના લેખોમાં પણ આ ઘર, પરિવાર, બાળકો અને લેન્ડોરના દૈનિક જીવનનો ઘણીવાર ઉલ્લેખકરે છે. રસપ્રદ વાત એ છે કે તેમની ઘણી   વાર્તાઓમાં દેખાતી શાંતિ, વરસાદ, ઝાડ, પહાડ અને નાની માનવીય ક્ષણો, આ બધું તેમના લેન્ડોરના જીવનમાંથી જ ઊગેલું લાગે છે.

 

તેમણે કહ્યું હતું કે એકાંત અને એકલતામાં ફરક છે-એકાંત તમારી પસંદગી છે અને તમે એમાં ખુશ રહો છો, જ્યારે એકલતા તમારી પર લાદવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ખાસ કરીને એક લેખકને વિચારવા માટે, નિરીક્ષણ કરવા માટે, વાંચવા માટે અને લખવા માટે શાંત સમયની જરૂર પડે છે.

 

 બાળપણની વાત કરતી વખતે તેમણે એકલતાના અનુભવની પણ વાતો કરી હતી અને કહ્યું હતું કે મસૂરીનાપહાડો અને પ્રકૃતિ તેમના સાથીદાર બની ગયા હતા. તેમનું બાળપણ આદર્શ નહોતું, પણ તે વખતે પણ તે   જીવનની અનપેક્ષિતાઓ સામે મજબૂત અને સુખી રહ્યા હતા.

 

બોન્ડ ઉમેરે  છે, ‘એવું સૌની સાથે થાય છે. સમયની સાથે તમને મુસીબતો અને અકસ્માતોમાંથીઊગરવાનું આવડી જાય. એ પ્રકૃતિમાં જ હોય છે.’

 

તેમણે નાની ઉંમરમાં જ પિતાને ગુમાવ્યા હતા. પિતાને  યાદ કરીને તે કહે છે, ‘હું એ વખતે નવ વર્ષનો હતો. તેમનાં લગ્ન તૂટવાના કારણે હું આગલાં બે વર્ષ તેમની કસ્ટડીમાં હતો. તેમણે મને ઘણો સમય અને એટેન્શન આપ્યું હતું. મને ચાલવા લઈ જતા. એ ગયા ત્યારે હું તૂટી ગયો હતો. ઘણા લાંબા સમય પછી મેં જીવનમાં રસ લેવાનું શરૂ કર્યું અને પુસ્તકોના પ્રેમના કારણે હું ખુશ રહેવા લાગ્યો. હું નાનપણથી જ લાંબે સુધી ચાલવા જતો હતો. હું મારી મસ્તીમાં આખો દિવસ ભટકતો હતો. આજે પણ એવું જ છે, પણ હવે પરિવાર છે.’

 

એકાંતમાં એકલતાનો આનંદ આવે તે જીવનની મોટી સિદ્ધિ કહેવાય. સંગાથમાં પણ એકલતા મહેસૂસ થાય તે સૌથી મોટી નિષ્ફળતા કહેવાય. એકલા રહેવાનું પસંદ કરવું અને લોકો વચ્ચે રહીએ પણ એકલતા મહેસૂસ થવી તેમાં ફરક છે.

 

ઘણા લોકો એકાંતમાં જાતને શોધીને, સર્જનાત્મકતાને ખીલવીને, તરોતાજા થઈને જીવનનો સાર્થક અનુભવ કરે છે. ઘણા લોકો માટે એકાંત એટલે ખાલી ઘર, શાંતિથી ભરેલો ઓરડો અને ધીમે ધીમે ચડી આવતી ઉદાસી, પરંતુ રસ્કિન બોન્ડ માટે એકાંત એક બંધ દરવાજો નથી; તે તો બહાર તરફ્  ખૂલતી બારી છે. તે  એકલા રહેતા નથી, તે એકાંત સાથે રહેતા શીખ્યા છે.

 

લેન્ડોરના તેમના નાનકડા ઘરમાં દિવસો કોઈ હડબડાહટમાં પસાર થતા નથી. બારી બહાર ઊભેલું ઝાડ, વરસાદના પહેલા ટીપાં, સવારનું પક્ષી, દૂર પહાડ પર ઊતરતી ધુમ્મસ... આ બધું તેમના માટે વાતચીત કરનાર મિત્રો સમાન છે.

 

બોન્ડ એકાંતને ભરવાનો પ્રયત્ન કરતા નથી... તે   જાણે છે કે દરેક માણસના જીવનમાં એવી જગ્યાઓ હોય છે જ્યાં અંતે તેણે પોતે જ પ્રવેશવાનું હોય છે. જોકે  એ જગ્યામાં અંધકાર હોવો જરૂરી નથી. ત્યાં પુસ્તકો હોઈ શકે, જૂની યાદો હોઈ શકે, વરસાદનો અવાજ હોઈ શકે, કોઈ જૂનું ગીત હોઈ શકે.

 

બોન્ડે Looking for the Rainbow નામના પુસ્તકમાં યોજનાઓ બનાવીને જીવવાની વાતને વ્યર્થ ગણાવી હતી. તે ખુદ એવું જ જીવે છે. બોન્ડ કહે છે : ‘આ ઉંમરે તો હું રોજ એક દિવસ માટે જીવું છું. હવે બહુ આગળની યોજના શક્ય નથી. વહેલા મોડા વિદાય થવાનું છે, પણ હું રોજ લખું છું, મને મજા આવે છે. એ લખાણ કદાચ આવતા વર્ષે પ્રગટ થશે- ખબર નહીં, હું હોઈશ કે નહીં. એટલે  આટલાં  બધાં વર્ષો પછી પણ લખવા પર કોઈ અસર પડી નથી, કારણ કે મારી સ્મૃતિ સરસ છે. મારે લેખક જ બનવું હતું અને એમાં જ જીવનનિર્વાહ કરવો હતો. નિષ્ફળતાઓ અને મુસીબતો આવી છે, પણ હું ટકી રહું છું. મને પુસ્તકો વાંચવાં અને લખવાં ગમે છે. લખવા-વાંચવાનું થોડું વધુ લાંબું ચાલે તો સારું.’

 

આજના સમયમાં આપણે સતત અવાજોથી ઘેરાયેલા છીએ- ફોનના, માહિતીઓના, સમાચારોના, ઉતાવળના, લોકોની હાજરીના, છતાં અંદરથી ખાલીપો વધતો જાય છે. બોન્ડ કહે છે કે માણસે થોડો સમય પોતાની સાથે પણ બેસવું જોઈએ , કારણ કે પોતાની જાત સાથે મિત્રતા કર્યા વગર દુનિયાની મિત્રતા અધૂરી રહે છે.

 

રસ્કિન  બોન્ડના  જીવનમાંથી મળતો સૌથી સુંદર બોધપાઠ કદાચ આ છે: 

 

એકાંત એ સજા નથી... જો તેને જોવાની નજર હોય તો તે એક શાંત સાથી બની શકે. જીવનમાં ખુશી ઘણી વાર મોટા પ્રસંગોમાં નહીં, પણ બારી બહાર ઊડતી એક પતંગિયાને નિહાળવામાં છુપાયેલી હોય છે.

 

-અને કદાચ એ જ રસ્કિન બોન્ડના જીવનનું સૌથી મોટું રહસ્ય પણ છે.  તેમણે જીવનમાંથી કશું અસાધારણ શોધવાનો આગ્રહ કર્યો નહીં .  તેમણે સાધારણ જીવનમાં રહેલી અસાધારણતાને ઓળખી છે. એક વરસાદી બપોર, એક જૂનું ઝાડ, એક પુસ્તકનું પાનું, એક બાળકનું હાસ્ય, કે બારી પાસે બેસીને પસાર થતો સમય- તેમના માટે આ બધું જીવનનું સંગીત હતું અને છે. 

 

કદાચ આપણે પણ જીવનને સતત દોડીને નહીં, ક્યારેક થોભીને જોવાનું શીખી જઈએ, તો સમજાશે કે સુખ દૂર ક્યાંય નથી...  તે ઘણીવાર શાંતિથી આપણી બાજુમાં બેસેલું હોય છે.