Wed Jun 17 2026

Logo

"રાજૂ કરપડાએ જેલની બીકે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી, અમે મર્દ માણસ ધારેલા....: ઇટાલિયાનો પલટવાર

2026-02-12 11:31:28
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજૂ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે આમ આદમી પાર્ટી સાથે કયા કારણે છેડો ફાડ્યો તે અંગે રાજૂ કરપડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે આપના નેતા ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આપ આગળ નહિ આવે. તે ઉપરાંત તેમણે જેલવાસ દરમિયાન પાર્ટી તરફથી કોઈ સહકાર નહિ મળ્યાનો આરોપ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ રાજૂ કરપડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો મુદ્દે પ્રીતિક્રિયા આપી હતી. 

રાજૂ કરપડાએ આપના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયા પર કરેલા આરોપ મુદ્દે પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "આક્રમક અવાજે બોલનાર રાજૂભાઈના ચહેરાનું નૂર ખોવાઈ ગયું છે, તેમના ચહેરા પર કઈક ખોટું કર્યાનો ભાવ હતો. તેમણે કહ્યું હતું કે રાજુભાઈએ એક વાત છુપાવી છે. તેમના પર ત્રણ કેસ છે, 326 જાનથી મારી નાખવાના કેસ છે. ટાંટિયા તોડવાના કેસમાં સજા પડી ગઈ હતી અને આ કેસ મુદ્દે તેઓ પાર્ટીમાં હતા અને અમે કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇટાલિયાએ આરોપ કરતાં કહ્યું હતું કે જો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે  આરોપ ન લગાડ્યા હોત તો કદાચ તેમને કોર્ટમાં કોઈ મોટી સજા થઈ હોત. 

તેમણે આરોપ કર્યો હતો કે આ લડત ગુજરાતના ખેડૂતો માટેની હતી, કોઈ પાર્ટી કે નેતા માટેની નહિ. રાજૂ કરપડાએ ભાજપનો હાથો બનીને ખેડૂતોમાં નિસાંસા લેવાનું કામ કર્યું છે. રાજૂભાઈ માટે પાર્ટીએ અનેક મોટા વકીલો અને તેમની માંગણી પર પાર્ટીએ હ્રદય બુચની નિમણૂક કરી હતી. રાજૂભાઈએ મજબૂરીને વશ થઈને આરોપો લગાવ્યા હોવાનો આક્ષેપ ઇટાલિયાએ કર્યો હતો. બે કેસની બીકથી રાજૂભાઈ જેવો મર્દ માણસ આવું કરશે તેવું વિચાર્યું નહોતું. જેલમાં ગયેલા દસ લોકોને કોઈ ફરિયાદ નહોતી, માત્ર રાજૂભાઈને જ ફરિયાદ હતી. 

 ઇટાલિયાએ રાજૂભાઈની આઈપીએસ અધિકારી અને ગૃહપ્રધાન સાથે ગુપ્ત બેઠક થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે રાજુભાઈના આરોપ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હળાહળ જુઠ બોલવાની ટેવ ભાજપમાં જોડાતા પહેલા જ પડી ગઈ છે, તે ખૂબ સારી બાબત છે.  ભાજપમાં ખોટું બોલે તો જ મોટા હોદ્દા મળે તે તેઓ સારી રીતે જાણી ગયા છે. રાજૂભાઈના સમર્થનમાં પાર્ટીએ કરોડોનો ખર્ચો કર્યો તેમ છતાં અંતે કીચડ ઉછાળવું તે યોગ્ય નથી. રાજૂભાઈ જેવો મર્દ માણસ આવું કાયરતાપૂર્વક કામ કરશે તેવું અમે ક્યારેય ધાર્યું નહોતું. રાજૂભાઈને રાત્રે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા તેની પાછળનું કારણ ગાંધીનગરવાળા સાથેની ગોઠવણ જવાબદાર હોવાનો આરોપ કર્યો હતો.