મુંબઈ: બોલીવુડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ માટે છેલ્લા કેટલાક દિવસો સંઘર્ષપૂર્ણ રહ્યા છે. ચેક બાઉન્સના કેસમાં તિહાર જેલની સજા કાપીને તે મંગળવારે આખરે મુક્ત થયો. જેલની બહાર આવતા જ તેણે ચાહકો અને સમર્થકોનો આભાર માનતા ભાવુક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તેની આ સફરમાં લોકો તરફથી મળેલા પ્રેમ અને આશીર્વાદને કારણે આ મુકામ પર પહોંચ્યો છે. હવે તે પોતાના ભૂતકાળને પાછળ છોડીને ફરી રૂપેરી પડદે કમબેક કરવા તૈયાર છે.
જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવે ફિલ્મ ઉદ્યોગના મિત્રો પાસે કામની માંગણી કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેણે એક રસપ્રદ ઓફર મૂકી હતી. તેણે કહ્યું, "જે લોકોએ અત્યાર સુધી મને સાથ આપ્યો છે, તેઓ વધુ એક મદદ કરે. ફિલ્મમાં કેરેક્ટર (પાત્ર) મારી મરજીનું હોય અને તેના બદલામાં પૈસા તેમની મરજીના. આ નિવેદન દર્શાવે છે કે તેઓ ફરીથી કામ શરૂ કરવા માટે કેટલા આતુર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટૂંક સમયમાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ કાયદાકીય પાસાઓ પર ખુલાસો કરશે.
કેવી રીતે વીત્યા જેલના દિવસો?
રાજપાલ યાદવે જેલના અનુભવો શેર કરતા જણાવ્યું કે ત્યાં તેનો દિવસ વહેલી સવારે પ્રાણાયામ અને કસરત સાથે શરૂ કરતો હતો. જેલના અન્ય કેદીઓ સાથે પણ સમય વિતાવતા અને તેમની સમસ્યાઓ સમજતા હતા. જેલવાસ દરમિયાન તેઓ શિસ્તબદ્ધ જીવન જીવ્યા હોવાનું જણાવ્યું હતું. આ મુશ્કેલ સમયમાં સોનુ સૂદ જેવા અભિનેતાઓ તેમની મદદે આવ્યા હતા અને તેને ફિલ્મોની ઓફર પણ આપી હતી, જેના માટે રાજપાલ યાદવે તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે માત્ર પોતાના વિશે જ નહીં, પરંતુ સાથી કેદીઓ વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે દિલ્હી સરકાર અને રેખા ગુપ્તાને અપીલ કરી હતી કે જેલની અંદર એવા ઘણા કેદીઓ છે જેઓની સજા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કાયદાકીય તપાસ કરીને આવા કેદીઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે તો તેમના જીવનમાં સુધારો આવી શકે છે. રાજપાલ યાદવે જેલમુક્ત થયા બાદ માનવીય અભિગમ પણ રજૂ કર્યો હતો.