Mon Jul 27 2026

Logo

શું બંગાળમાં મહારાષ્ટ્રવાળી થશે? હોટલમાં 50 ધારાસભ્યોની ‘સીક્રેટ મીટિંગ’! શું તૂટી જશે મમતાની પાર્ટી?

2026-06-02 15:51:00
Author: Mumbai Samachar Team
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાતાની સાથે જ મમતા બેનર્જી સામે રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ એક પછી એક ટીએમસી (TMC) ના પત્તા ખરી રહ્યા છે. મમતા બેનર્જીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને બહારનો રસ્તો બતાવી દીધો છે. ટીએમસીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી શું હવે ટીએમસીના 'એકનાથ શિંદે' સાબિત થશે?

વર્ષ 2022માં મહારાષ્ટ્રમાં જ્યારે એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકાર અને રાજકારણ બંને છીનવી લીધા હતા, હવે બરાબર તેવી જ રાજકીય સ્ક્રિપ્ટ પશ્ચિમ બંગાળમાં લખાઈ રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં ટીએમસીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી છે.

ટીએમસી (TMC) માં બળવાના સંકેત

બંગાળની સત્તામાંથી બહાર થતાંની સાથે જ મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીએમસીના કાર્યકરોથી લઈને નેતાઓ સુધીના તમામ લોકોનો પક્ષમાંથી મોહભંગ થઈ રહ્યો છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને લઈને ટીએમસીમાં વિરોધના સૂર વધુ તેજ બની રહ્યા છે.

ઋતબ્રત બેનર્જી બનશે ટીએમસીના 'શિંદે'

ટીએમસીની ટિકિટ પર ધારાસભ્ય બનેલા ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ અભિષેક બેનર્જી સામે મોરચો ખોલી દીધો છે, જેના કારણે મમતા બેનર્જીએ બંને ધારાસભ્યોને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. હવે આ બંને ધારાસભ્યો ટીએમસી સાથે જ રમત (ખેલા) કરવાની તૈયારીમાં લાગી ગયા છે. 

ટીએમસી (TMC) ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે પક્ષમાંથી કાઢી મુકાયેલા આ બંને ધારાસભ્યો પક્ષને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓએ દક્ષિણ કોલકાતાની એક હોટલમાં કેટલાક ધારાસભ્યો સાથે ગુપ્ત બેઠક કરી હતી, જોકે પાછળથી ઋતબ્રતે આ આરોપને નકારી કાઢ્યો હતો.

ટીએમસીના ઘણા નેતાઓને એ ડર સતાવી રહ્યો છે કે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી સાથે જોડાયેલા રહેવાથી તેમનું રાજકીય કરિયર બરબાદ થઈ શકે છે. આ જ કારણે ટીએમસીના નેતાઓ મમતા બેનર્જીની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

કુણાલ ઘોષની અપીલ: ડૂબતું જહાજ ન છોડો

જો ટીએમસી (TMC) ના 80 ધારાસભ્યો અને 29 સાંસદોમાંથી અડધાથી વધુ (લગભગ 40-45 ધારાસભ્યો અને 15-18 સાંસદો) મમતા બેનર્જીથી અલગ થઈને 'બે ઘાસ-ફૂલ' વાળા ચૂંટણી ચિહ્ન માટે ચૂંટણી પંચનો સંપર્ક કરે છે, તો આ મમતા બેનર્જી અને તેમના ભત્રીજાના પક્ષ પરના દાવાને ફગાવી દેવા માટે પૂરતું હોઈ શકે છે.