Mon Oct 05 2026

Logo

હેં, મહારાષ્ટ્રના આ ગામના પિતૃ પક્ષમાં ઉજવાય છે ગણેશોત્સવ! જાણો 250 વર્ષ જૂનો ઈતિહાસ

2026-09-26 14:27:00
Author: Darshana Visaria
હેં, મહારાષ્ટ્રના આ ગામના પિતૃ પક્ષમાં ઉજવાય છે ગણેશોત્સવ! જાણો 250 વર્ષ જૂનો ઈતિહાસ

નાગપુર: સામાન્ય રીતે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે 10 દિવસીય ગણેશોત્સવની પૂર્ણાહુતિ થાય છે અને ત્યારબાદ પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) શરૂ થાય છે, જેમાં સામાન્યપણે કોઈ શુભ કાર્યો કે મૂર્તિ સ્થાપના કરવામાં આવતી નથી. પરંતુ મહારાષ્ટ્રની ઉપરાજધાની ગણાતા નાગપુરમાં પિતૃ પક્ષ દરમિયાન એક અત્યંત અનોખી અને ઐતિહાસિક પરંપરા ઉજવવામાં આવે છે અને ગણેશસ્થાપના કરવામાં આવે છે. ચાલો જાણીએ આ પાછળની ઈન્ટ્રસ્ટિંગ સ્ટોરી...

અહીં અનંત ચતુર્દશી પછી પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન મસ્કર્યા ગણપતિ (Maskarya Ganpati) અને હડપક્યા ગણપતિ (Hadpakya Ganpati)ની સ્થાપના કરવામાં આવે છે. આશરે 250 વર્ષ જૂની આ ઐતિહાસિક પરંપરા પાછળ ભોંસલે રાજવંશ અને પેશવા કાળનો રોચક ઈતિહાસ જોડાયેલો છે.

શું છે 'મસ્કર્યા ગણપતિ'ની અનોખી પરંપરા? 
અનંત ચતુર્દશીએ સમગ્ર મહારાષ્ટ્રમાં બાપ્પાનું વિસર્જન થાય છે, ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં બીજા જ દિવસથી એટલે કે ભાદરવા વદ એકમથી પિતૃ પક્ષના 15 દિવસ માટે મસ્કર્યા ગણપતિની વિધિવત સ્થાપના કરવામાં આવે છે.

મનોરંજન અને હાસ્યનો ઉત્સવ:
'મસ્કર્યા' શબ્દ 'મસ્કરી' (મજાક-મસ્તી) પરથી આવ્યો છે. આ ઉત્સવ દરમિયાન નાટકો, શાહીરી, લાવણી, હાસ્ય કાર્યક્રમો અને લોકકળાઓનું આયોજન કરવામાં આવે છે, જેથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ જાય છે.

250 વર્ષ જૂનો ઈતિહાસ:
ઈતિહાસકારોના મતે, આ પરંપરાની શરૂઆત નાગપુરના શાસક રાજે રઘુજી ભોંસલે (પ્રથમ)ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. એક ઐતિહાસિક કથા મુજબ, રાજે રઘુજી ભોંસલે બંગાળની લડાઈ જીતીને અનંત ચતુર્દશી બાદ નાગપુર પરત ફર્યા હતા. તેઓ ગણેશોત્સવમાં સામેલ થઈ શક્યા ન હોવાથી, તેમના વિજય અને બાપ્પાના ઉત્સવની ઉજવણી પિતૃ પક્ષ દરમિયાન ગણેશ સ્થાપના કરીને કરવામાં આવી હતી.

અન્ય એક સંદર્ભ અનુસાર, સૈનિકો અને સરદારો યુદ્ધ અભિયાન પરથી મોડા પરત ફરતા હોવાને કારણે તેમના માટે દર વર્ષે પિતૃ પક્ષ દરમિયાન આ ખાસ ગણેશોત્સવનું આયોજન થતું હતું, જે સમય જતાં લોકપરંપરા બની ગયું. 

'હડપક્યા ગણપતિ' કેમ કહેવાય છે?:
પિતૃ પક્ષને મરાઠી લોકબોલીમાં ઘણી જગ્યાએ 'હડપક્યા' પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સ્થાપિત થતા ગણેશજીને સ્થાનિક લોકો શ્રદ્ધાથી 'હડપક્યા ગણપતિ' તરીકે પણ ઓળખે છે. આ ઉત્સવનું સમાપન સર્વપિતૃ અમાસ (સર્વપિતૃ મોક્ષ અમાવાસ્યા)ના દિવસે અત્યંત ધામધૂમથી કરવામાં આવે છે.

સાંસ્કૃતિક એકતા અને લોકકળાનું મંચ:
નાગપુરના જૂના વિસ્તારો જેવા કે મહાલ, બુધવારી અને ઈતવારીમાં આ ઉત્સવ મોટા પાયે ઉજવાય છે. આ 15 દિવસો દરમિયાન નાગપુરમાં પરંપરાગત વક્તૃત્વ સ્પર્ધાઓ, ડાંડિયા, નાટકો અને સંગીતના જલસા યોજાય છે, જે નાગપુરની વિશિષ્ટ ઓળખ સમાન છે.