Wed May 06 2026

Logo

પાલઘર જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: 9માં ધોરણના વર્ગો ચાલુ રહેશે

2026-05-05 21:13:20
Author: Mumbai Samachar Team
Article Image

પાલઘર: જિલ્લાની માધ્યમિક શાળાઓમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા અને આઠમા ધોરણમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે 6400નો તફાવત છે. આ વાતને ધ્યાનમાં રાખીને જિલ્લા પરિષદ કરાર શિક્ષકોની મદદથી વર્ગો ચાલુ રાખવા માટે ભંડોળ મેળવવા અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જો જરૂરી હોય તો સામાજિક અને સખાવતી સંસ્થાઓમાંથી કોન્ટ્રેક્ટ પર શિક્ષકો મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. 

જિલ્લા પરિષદે જિલ્લા પરિષદની શાળાઓમાં નવમા અને દસમા ધોરણના વર્ગો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને આ વર્ગો હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી મનોજ રાનડે દ્વારા રદ કરવામાં આવતા સાડા છ હજાર વિદ્યાર્થીઓની શિક્ષણ સમસ્યા હાલ પૂરતી હલ થઈ ગઈ છે.

દહાણુ, તલાસરી, વિક્રમગઢ, જવાહર અને અન્ય તાલુકાઓમાં ખાનગી અને સહાયિત શાળાઓ અને આશ્રમ શાળાઓમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ મંજૂર સંખ્યા કરતા વધુ  આઠમા ધોરણમાં પાસ થઈ રહ્યા હોવાથી ઘણા વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

પરિણામે તત્કાલીન પાલક પ્રધાન સ્વ. વિષ્ણુ સવરાએ આદિજાતિ વિકાસ વિભાગની નાણાકીય સહાયથી 2017 થી આ બંને ધોરણો માટે વર્ગો શરૂ કર્યા હતા. જોકે, આદિજાતિ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગે આ કાર્યરત કરાર આધારિત શિક્ષકોના પગાર માટે ભંડોળ મંજૂર ન કર્યું હોવાથી, જિલ્લા પરિષદે સેસ ફંડમાંથી જોગવાઈ કરી હતી.

વર્ષ ૨૦૨૪-૨૫માં આઠમા ધોરણમાં ૬૭ હજાર ૪૬૨ વિદ્યાર્થીઓ હતા. તેમાંથી ૭૫૦૮ આદિવાસી આશ્રમ શાળાઓમાં, ૫૩ હજાર ૩૮૫ ખાનગી શાળાઓમાં અને ૧૮૮ અન્ય શાળાઓમાં હતા. કુલ ૬૧ હજાર ૮૧ વિદ્યાર્થીઓએ નવમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. આમ, આઠમા ધોરણમાં પાસ થયેલા ૬૩૮૧ વિદ્યાર્થીઓના પ્રવેશનો પ્રશ્ન ઉભો થયો. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા પરિષદની શાળામાં દાખલ થયા હતા.