Tue May 19 2026

Logo

રાજકોટમાં દારૂમાં માંકડ મારવાની દવા ભેળવી બે મિત્રોને પતાવી દીધા! પોલીસ સ્ટેશનમાં આરોપીનો આત્મહત્યાનો ડ્રામા

2026-05-19 14:35:37
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: શહેરના સામાકાંઠે આવેલા સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાગામમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી અને તેમના મિત્ર અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા ભગીરથ સોસાયટીમાં આવેલા જૂના મકાન પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની કોથળીઓ મળી આવતા શરૂઆતમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં આ સમગ્ર મામલો ક્રૂર હત્યાનો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની જાણ થતાની સાથે જ બી-ડિવિઝન પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મનસુખભાઈ તેમના જૂના મકાનનું રિનોવેશન કરાવવાના હોવાથી ત્યાં રોકાયા હતા અને ઘટના સ્થળેથી દેશી દારૂની એક ખાલી અને એક અડધી ભરેલી કોથળી મળી આવી હતી. મોતના ચોક્કસ કારણને જાણવા માટે પોલીસે બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા હતા. આ દરમિયાન મૃતક મનસુખભાઈના દીકરા વિનયે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા કે ભગીરથ સોસાયટીમાં જ રહેતાં જીણા ભગત નામના શખ્સે અગાઉના મનદુઃખના કારણે તેના પિતા અને પિતાના મિત્રને દારૂમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

પુત્રના આ ગંભીર આક્ષેપો અને શંકાસ્પદ મોતના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કથિત આરોપી જીણા ભગત (જીણાભાઈ ગોહેલ), બુટલેગર રામલો અને અન્ય એક સપ્લાયરને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં આરોપી જીણા ભગતે પોતે ઘટના સમયે દુકાને હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કડકાઈ દાખવતા આખરે તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, અગાઉ મૃતક મનસુખભાઈએ પોલીસને જીણાનું ઘર બતાવ્યું હતું, જેનો ખાર રાખીને આરોપીએ દેશી દારૂ મંગાવ્યો હતો અને તેમાં માંકડ મારવાની ઝેરી દવા ભેળવીને બંને મિત્રોને પીવડાવી દીધી હતી, જેના કારણે બંનેના કરૂણ મોત નીપજ્યા હતા.

જોકે, આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીમાં ત્યારે એક નવો વળાંક આવ્યો જ્યારે પકડાઈ ગયેલા આરોપી જીણા ભગતે ગઈકાલે રાત્રિના સમયે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકઅપમાં હાજર પોલીસ કર્મચારીઓની સતર્કતાના કારણે આરોપીનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસે ડબલ મર્ડરના ગુનાની સાથે-સાથે લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કરવા બદલ આરોપી જીણા ભગત સામે અલગથી ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.