કવર સ્ટોરીઃ હેમા શાસ્ત્રી
રીલ લાઈફ અને રિયલ લાઈફનો મેળ કાયમ બેસે એ જરૂરી નથી. રૂપેરી પડદા પરનો ખૂંખાર વિલન અંગત જીવનમાં દયાનો દરિયો હોઈ શકે છે. પવિત્ર સાધુ- સંતનો રોલ કરનારી વ્યક્તિ લફડાબાજ હોઈ શકે છે. એ જ રીતે ચિત્રપટમાં ખડખડાટ હસાવતો કોમેડ્યિન (ઘણા આનો ઉચ્ચાર ‘કમેડિયન’ પણ કરે છે) અથવા સર્કસના જોકર-વિદૂષકના નિજી જીવનમાં ટ્રેજેડી પીછો કર્યા કરતી હોય એવું પણ બનતું હોય છે.
આર્થિક સંકડામણમાં ફસાયેલા અને ચેક બાઉન્સના કેસમાં તિહાર જેલમાં સળિયા પાછળ ધકેલાઈ ગયેલા આલા દરજ્જાના કોમેડિયન રાજપાલ યાદવ એનું વિશિષ્ટ ઉદાહરણ છે. જોકે, કોમેડિયનના જીવનની ટ્રેજેડીના આ કપરા કાળમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી મળી રહેલો સપોર્ટ જોઈ એક્ટરના વિલાઈ ગયેલા ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હશે. શિખર પરથી ગબડી તળેટી તરફ ગબડી પડેલા માટે મોટેભાગે સહેજ પણ અનુકંપા ન ધરાવતી આ કઠોર દુનિયામાં આવા અપવાદ જોઈ અનેક હૈયા હરખાઈ ગયા હશે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘મિસ્ટર મદદરૂપ’ બની ગયેલા સોનુ સુદએ પહેલ કરી મજબૂત ટેકણલાકડી બનવાની તૈયારી દેખાડ્યા બાદ મજરૂહ સુલતાનપુરીના પ્રખ્યાત શેર ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’ની જેમ અન્ય લોકો પણ રાજપાલ યાદવ માટે સંકટમોચન બનવા આગળ આવી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં સોનુ સુદ ઉપરાંત અજય દેવગન, સલમાન ખાન, વરુણ ધવન, ગુરમીત ચૌધરી, ડિરેક્ટર ડેવિડ ધવન અને અનીસ બઝમી, સંગીતકાર ઈન્દ્રજીત યાદવ અને બીજા નામ પણ ઉમેરાઈ રહ્યા છે.
અહીં એક મહત્ત્વની વાત. એવું ધારી ન લેવું કે માની ન લેવું કે બિગ બી અને કિંગ ખાન અને અન્ય મહારથીઓએ કેમ રાજપાલ યાદવ માટે અનુકંપા નથી દેખાડી? અલબત્ત, કોને મદદ કરવી અને કોને નહીં એ અંગત મુનસફીનો સવાલ છે, પણ સાથે સાથે એ સંભાવના પણ નકારી ન શકાય કે કેટલાક હાથ-ચહેરો દેખાડ્યા વિના કે પછી ‘જમણો હાથ મદદ માટે લાંબો કર્યો હોય એની ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ’ એ સિદ્ધાંતને અનુસરતા લોકોએ ચુપચાપ મદદ કરી પણ હોય અથવા મદદ કરવાની તૈયારી દેખાડી હોય.
આવી વાતોને લઈને દરેકને સોશ્યલ મીડિયામાં ગાજવું પસંદ હોય એ જરૂરી નથી. આ કોઈ દાનધર્મની વાત નથી. આર્થિક ટેકો આપવાનો છે: ‘ચિંતા નહીં કર અમે ઊભા છીએ’ એમ કહેવાનો અવસર છે. યાદ રહે, રાજપાલ યાદવએ કોઈ સ્કેન્ડલ નથી કર્યું. આર્થિક ગણતરીનો દાખલો ખોટો પડ્યો એટલી જ વાત છે. ગંજાવર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તો એક્ટરને મુસીબતમાં મૂકનારી રકમ તો ચણા મમરા જેવી છે.
યસ, મહત્ત્વની વાત એ છે કે રાજપાલ યાદવને દાન-દક્ષિણા નથી આપવાના, એનું સન્માન જાળવી એને પરિસ્થિતિમાંથી ઉગારવાનો છે. આ સંદર્ભમાં એક્ટર અને ‘મિસ્ટર મદદરૂપ’ સોનુ સુદની વાત જાણવા-સમજવા જેવી અને પછી અનુસરવા જેવી છે. સોશ્યલ મીડિયા પર સોનુએ એક લાંબો મેસેજ મૂક્યો છે, જેમાં તેણે આર્થિક સંકડામણમાં ઘેરાયેલા રાજપાલ યાદવને સહાયરૂપ થવા આગળ આવવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અપીલ કરી છે.
એની અપીલનો એક મુદ્દો અત્યંત મહત્ત્વનો તો છે જ, પણ ગબડી પડેલી વ્યક્તિનું માન જાળવી એને ફરી કેમ બેઠી કરવી એનું આગવું ઉદાહરણ છે. સોનુએ નિર્માતા-દિગ્દર્શકોને અપીલ કરી છે કે ‘રાજપાલ યાદવને સાઈનિંગ અમાઉન્ટ પેટે એક ચોક્કસ રકમ આપો. ચેરિટી એટલે કે દાન નથી કરવાનું. મુશ્કેલ પરિસ્થિતિમાંથી એ માનભેર ઊભો થઈ શકે એ માટે એને ભવિષ્યમાં એને આપવાના કામના એડવાન્સ તરીકે પૈસા આપવાના છે.’
વાચકોની જાણ ખાતર કે એક્ટર કોઈ પ્રોજેક્ટ સાથે જોડાય ત્યારે કામ શરૂ કરતા પહેલા અપાતી રકમ સાઈનિંગ અમાઉન્ટ કહેવાય છે. ટૂંકમાં રાજપાલ યાદવને ખેરાત નથી કરવાની, કામ પેટે દામ આપી એને કફોડી હાલતમાંથી દૂર કરવા નિમિત્ત બનવાનું છે. આવા અભિગમ માટે સોનુ સુદ અભિનંદનનો અધિકારી છે.
સોનુ સુદની ટહેલનો નાનો પણ પડઘો જરૂર પડ્યો. એક્ટર અને માર્શલ આર્ટ્સ સ્પેશ્યલિસ્ટ ગુરમીત ચૌધરી પણ આગળ આવ્યો છે. ત્યારબાદ મ્યુઝિક પ્રોડ્યુસર રાવ ઈંદરજીત સિંહ યાદવ ભવિષ્યમાં બનનારા મ્યુઝિક વીડિયોની આગોતરી રકમ તરીકે આપવા આગળ આવ્યા. રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડી યાદવના કહેવા અનુસાર ડેવિડ ધવન અને અનીસ બઝમી પણ આગામી ફિલ્મોમાં રાજપાલ યાદવને ચમકાવશે અને એના એડવાન્સ તરીકે પૈસા આપવા તૈયાર થયા છે. અજય દેવગન, સલમાન ખાનના નામ પણ જોડાયા છે.
સોનુ સુદની જાહેર અપીલનું મહત્ત્વ સમજવું જોઈએ. ઉપરછલ્લી રીતે ‘મેં મદદ કરી છે’ એવી જાહેરાત કે બણગા લાગી શકે છે. એ વાત ન ભૂલવી જોઈએ કે સોશ્યલ મીડિયામાં કહેલી આવી રજૂઆતથી રાજપાલ યાદવની સમસ્યા અનેક લોકો સુધી વહેલી પહોંચે છે. આ વાત દસ હજાર કે એથી વધુ આર્થિક રીતે અતિ સક્ષમ લોકોએ જાણ્યા પછી એમાંથી દસ-વીસ લોકો પણ સોનુની જેમ મદદ કરવા આગળ આવે તો રાજપાલ યાદવ કુંડાળામાંથી બહાર નીકળી જાય.
નવાઝુદ્દીન સિદ્દીકીના વાઇરલ થયેલા એક જૂના વીડિયો અનુસાર ‘રાજપાલ પાસે જ્યારે ઘણું કામ હતું ત્યારે ઘણા લોકો એને ત્યાં જમવા આવતા અને કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વિના તેણે અનેક લોકોને પ્રેમથી ભોજન કરાવ્યું છે. તેણે અનેક લોકોને મદદ કરી છે. માત્ર હું જ નહીં, મારા જેવા અનેક એક્ટરો જ્યારે કામ મેળવવા સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે એનું ઘર એમને માટે ભોજનશાળા હતું. કોઈ પણ ત્યાં જઈને પેટની આગ ઠારી શકતો હતો.’ આવી વ્યક્તિ માટે આધાર ન બનવું જોઈએ?
રાજપાલ યાદવ કેવી કફોડી હાલતમાં મુકાયો છે એ વાત તેણે તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારતી વખતે કરેલા નિવેદનથી સમજાય છે: ‘સર, ક્યા કરું? મેરે પાસ પૈસે નહીં હૈ. ઔર કોઈ ઉપાય નહીં દિખતા. સર, યહાં હમ સબ અકેલે હૈં’. આ પરિસ્થતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જે પણ લોકોએ જાહેરમાં કે ચુપચાપ ‘હમ સાથ સાથ હૈ’નું કોરસ ગાયું છે એ અભિનંદનને પાત્ર છે.
અતા-પતા-લાપતા
રામગોપાલ વર્માની ‘જંગલ’ ફિલ્મમાં નેગેટિવ રોલથી રાજપાલ યાદવનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો. જોકે, ત્યારબાદ તેણે સિરિયસ રોલ સુધ્ધાં કર્યા પણ તેની બોલબાલા થઈ કોમેડી કિરદારથી. ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘હંગામા’, ‘ચૂપ ચૂપ કે’, ‘ગરમ મસાલા’, ‘ફિર હેરા ફેરી…. શાહરુખ ખાન નિર્મિત અને અમોલ પાલેકર દિગ્દર્શિત ‘પહેલી’માં થોડી મિનિટો માટે શાહરુખ સામે તેણે જે દમદાર પરફોર્મન્સ આપ્યું એ જોશો તો ફિદા થઈ જશો. અનેક કલાકારની જેમ રાજપાલ યાદવને પણ ફિલ્મ નિર્માણની ચળ ઉપડી.
2010માં પાંચ કરોડ રૂપિયાની લોન લઈ તેણે ‘આતા પતા લાપતા’ નામની ફિલ્મ બનાવી. બીજી નવેમ્બર, 2012ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મના બોક્સ ઓફિસ પર ફુરચે ફુરચા ઊડી ગયા. 15 કરોડના રોકાણ સાથે બનેલી આ ફિલ્મ 50 લાખ રૂપિયાનો વકરો પણ ન કરી શકી. એક્ટરને માથે પાંચ કરોડનું દેવું થઈ ગયું. કમનસીબીમાં વધારો એ થયો કે ફિલ્મોમાં મળતા કામમાં પણ ઘટાડો થયો અને લોનની રકમ 2025માં નવ કરોડની થઈ ગઈ. રાજપાલ યાદવે આપેલા ચેક બાઉન્સ થયા અને કાનૂની રીતે એ ગુનેગાર સાબિત થયો છે.
(નોંધ: આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી રાજપાલ યાદવને જામીન મળ્યા નથી. કદાચ આ લેખ પ્રગટ થાય ત્યાં સુધીમાં એને જામીન મળી પણ જાય.)