Tue Jul 28 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ ધોધમાર રોમાન્સમાં ભીંજવતાં રીમઝીમ રેન સોન્ગ્ઝ...

2026-07-10 10:47:00
Author: Sanjay Chhel
Article Image

સંજય છેલ 

કોઈએ કહ્યું છે કે વરસાદની ફિંગર પ્રિન્ટ જોવી હોય તો 4 મહિના ખેડૂતના ચેહરાને જોઈ લેવો...
પણ વરસાદ ને વરસાદી ગીતો એટલે આપણી ફિલ્મોમાં હીરો-હીરોઈનનો પાસે આવવાનો રોમેન્ટિક મોકો, પ્રેમીઓના તન-મનને પાસે લાવવાનો પાસવર્ડ. 

છેક 1913માં દાદાસાહેબ ફાલકેએ ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ બનાવી ત્યારે જલક્રીડાનો સીન દેખાડેલો. ત્યારથી આજ સુધી વરસાદના હજારો ગીતો બોલિવૂડમાં વરસે રાખે છે.

1950-60ના સમયમાં ‘શ્રી 420’ના પ્યાર હુવા ઈકરાર હુવા ગીતમાં એક છત્રીમાં ભીંજાતા રાજ કપૂર-નરગીસને જોઈને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું ગીત પણ રંગીન લાગવા માંડે. ‘છલિયા’નું મૌસમ ભીગા ભીગા પણ એવું જ મદમસ્ત ગીત છે. ‘કાલાબઝાર’માં દેવ આનંદ-વહીદાનું રીમઝીમ કે તરાને લે કે આયી બરસાતમાં ત્યારનું મુંબઈ દેખાય અને વરસાદ પણ એક પાત્ર હોય એમ યાદ રહી જાય છે. તો ‘ચલતી કા નામ ગાડી’માં કિશોર કુમાર-મધુબાલાનું સદાબહાર એક લડકી ભીગી ભાગી સી જાણે મસ્તી ને મહોબ્બતનું મહાપૂર. 

સફેદ પારદર્શક સાડીમાં સંગેમરમરની મૂરત જેવી મધુબાલા ને એને ચીડવતો સામાન્ય મેકેનિક કિશોર. એક તરફ વરસાદ, છોકરીને પહેલીવાર મળ્યાનો છૂપો આનંદ, જૂની ગાડીઓ, એન્જીન ઓઈલના ભીત પર ધબ્બાઓ, વેરવિખેર સ્ક્રુ-પાના-ટાયરોની વચ્ચે ટપકતો ભીનો રોમાન્સ એટલે કિશોર-મધુબાલાની કમનીય કેમિસ્ટ્રી. હાથ લગાડ્યા વિનાયે પગથી માથાં સુધી એકમેકને ચૂમતા હો એવો જાદુ. 

મજરૂહના ગીતમાં તન ભીગા હૈ સર ગીલા હૈ, ઉસ કા કોઈ પેચ ભી ઢીલા હૈ જેવી પંક્તિઓમાં વરસાદી રોમાન્સમાં કેવી નિર્દોષતાથી છલકે છે. તો બીજીબાજુ ઝિંદગી ભર નહિ ભૂલેંગે વો બરસાત કી રાતમાં રોશનનું સંગીત ને રફીની બેનમૂન ગાયકી આજેય ભર ઉનાળે વરસાદી રાતોની યાદ અપાવી શકે. 

બિમલ રોય ની ફિલ્મ ‘પરખ’નું ગીત ઓ સજાના બરખા બહાર આયી અદ્ભુત ક્લાસિકલ સોંગ છે. એ જ રીતે ‘ઉસ ને કહા થા’ ફિલ્મનું આહા રીમઝીમ કે યે પ્યારે પ્યારે ગીત લિયે તલત મહેમૂદ-લતાના અવાજમાં ગીતકાર શૈલેન્દ્ર સલીલ ચૌધરીનું અપ્રતિમ વરસાદી ગીત છે.

ભારતના ગરીબ ખેડૂતના જીવતરવાળી બિમલ રોયની ‘દો બીઘા ઝમીન’નું હરિયાલા મૌસમ ઢોલ બજતા આયામાં વાવણીના ઉમંગની વાત છે. 1957માં ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચેલી ‘મધર ઇન્ડિયા’નું મતવાલા જીયા બોલે પિયા હોય કે દુ:ખ ભરે દિન બીતે રે ભૈયાનું ફિલ્માંકન જુવો તો ગરીબ કિસાનના મનમાં વરસતો વરસાદ અનુભવી શકો. 

આવાં ગીતોમાં ભીંજાતી હીરોઈનના ફિગરની નુમાઈશ નથી પણ એ આપણી જમીનનાં જાનદાર ગીતો છે, જેની અસર છેક 2001ની ‘લગાન’ના ઘનન ઘનન ઘન ગીર આયે બદરા ગીત સુધી દેખાય છે તો છેક 1965ની ‘ગાઈડ’માં એસ.ડી.બર્મનના અવાજમાં રામા મેઘ દે..પાની દે.. દુકાળગ્રસ્ત ગામના લોકોની પ્રાર્થનાનું વરસાદી ગીત ફિલ્મને એવી કક્ષાએ મૂકી દે છે કે જેલમાંથી છૂટેલો દેવ આનંદ ઉર્ફ મામૂલી રાજુ ગાઈડ ફરિશ્તો બની જાય છે ને ઉપવાસ પર ઊતરીને વરસાદ લાવે છે. વળી ‘ગાઇડ’ રિલીઝ થયેલી ત્યારે મુંબઇમાં લાંબો સમય વરસાદ નહોતો પડ્યો ને ‘ગાઇડ પ્રેઇસ ફોર રેન’ એવું પોસ્ટર પર લખવામાં આવેલું પછી ખરેખર મુંબઇમાં વરસાદ આવ્યો ને ફિલ્મ હિટ થયેલી!

‘છોટે નવાબ’નું લતાજીએ ગાયેલ ક્લાસિકલ ગીત ઘર આજા ઘીર આયે બદરા સાંવરિયા આર.ડી.બર્મનની પ્રથમ ફિલ્મનું સુંદર કમ્પોઝિશન છે, જે લતાજીને સંભળાવવા પંચમ હાફપેંટમા ગયેલા! ‘સાંઝ ઔર સવેરા’નું રાગ પીલૂમાં રફી-સુમન કલ્યાણપૂરનું અજહુ ના આયે બાલમા સાવન બીતા જાયે કેમ ભૂલાય? શશી કપૂર-રાખીની ‘શર્મીલી’ ફિલ્મનું હિંદી કવિ નીરજનું ગીત મેઘા છાયે આધી રાત બૈરન બન ગયી નિંદિયા એસ.ડી.બર્મનનું કમનીય છતાં કરુણ ગીત છે.

મસાલા ફિલ્મોમાં જેમજેમ સમય વીતતો ગયો વરસાદનું જોર અને જુવાનીના શોરનું પણ વધ્યું. ‘નમક હલાલ’ ફિલ્મમાં મુંબઈની સૂની સડક પર રેકડીની ઉપર ચડીને આજ રપટ જાયે તો હમે ના ઉઠાઈયો ગાઈને અમિતાભ એન્ગ્રીયંગમેનની ઈમેજથી નીકળીને અને સ્મિતા આર્ટ સિનેમાની ગંભીર ઈમેજથી હટીને વરસાદમાં ઝૂમીને નાચે છે. વરસાદ હોય એટલે હીરોઈનના શરીર પર પાતળી સાડી અંગ પર ચોંટીને જે ઈફેક્ટ આપે એનો આ ગીત દાખલો છે. 

એવું જ 1974ની રાજેશ ખન્ના-ઝીનતની ‘અજનબી’ ફિલ્મના ભીગીભીગી રાતો મેં ઐસી બરસાતો મેં, કૈસા લગતા હૈ? માં ઘરની ટેરેસ પર ઝીનતની ગુલાબી પારદર્શક નાઈટીની ગાંઠ દાંતથી છોડાવતો રાજેશ ખન્ના તો અહીં હીરોઇનથી પણ વધુ રોમેન્ટિક લાગે છે. રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવનાર ‘આરાધના’માં વરસાદમાં ભીંજાઇને ડાકબંગલામાં તાપણાંની આસપાસ એક જ શોટમાં આખું ગીત ફિલ્મવાયેલું એ રૂપ તેરા મસ્તાનામાં રાજેશ ખન્ના હોઠ ધ્રુજાવીને કામાતુર આંખોથી શર્મિલાને સંમોહિત કરે છે. 

રાજ ખોસલાની ‘દો રાસ્તે’નું બિંદીયા ચમકેગી, ચૂડી ખન્કેગી હોય કે મનમોહન દેસાઈ ની ‘રોટી’ ફિલ્મનું ગીત ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર એ બધામાં રાજેશ ખન્ના-મુમતાઝે વરસાદમાં પલળી પલળીને પ્રેમ કર્યો છે. ત્યારનું જ સુનિલ દત્ત નૂતનની ‘મિલન’નું ગીત સાવન કા મહીના પવન કરે સોર... આનંદ બક્ષી-લક્ષ્મી-પ્યારેની ટીમનું લોકગીત બની ગયેલું મીઠડું ગીત છે જેમાં વરસાદ નથી અને છે પણ.

1974ની ‘મંઝીલ’ ફિલ્મનું રીમ ઝીમ ગીરે સાવન રેઇન સોંગમાં મુંબઈના મરીનડ્રાઈવની ફૂટપાથ પર અમિતાભ-મૌસમીને ભીંજાતા જોશો તો એમ જ તમને લાગશે કે ખરેખર મિડલક્લાસનું કપલ ચાલી રહ્યું છે એ બાસુ ચેટરજીના દિગ્દર્શનની એ કમાલ છે કે ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મમાં મનોજ કુમારને નોકરીએ ના જવા માટે સેક્સી ઝીનત જ્યારે ગાય છે- તેરી દો ટકિયા દી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે ત્યારે ભલભલાને નોકરી છોડીને છોકરી પાસે દોડી જવાનું મન થઈ જાય.

1982ની સની દેઓલની પહેલી ફિલ્મ ‘બેતાબ’નું બાદલ યું ગરજતા હૈ એટલે ગરીબોના મહમ્મદ રફી એવા શબ્બીર કુમારના સ્વરમાં મીઠું ગીત છે. રોમાન્સના રાજા યશ ચોપડાની ફિલ્મ ‘ચાંદની’નું લગી આજ સાવન કી ફિર વોહ ઝડી હૈમાં કામણગારી શ્રીદેવીના સુંદર લુકને કે એમની જ ફિલ્મ ‘યે દિલ્લગી’નું દેખો ઝરા દેખો બરખા કી લડી હૈ ગીતમાં કામણગારી કાજોલ, હોટપેન્ટમાં અલ્લડ અદાથી નાચે છે! ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મનું ગીત ઘોડે જૈસી ચાલ, હાથી જૈસી દૂમ, ઓ સાવન રાજા કહા સે આયે તુમ? ગીતમાં શાહરુખ-માધુરી ને 50-60 બાળકો વરસાદમાં ડાન્સ કરે છે.

હવે રેન સોંગ્સ ઓછા આવે છે. ‘ચમેલી’ ફિલ્મમાં બહકા હૈ મન કહીં ગીતમાં કરીનાને કે પછી ‘ગુરુ’ ફિલ્મના બરસો રે મેઘામાં ઐશ્વર્યાને છેલ્લે વરસાદી ગીતમાં જોઈ હતી...બાકી આજકાલ વરસાદી ગીતોનો એવો દુકાળ છે કે છેલ્લે અક્ષયકુમારની 2021ની ‘સૂર્યવંશી’માં છેક 1995માં આવેલી ‘મોહરા’નું જૂનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ ફરીથી વાપરવું પડેલું!
બાકી હિટ વરસાદી ગીતોનું લિસ્ટ બનાવવા જઈએ તો 2-4 ચોમાસા નીકળી જાય !