ગૌરવ મશરૂવાળા
થોડા દિવસો પહેલાં પ્લેનમાં મુસાફરી દરમિયાન એક સસરા અને પુત્રવધૂ વચ્ચે થઇ રહેલી વાતચીત મારા કાને પડી. પુત્રવધૂ ફરિયાદના સૂરે સસરાને કહી રહી હતી, ‘મને લાગે છે કે તમને મારા કરતાં તમારી સેક્રેટરી પ્રત્યે વધારે લાગણી છે. તમે બહારગામ જાઓ છો ત્યારે હંમેશાં એના માટે મોંઘી ગિફટ્સ લેતા આવો છો.’ આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં. આ વાતચીતમાં અનૈતિક સંબંધ વિશેને સહેજ અમથો સંદર્ભ પણ નહોતો. બન્નેની વાતચીત પરથી મને એટલું સમજાયું કે સસરા વિધુર હતા. તેઓ પુત્રવધૂને સમજાવવાની કોશિશ કરતાં કહી રહ્યા હતા.
‘તારી સાસુના ગયા પછી સેક્રટરીએ જ મારી નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો છે. એ મને સમયસર દવા આપે છે, મને શું ભાવે છે ને નથી ભાવતું તેને ધ્યાનમાં રાખીને રોજ ઘરે ફોન કરીને રસોઇયાને શું રાંધવું તેની સૂચના આપે છે, મારો જન્મદિવસ આવે ત્યારે મારા દોસ્તોને ફોન કરીને ઓફિસે તેડાવે છે અને પાર્ટીનું પ્લાનિંગ કરે છે... એ મારા માટે આટલું બધું કરે છે એટલે હુંય એને મોંઘી ગિફટ્સ આપીને ખુશ રાખું છું કે જેથી એ નોકરી છોડીને જતી ન રહે.’
આ સાંભળીને મારા મનમાં વિચાર આવી ગયો. ‘શું સાચા પ્રેમ, સન્માન અને કાળજીના બદલામાં મોંઘી ભેટો આપવી જોઇએ ખરી?’ હું એમ નથી કહેતો ભેટો ન આપવી જોઇએ. ભેંટ આપવી કે નહીં એ તો દરેકની અંગત પસંદગીની બાબત છે. સવાલ એ છે કે શું કોઇ આપણા પ્રત્યેના પ્રેમ અને આદરને કારણે કશુંક કરતું હોય તો એને ભેટ આપવી જોઇએ? કે પછી, સાચો પ્રેમ અને આદર આપીને એની લાગણીનો પડઘો પાડવો જોઇએ? હું ફલાણી વ્યક્તિને ભેટ આપીને ખુશ નહીં રાખું તો એ નોકરી છોડીને જતી રહેશે એવા ડરથી પ્રેરાઇને ભેંટ આપવી યોગ્ય છે? જવાબ જો ‘હા’ હોય તે ભેટ આપવાના મામલા વિશે આત્મમંથન કરવાની જરૂર છે.
કેટલીયવાર જાણ્યે-અજાણ્યે આપણે લાગણીઓ અને સંબંધો પર પ્રાઇસ-ટેગ લગાડવાની કોશિશ કરતાં હોઇએ છીએ.
નીરવ અને સુમંત બન્ને એક જ સ્કૂલમાં ભણતા હતા. બન્નેનાં માતા-પિતા જોબ કરતાં હતાં. નીરવના પપ્પા એક મલ્ટિનેશનલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતા હતા. મહિનામાં પંદરેક દિવસ એમણે બહારગામ રહેવું પડતું. નીરવની મમ્મી એક સ્કૂલમાં શિક્ષિકા હતી. પતિ-પત્ની બન્ને નોકરિયાત હોવાથી દીકરા સાથે પૂરતો સમય વિતાવી શકતાં નહોતાં.
જોકે વેકેશન દરમિયાન પપ્પા કામસર બહારગામ જતા ત્યારે નીરવ અને એની મમ્મી પણ સાથે જોડાતાં. પપ્પાને જે જગ્યાએ કામ હોય તેની આસપાસના ટૂરિસ્ટ સ્પોટ્સ પર તેઓ ફરવા જતા. આ રીતે ત્રણેય એકમેક સાથે સમય વિતાવી શકતાં. આ ખર્ચને પહોંચી વળવા માટે તેઓ બીજા રૂટિન ખર્ચ પર કાપ મૂકતાં અને અમુક રકમ અલાયદી બચાવી રાખતાં. આ સિવાય ઉત્સવો દરમિયાન અને જન્મદિવસ જેવા અવસરે પપ્પા પ્રવાસે જવાનું ટાળતા. નીરવને બરાબર સમજાતું હતું કે ઘરની જરૂરિયાતોને પૂરી કરવા માટે મમ્મી-પપ્પા બન્ને ખૂબ મહેનત કરે છે.
સુમંતના પપ્પા એક મલ્ટિનેશનલ કંપનીમાં સિનિયર પૉઝિશન પર હતા. કામ અને બિઝનશ મીટિંગ માટે તેમણે અવારનવાર વિદેશ પ્રવાસ કરવા પડતા. પાછા ફરતી વખતે તેઓ સુમંત માટે મોંઘી ગિફ્ટસ લઇ આવતા. એની મમ્મી એક ટોચની એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ક્રિયેટિવ ડિરેક્ટર હતી. એ પણ ઓફિસ પૂરી થયા પછી પાર્ટી વગેરેમાં જતી. એ દીકરા માટે લેટેસ્ટ બ્રાન્ડ્સનાં કપડાં, શૂઝ, ગેજેટ્સ અને બીજી ચીજવસ્તુઓ ખરીદી લાવતી. પરિવાર પૈસે ટકે સુદ્રઢ હતો. પતિ-પત્નીમાંથી કોઇ એક નોકરી છોડી દે તો પણ આર્થિક સ્તરે પરિવારને ખાસ ફરક પડે તેમ નહોતો. જોકે પતિ-પત્ની બન્નેને પોતપોતાની કરિઅરને આગળ વધારવામાં રસ હતો.
પૈસાની જરૂર હોવાથી સંતાન સાથે સમય ન વિતાવી શકવો અને કારકિર્દી આગળ વધારવામાં વ્યસ્ત હોવાને લીધે સંતાનને સમય ન આપી શકવો-આ બન્નેમાં ફરક છે. સંતાન સાથે ન વિતાવી શકાયેલા સમયને ભેટ આપીને ખરીદવાની કોશિશ ન કરો. ચાલો, આપણે નિર્ધાર કરીએ કે આપણા સંબંધોની કાળજી લઇશું, એને જાળવીશું, માણીશું પણ ક્યારેય એને ખરીદવાની કોશિશ નહીં કરીએ. કહે છે ને કે, ‘આખરે મહત્ત્વ લાગણીઓનું જ છે.’
યોગિક વેલ્થ
ચિત્તમાં શાંતિ હશે તો આર્થિક ધ્યેયોનો અગ્રતાક્રમ યોગ્ય રીતે નક્કી કરી શકીશું. અશાંત મન આપણને દિશાહીન કરી પૈસાની પાછળ દોડાવ્યા કરશે.