Fri Jun 19 2026

Logo

મુંબઈમાં પાણીના સંકટ વચ્ચે વર્સોવા બીચ બન્યો 'કામચલાઉ બેડરૂમ', જુઓ વાયરલ વીડિયો

2026-06-19 14:50:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાના આગમનમાં વિલંબ થતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. એકબાજુ આકરી ગરમી પડી રહી છે, બીજી બાજુ પાણી કાપ અને વીજળી કાપના સંકટને કારણે મુંબઈગરાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ગરમીથી બચવા માટે મોડી રાતના લોકો હવે દરિયાકિનારે સૂતા હોવાના વીડિયો વાયરલ થયા હતા, જેને લઈ સોશિયલ મીડિયા પર લોકોમાં આશ્ચર્ય જાગ્યું હતું.

મુંબઈના જાણીતા બીચ વર્સોવાના વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ગરમીથી ત્રસ્ત લોકો રાતના વર્સોવા બીચ પર સૂતા જોવા મળ્યા હતા. ખુલ્લા આકાશ નીચે રેતી પર આરામ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ દ્રશ્ય જોઈને લોકો વચ્ચે ગરમી વિશે અને જાહેર જગ્યાઓ અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે. 

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો રાતના દરિયાકિનારે ચટાઈ પાથરીને સૂતા જોવા મળ્યા હતા, જેમાંથી ઘણા લોકો ઘરમાં સર્જાયેલી અસ્વસ્થ પરિસ્થિતિઓથી બચવા માટે દરિયાકિનારાને કામચલાઉ સૂવાના સ્થળ તરીકે ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અમુક લોકોએ તો કહ્યું હતું કે જાણે લોકો ઘરના બેડરુમના માફક બેરોકટોક સૂતા હતા.
 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં મુંબઈના વર્સોવા બીચના કિનારે ડઝનેક લોકો સૂતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી લોકોએ મુંબઈ જેવા મહાનગરની કડવી વાસ્તવિકતા પર સવાલ કર્યાં હતા, જેમાં શહેરમાં ખાવાપીવાનું મળી જાય છે, પરંતુ હજુ રહેવાના કોઈ ઠેકાણા નથી. મુંબઈમાં હજુ એવા અનેક વિસ્તારો છે, જ્યાં લાખો લોકો ગરીબીથી પીડાય છે, જ્યાં સફાઈનો પણ અભાવ પ્રવર્તે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીચ પર રહેનારા ઘણા લોકો આસપાસની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રહેવાસીઓ માટે છાપરાની છતવાળા ઘરની અંદર ગરમી અસહ્ય બની જતી હોય છે, તેના કારણે હવે લોકો પોતાના ઘરની બહાર ફૂટપાથ પર તો ક્યારેક દરિયાકિનારા નજીક પણ સૂવા જતા રહે છે, જે વર્ષોથી બનતું હોય છે, જેમાં ક્યારેક વીજળી જતી રહે તો પણ લોકો સૂતા હોય છે, પરંતુ આ વખતે એના વીડિયો વાયરલ થયા પછી લોકોનું ધ્યાન ખેંચાયું છે.

અહીં એ જણાવવાનું કે આ વર્ષે જૂન મહિનો પૂરો થવા આવશે, પરંતુ હજુ સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું નથી. સામાન્ય રીતે 10 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. આ વર્ષે વરસાદની ગતિ ધીમી છે, જેથી અસહ્ય ગરમીથી લોકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. વરસાદમાં વિલંબ વચ્ચે શહેરના અધિકારીઓ પાણીની ઉપલબ્ધતા પર નજર રાખી રહ્યા છે. પાલિકા દ્વારા પાણી સરંક્ષણના પગલાં શરૂ કર્યા છે. પાલિકા દ્વારા લોકોને પાણીનો દુરુપયોગ નહીં કરવાની પણ અપીલ કરી છે.