નવી દિલ્હી: 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે પાર્ક કરવામાં આવેલી એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 11 નિર્દોષોના મોત થયા હતાં. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવી હતી, હવે આ કેસમાં 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં NIA ની સ્પેશિયલ કોર્ટ સમક્ષ NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) સંગઠન સાથે જોડાયેલા 10 શખ્સોના નામ સામેલ છે.
NIAના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) ભારતીય ઉપખંડમાં અલ-કાયદા (AQIS) ની શાખા છે. અનલોફૂલ એક્ટીવીટી પ્રિવેન્સન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા, એકસપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ, આર્મ્સ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ નવી દિલ્હીના પટિયાલા હાઉસ ખાતે NIA સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આરોપીઓમાં નામ:
આ કેસનો મુખ્ય આરોપી, પુલવામાના રહેવાસી અને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સહાયક પ્રોફેસર ડૉ. ઉમર ઉન નબી છે, જેનું વિસ્ફોટમાં મોત થયું હતું. તપાસ અધિકારીઓએ NDA દ્વારા તેમની ઓળખ નક્કી કીર છે. અન્ય નવ આરોપીઓમાં આમિર રશીદ મીર, જસીર બિલાલ વાની, ડૉ. મુઝામિલ શકીલ, ડૉ. અદીલ અહેમદ રાથેર, ડૉ. શાહીન સઈદ, મુફ્તી ઇરફાન અહમદ વાગે, સોયબ, ડૉ. બિલાલ નસીર મલ્લા અને યાસીર અહમદ ડારનો સમાવેશ થાય છે.
ભારત સરકારને ઉથલાવવાની યોજના:
NIA ની તપાસ મુજબ, આરોપીઓ AQIS વિચારધારાથી પ્રેરિત હતાં, આ કાવતરું એક મોટા ઉગ્રવાદી ષડયંત્રનો હતું. ચાર્જશીટ મુજબ આ જૂથ કથિત રીતે "ઓપરેશન હેવનલી હિંદ" નામનું અભિયાન શરૂ કર્યું હતુ, જેનો ઉદ્દેશ્ય ભારત સરકારને ઉથલાવીને ઇસ્લામિક શરિયા શાસન સ્થાપિત કરવાનો હતો.
NIA એ જણાવ્યું હતું કે આરોપીઓએ સભ્યોની ભરતી કરી હતી, ઉગ્રવાદનો પ્રચાર શરુ કર્યો હતો અને શસ્ત્રો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.
NIA એ જણાવ્યું હતું કે તપાસમાં ફોરેન્સિક પુરાવા, DNA પ્રોફાઇલિંગ, વોઈસ ટેસ્ટીંગ અને દિલ્હી, ફરીદાબાદ અને જમ્મુ અને કાશ્મીરમાંથી મળેલી અન્ય સામગ્રીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.