અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જેઈઈ મેઈન્સના પરિણામમાં રાજકોટના વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું. રાજકોટના નિમય પુરોહિતે 100 પર્સેન્ટાઈલ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે 300માંથી 291 ગુણ મેળવ્યા છે. IIT અને NITમાં પ્રવેશ માટે જાન્યુઆરીમાં લેવાયેલી આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 50,000 વિદ્યાર્થીઓ બેઠા હતા.
માતા-પિતા છે ફિઝિયોથેરાપિસ્ટ
ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી નિમેયના માતા-પિતા દર્શનાબેન અને હર્ષલભાઈ પુરોહિત ફિઝિયોથેરાપિસ્ટ છે. તેની જોડિયા બહેન નિયાએ પણ 98.3 પર્સન્ટાઈલ મેળવ્યા હતા.
IIT બોમ્બેમાં પ્રવેશ લેવાની ઈચ્છા
નિમયે જણાવ્યું હતું કે, મેં ધોરણ 9 થી પરીક્ષા માટે કોચિંગ શરૂ કર્યું હતું, જ્યારે મારી બહેને ધોરણ 8 થી શરૂઆત કરી હતી. મારા માતા-પિતા હેલ્થકેર ક્ષેત્રમાં હોવા છતાં, ગણિતમાં મારો પાયો મજબૂત હોવાથી અને ઈનોવેશનમાં રસ હોવાથી હું એન્જિનિયરિંગ તરફ આકર્ષાયો હતો. હવે મારો લક્ષ્ય JEE એડવાન્સ્ડમાં સારો સ્કોર કરીને IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાનો છે.
એપ્રિલમાં બીજા પ્રયાસ પણ કરશે
તેણે ઉમેર્યું કે તેને સારા સ્કોરની ખાતરી હતી કારણ કે તેના મોટાભાગના જવાબો સાચા હતા. મને માત્ર બે ગુણ માટે શંકા હતી - એક મેં છોડી દીધો હતો અને બીજો ગણિત અને કેમિસ્ટ્રીમાં ખોટો પડ્યો હતો. પરંતુ મને ખાતરી નહોતી કે હું રાજ્યમાં ટોપ કરીશ. આ સફળતાનો અહેસાસ હજુ હમણાં જ થઈ રહ્યો છે. હું મારા સ્કોરમાં સુધારો કરવા અને અનુભવ મેળવવા માટે એપ્રિલમાં બીજા પ્રયાસમાં પણ બેસીશ.
સામાન્ય માન્યતા અને પ્રથાથી વિપરીત, નિમેયે કહ્યું કે તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો કે સતત ભણતા રહેવાનો કોઈ કડક નિયમ પાળ્યો નથી. તેણે કહ્યું, જો તમારી પાસે સ્પષ્ટ પ્લાન હોય, તો દિવસમાં લગભગ છ કલાકનો સમર્પિત અભ્યાસ જાદુ કરી શકે છે. મેં રમવાનો સમય કે શાળાના કલાકો પણ ચૂક્યા નથી. મેં મારા અન્ય શોખ પૂરા કરવા માટે દરરોજ ચોક્કસ સમય ફાળવ્યો હતો.
પોતાની તૈયારીની વ્યૂહરચના વિશે વાત કરતા નિમેયે જણાવ્યું કે તેણે NCERTના અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પાછલા વર્ષોની પરીક્ષાની પદ્ધતિ અને પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
દેશના 12 વિદ્યાર્થી 100 પર્સેન્ટાઈલ લાવવામાં સફળ
છેલ્લા પાંચ વર્ષની પરિણામની સરખામણીએ આ વર્ષનું પરિણામ નબળું આવ્યું હતું. 100 પર્સેન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછી જોવા મળી હતી. ગત વર્ષે 14 વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ આવ્યા હતા. દેશના 12 વિદ્યાર્થી 100 પર્સેન્ટાઈલ લાવવામાં સફળ રહ્યા હતા. જેમાં ગુજરાતના નિયમ પુરોહિત પણ સામેલ છે. સૌથી વધુ રાજસ્થાનના 3, આંધ્રપ્રદેશના 2, દિલ્હી, બિહાર, ઓડિશા, હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંલગાણાના 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જોકે 68 વિદ્યાર્થીઓનું પરિણામ કેટલાક કારણોસર જાહેર થયું નહોતું.