Thu Jun 18 2026

Logo

રાજકોટના બે મોટા વેપારીની 545 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

2026-02-28 10:28:00
Author: Vimal Prajapati
Article Image


રાજકોટઃ ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ના અમદાવાદ ઝોને  545 કરોડ રૂપિયાના બોગસ બીલિંગ કૌભાંડના રાજકોટના બે મોટા વેપારીની ધરપકડ કરી છે.  

રાજકોટના વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચાએ 100થી વધારે વેપારીઓને કોઈપણ પ્રકારનો માલ આપ્યા વગર માત્ર બોગસ બીલિંગ કરીને 100 કરોડ રૂપિયાથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) લીધી હોવાનું તપાસમાં બહાર આવતાં બંનેને જેલભેગા કરી દેવાયા છે. બંનેએ કુલ 545 કરોડ રૂપિયાના બોગસ બિલો બનાવીને 102.25 કરોડ રૂપિયાની આઈટીસી અત્યાર સુધીમાં મેળવી છે. 

અમદાવાદ DGGIના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓની કરચોરીને લગતા એક કેસની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે, 23 જેટલી બોગસ પેઢીઓ ખોલીને કોઈ પણ  માલ સપ્લાય કર્યા વગર માત્ર બોગસ બીલિંગ  કરીને મોટા પ્રમાણમાં કરચોરી કરાઈ રહી છે. 

અધિકારીઓ દ્વારા આ અંગે  ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતાં  બહાર આવ્યું કે 23 પેઢીઓ પૈકી 14 પેઢીઓ દ્વારા બોગસ બિલિંગ કરીને  102.25 કરોડની આઈટીસી  મેળવી લેવામાં આવી છે. આ પેઢીઓએ માત્ર કાગળ ઉપર માલ સપ્લાય કર્યો હોવાનું બતાવીને 45 કરોડ રૂપિયાના બોગસ બિલો બનાવી દીધાં હતાં. વધુ તપાસ કરતાં બહાર આવ્યું કેસ  જતીન સાકરીયા અને વૈભવ બોરીચા આ કૌભાંડના સૂત્રધારો છે. બંને દ્વારા  છેલ્લા દોઢ વર્ષમાં 545 કરોડ રૂપિયાનાં બોગસ બિલ બનાવીને કૌભાંડ આચરાયું હતું. 

જતીન સાકરીયા અને વૈભવ બોરીચાની રાજકોટમાં આવેલી ભાડાની ઓફિસોમાં દરોડા પડાતાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, બોગસ ઇનવોઈસ, મોબાઈલ, કોમ્પ્યુટર અને ડિજિટલ ડિવાઇસ મળી હતી કે જેમાં તેમના કૌભાંડના પુરાવા છે. 

ડીજીજીઆઈનાં ટોચના સૂત્રોએ જણાવ્યું કે, જતીન સાકરીયા દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરીને વહીવટ કરવામાં આવતો હતો અને બોગસ કંપનીઓના જીએસટીના નોંધણી નંબરો મેળવવામાં આવતા હતા. આ ઉપરાંત જીએસટી રિટર્નનું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મળીને સંકલન કરવામાં આવતું હતું કે જે બોગસ ઇનવોઈસ બનાવવામાં મદદગારી કરતા હતા. આ રીતે બોગસ ઇનવોઈસ તૈયાર કરીને અન્ય વેપારીઓને આપવામાં આવતા હતા અને પછી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી. 

આરોપી વૈભવ બોરીચા  તમામ નાણાકીય વ્યવહારોનું સંચાલન તેમજ તેના નાણા ડાયવર્ટ કરવાનું કામ  કરતો હતો. આ કૌભાંડમાં  રોકડ રકમની આંગડિયા પેઢી દ્વારા હેરાફેરી કરાવતી હોવાનું બહાર આવતા આંગડિયા પેઢીઓમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ બે સ્થળોએ દરોડા પાડીને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.