Mon May 18 2026

Logo

રાજકોટમાં લઠ્ઠાકાંડ કે હત્યા? દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોતથી ખળભળાટ

2026-05-18 19:11:19
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી છે. ત્યારે રાજકોટ શહેરના સામાકાંઠે આવેલા સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નવાગામમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ.50) અને તેમના મિત્ર અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ.43) ભગીરથ સોસાયટીમાં આવેલા જૂના મકાન પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની કોથળીઓ મળી આવતા, પ્રાથમિક દ્રષ્ટિએ દારૂ પીવાના કારણે મોત થયું હોવાનું અનુમાન છે.

આ બનાવની જાણ થતાની સાથે જ બી-ડિવિઝન પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં મનસુખભાઈ તેમના જૂના મકાનનું રિનોવેશન કરાવવાના હોવાથી ત્યાં રોકાયા હતા. ઘટના સ્થળેથી દેશી દારૂની એક ખાલી અને એક અડધી ભરેલી કોથળી મળી આવી હતી. બંનેના મોતના ચોક્કસ કારણને જાણવા માટે પોલીસે મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત દારૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.

મૃતક મનસુખભાઈના દીકરા વિનયે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા. પુત્રના જણાવ્યા અનુસાર, તેમના પિતા અને અલ્પેશભાઈને દારૂમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવીને પીવડાવી દેવામાં આવ્યો છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે તેના પિતાને જીણા ગોહેલ ઉર્ફે ભગત સાથે માથાકૂટ ચાલતી હતી, તેથી તેણે જ દેશી દારૂમાં ઝેર ભેળવીને બંનેની હત્યા કરી છે. 

હત્યાના આક્ષેપો અને શંકાસ્પદ મોતના પગલે પોલીસે બુટલેગર રામલો, શંકાસ્પદ જીણાભાઈ ગોહેલ અને અન્ય એક સપ્લાયરને સકંજામાં લઈને સઘન પૂછપરછ હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જીણાભાઈ ગોહિલે ઘટના સમયે પોતે પોતાની દુકાને હોવાનું જણાવ્યું હતું. જ્યારે બુટલેગર રામલાએ કબૂલાત કરી હતી કે તેણે વિનય નામના શખ્સ પાસેથી 35 લીટર દારૂ લીધો હતો અને બધો જ વેચી નાખ્યો છે. પોલીસે હવે આ જથ્થાનો દારૂ પીવાથી અન્ય કોઈને અસર થઈ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે અને સાચા કારણ સુધી પહોંચવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.