રાજકોટ: ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે આપેલી કડક સૂચનાઓ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. રાજકોટ શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ બાતમીના આધારે શહેરના સરહદી વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. સુરક્ષા એજન્સીઓ સતત એ વાત પર નજર રાખી રહી છે કે કોઈ વિદેશી નાગરિક માન્ય દસ્તાવેજો વગર શહેરમાં આશરો ન લે. આ કવાયતના ભાગરૂપે રાજકોટ પોલીસને વધુ એક મહત્વની કડી મળી છે.
રાજકોટ SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના કોઠારીયા વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ મહિલાઓ રહે છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર તપાસ હાથ ધરતા ચાર મહિલાઓ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં સ્થાયી થઈ હતી. તેમની પાસે ભારતનો કોઈ કાયદેસરનો આધાર પુરાવો કે પાસપોર્ટ મળી આવ્યો નથી.
અટકાયત કરાયેલી ચારેય મહિલાઓ અંગે પોલીસ દ્વારા અલગ-અલગ તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે. તેમની રાજકોટ આવવા પાછળનો હેતુ શું હતો અને તેમને અહીં કોણે આશરો આપ્યો હતો, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કાગળની તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ મહિલાઓને પરત તેમના દેશમાં મોકલવા એટલે કે ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાવાની આ કોઈ પહેલી ઘટના નથી. આઠ મહિના અગાઉ પણ SOG પોલીસે સપાટો બોલાવીને કુલ 34 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાં 25 મહિલાઓ, 6 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થતો હતો. તે સમયે પણ તમામ સામે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સતત મળતી આ સફળતા દર્શાવે છે કે રાજકોટ પોલીસ વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અત્યંત સતર્ક છે.