ગુવાહાટીઃ આસામમાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે ગુવાહાટીમાં રમાતી આસામ પ્રીમિયર લીગ દરમ્યાન મેદાન પર બુધવારે રૉબોના રૂપમાં ડૉગ મૂકવામાં આવ્યો હતો જેની પીઠ પરના બોર્ડમાં લખ્યું હતું, `આસામને તમારી (માનવતાવાદી મદદની) જરૂર છે'.
આખા રાજ્યમાં પૂરગ્રસ્તોની મદદ માટે ભંડોળ આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર પણ રાજ્યની જનતાને મદદ કરી રહી છે, પરંતુ ગુવાહાટી (Guwahati)માં બરસાપારાના એસીએ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને નવી પદ્ધતિથી મદદની અપીલ થતી જોવા મળી હતી. આ અપીલ ગુવાહાટી રૉયલ્સ અને જોરહટ સ્ટૅલિયન્સ વચ્ચે રમાઈ હતી. મૅચ પહેલાં રૉબો ડૉગ (Robot Dog)ને ખેલાડીઓની સાથે મેદાન પર ઊતારવામાં આવ્યો હતો અને એની પીઠ પરના મોટા બોર્ડ મારફત પ્રેક્ષકોને અપીલ થઈ હતી તેમ જ આ રૉબો ડૉગ પર સતતપણે કૅમેરા હતા એટલે અસંખ્ય ટીવી દર્શકો સુધી પણ આ અપીલ ગઈ હતી.
આ રીતે રૉબો ડૉગને મેદાન પર ઊતારીને આયોજકોએ લોકોને ક્રિકેટના એક્સાઇટમેન્ટની સાથે રૉબોનું એન્ટરટેઇનમેન્ટ પણ પૂરું પાડ્યું હતું. આ અપીલ મારફત એ સંકેત અપાયો હતો કે રાજ્યમાં હજી પણ અનેક લોકો પૂરપીડિત છે અને તેમને તાકીદે મદદની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલનો જાણીતો ક્રિકેટર રિયાન પરાગ આસામનો છે. તે રાજસ્થાન રૉયલ્સ વતી તેમ જ ભારત વતી એક વન-ડે અને નવ ટી-20 રમ્યો છે. ભારતની મહિલા વિકેટકીપર-બૅટર ઉમા ચેટ્રી પણ આસામની છે.