પુણે: પુણેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાની તૈયારી કરી રહેલા 28 વર્ષના યુવકની મારપીટ કર્યા બાદ મધરાતે કારમાં તેનું અપહરણ કરવા બદલ હોટેલિયર સહિત બે જણની ધરપકડ કરવામાં આવી હતી. હોટેલિયરની મિત્ર એવી યુવતી સાથે યુવક વાતચીત કરતો હતો, જેને કારણે થયેલા વિવાદમાં યુવકનું તેમણે અપહરણ કર્યું હતું.
બુધવારે મોડી રાતે આ ઘટના બની હતી, જેને પગલે પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકની શોધખોળ આદરી હતી અને તેનો છુટકારો કરાવીને ચારમાંથી બે આરોપીની ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં સાગર રમેશ બોરાડે (32) અને કિશોર બાળાસાહેબ સાવંત (32)નો સમાવેશ છે. પોલીસ હવે અન્ય બે ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે.
યુવકની ઓળખ પ્રસાદ સૂર્યવંશી તરીકે થઇ હતી, જે એમપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પુણેના વાલચંદનગરમાં હોટેલ ધરાવતા સાગર બોરાડે અને યુવતી વચ્ચે મિત્રતા હતી અને પ્રસાદ સૂર્યવંશી એ યુવતી સાથે વાતચીત કરતો હતો. આની જાણ થયા બાદ સાગર બોરાડે અને પ્રસાદ વચ્ચે વિવાદ થતાં પ્રસાદની મારપીટ કરવામાં આવી હતી.
સાગર બોરાડેએ તેના સાથીદારો સાથે મળીને મધરાતે પ્રસાદનું એસયુવીમાં અપહરણ કર્યું હતું અને તેને સિંહગડ રોડ તરફ લઇ જવામાં આવ્યો હતો. દરમિયાન પેરુગેટ પોલીસ પોસ્ટ વિસ્તારમાંથી પ્રસાદનું કાળા રંગની એસયુવીમાં અપહરણ કરાયું હોવાની જાણ કરતાં કૉલ બુધવારે મધરાતે 12.30 વાગ્યે પોલીસ ક્ધટ્રોલ રૂમને પ્રાપ્ત થયો હતો. આથી પોલીસ ટીમે તાત્કાલિક એસયુવીનો પીછો કર્યો હતો અને સિંહગડ રોડ પર એસયુવીને આંતરીને પ્રસાદનો છુટકારો કરાવ્યો હતો. એસયુવીમાં હાજર બે આરોપીને તાબામાં લેવાયા હતા, એમ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ નવનાથ જગતાપે કહ્યું હતું.
આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કિશોર સાવંત સોલાપુર જિલ્લાના દાસુરનો રહેવાસી છે. નોંધનીય છે કે એમપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકે પુણેના નવી પેઠ વિસ્તારમાં ભડાના ઘરમાં બુધવારે સવારે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃત્યુ પૂર્વે તેણે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે 18-19 લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા અને કેટલાક રૂપિયા તેણે ચૂકલી દીધા તેની માહિતી લખી હતી. (પીટીઆઇ)