મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અણધાર્યા અવસાન બદલ પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે 'વર્તમાન રાજકારણમાં, બહુ ઓછા નેતા છે જે જાતિનો વિચાર કર્યા વિના રાજકારણ કરવાની હિંમત ધરાવે છે અને અજિત પવાર એવા અડીખમ નેતા હતા.
રાજકારણમાં વિરોધ રાજકીય હોય છે, વ્યક્તિગત નહીં. મહારાષ્ટ્રમાં ગણ્યાગાંઠ્યા નેતા સમજે છે કે એકબીજાની ઝેરીલી ટીકાને વ્યક્તિગત રીતે ન લેવી જોઈએ. રાજકારણમાં એક પછી એક કટ્ટર વિરોધીઓ ગુમાવવા એ મહારાષ્ટ્રના ઉમદા રાજકારણ માટે મોટું નુકસાન છે.'
રાજ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે 'મારા મિત્ર અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણે એક ઉમદા નેતા ગુમાવ્યો છે. અજિત પવાર અને મેં એક જ સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પણ અમારી ઓળખાણ ખૂબ પાછળથી થઈ હતી.
અજિત પવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી છલાંગ લગાવી, રાજકારણ પ્રત્યેનો તેમને અપાર પ્રેમ. અજિત પવાર એક એવા નેતા હતા જેમને પવાર સાહેબના નેતૃત્વમાં ઉછર્યા બાદ તેમણે પાછળથી પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી અને મહારાષ્ટ્રના દરેક ખૂણામાં આ ઓળખને ઉમટાવી.'
'તેઓ વહીવટ પર સંપૂર્ણ પકડ ધરાવતા નેતા હતા,' એવું જણાવી રાજ ઠાકરેએ ઉમેર્યું હતું કે 'ફાઇલની ગૂંચવણો ઉકેલતી વખતે તેની ગાંઠો ક્યાં ખોલવી તેનું ચોક્કસ જ્ઞાન ધરાવતા હતા. શાસક વર્ગ કરતાં વહીવટ વધુ મહત્વપૂર્ણ બની રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર માટે આવા નેતા ગુમાવવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
અજિત પવાર અત્યંત સ્પષ્ટવક્તા વ્યક્તિ હતા. જો કામ પૂર્ણ થવાનું ન હોત, તો તેઓ મોઢા પર કહી દેતા અને જો તે પૂર્ણ કરી શકાતું હોય તો પોતાની બધી શક્તિ વાપરી નાખતા. રાજકારણમાં સ્પષ્ટવક્તા બનવાની કિંમત ચૂકવવી પડે છે, મેં પણ તેનો અનુભવ કર્યો છે અને તેથી હું કલ્પના કરી શકું છું કે અજિત પવારને કેટલી કિંમત ચૂકવવી પડી હશે."