Mon May 18 2026

Logo

પેટ્રોલના ભાવ વધારા વચ્ચે સૌરાષ્ટ્રના બે મોટા શહેરો વચ્ચે નવો પુલ તૈયાર, રોજના એક લાખ વાહનચાલકોને ફાયદો

2026-05-18 10:17:00
Author: Mayur Kumar Patel
Article Image

રાજકોટઃ પેટ્રોલના ભાવ વધારા વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર છે. બે મોટા શહેરો વચ્ચે નવો પુલ તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે. જેનાથી રોજના એક લાખ વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે.

74 કરોડના ખર્ચે તૈયાર થયો છે પુલ

મળતી વિગત પ્રમાણે, રાજકોટ-જામનગર રોડને જોડતો સાંઢિયાપુલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પુલ બનાવવા માટે 74 કરોડનો ખર્ચ થયો છે. પુલનું થોડું કામ બાકી છે જે પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવશે. જેનાથી આશરે એક લાખ વાહનચાલકોનો સમય અને ઈંધણની બચત થશે. છેલ્લા 2 વર્ષથી બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે રાજકોટ ત્રિકોણબાગથી જામનગર તરફ જતા વાહનચાલકોએ 10 કિમી ફરીને માધાપર ચોકડી જવું પડતું હતું. જે અંતર ઘટીને હવે 5 કિમી થઈ જશે.

2024માં મુખ્ય પ્રધાને કર્યું હતું ખાતમુહૂર્ત

7 માર્ચ 2024ના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આનું ખાતમુહૂર્ત થયું હતું. ત્યારબાદ મે 2024માં જૂનો પુલ તોડીને નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. આ નવો બ્રિજ 602 મીટર લાંબો અને 16.40 મીટર પહોળો છે.બ્રિજમાં કુલ 21 સ્પાન છે, જેમાં મુખ્ય સેન્ટ્રલ સ્પાન 36 મીટરનો છે. ચોમાસામાં પાણી ભરાય નહીં તે માટે ખાસ બે આર.સી.સી. બોક્સ કલવર્ટ  બનાવવામાં આવ્યા છે.

ટ્રાફિકનો નહીં કરવો પડે સામનો

નવો પુલ શરૂ થતાં રાજકોટથી જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા લોકોને હવે ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ તરફ જતા લાખો વાહનચાલકોની મુસાફરી હવે એકદમ સરળ અને ઝડપી બનશે.

જામનગર રોડ પર બ્રિજનું કામ ચાલતું હોવાથી એસટી બસો અને ભારે વાહનોને શહેરની અંદરના ભાગો જેવા કે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ અને રૈયા રોડ પરથી ડાયવર્ઝન આપીને જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ મોકલવામાં આવતા હતા. હવે આ નવો ફોરલેન બ્રિજ શરૂ થતાં જ તમામ એસટી બસો અને ભારે વાહનો ફરી પોતાના જૂના અને સીધા રસ્તે દોડતા થઈ જશે. આનાથી શહેરની અંદર થતા ભારે ટ્રાફિકમાંથી લોકોને મોટી મુક્તિ મળશે.

ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલને જોડતો આ મુખ્ય રસ્તો અત્યાર સુધી બંધ હતો. હવે આ બ્રિજ શરૂ થવાથી દર્દીઓ અને એમ્બ્યુલન્સ ખૂબ જ ઝડપથી હોસ્પિટલ પહોંચી શકશે, જે મેડિકલ ઈમરજન્સીમાં આશીર્વાદરૂપ સાબિત થશે.