રાજકોટઃ AIIMS હોસ્પિટલ અભ્યાસ કરતા રતનકુમાર મોહનલાલ મેઘવાળ નામના 26 વર્ષીય યુવકે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઇન્ટર્ન ડૉક્ટરે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. અગાઉ પણ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દોઢ મહિના પહેલા આપઘાત કરવા પહોંચેલા ડોકટરને ગામલોકોએ બચાવ્યો હતો. રાજસ્થાન ખાતે રહેતા પરિવારજનોને પુત્રના આપઘાત ની જાણ કરવામાં આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું
મૂળ રાજસ્થાનના જેસલમેરનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBSનો વિદ્યાર્થી ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન)આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4:45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે.
મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.
AIIMS હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો. જે બાદ તે AIIMS હોસ્પિટલના કેમ્પસમાં રહેતો ન હતો.