Thu Sep 03 2026

Logo

તમિલનાડુ અંગે પ્રશાંત કિશોરની આગાહી સાચી પડી; એકવર્ષ પહેલા વિજય વિષે કહી હતી આ વાત

2026-05-04 16:39:19
Author: Savan Zalariya
તમિલનાડુ અંગે પ્રશાંત કિશોરની આગાહી સાચી પડી; એકવર્ષ પહેલા વિજય વિષે કહી હતી આ વાત

ચેન્નઈ: તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો રાજ્યના રાજકારણમાં મોટા ફેરફાર સુચવી રહ્યા છે. લગભગ 60 વર્ષથી રાજ્યના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા પક્ષો DMK અને AIADMK ને પછાડીને બે વર્ષ પહેલા જ બનેલી પાર્ટી તમિલાગા વેત્રી કઝગમ(TVK) સત્તા મેળવવા જઈ રહી છે. આ ચૂંટણી પરિણામો તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં એક મોટો પડાવ હશે. TVKના આ પ્રદર્શનને કારણે જનસુરાજ પક્ષના સ્થાપક પ્રશાંત કિશોર ચર્ચામાં આવ્યા છે. તેમણે અગાઉ TVK માટે જીત માટે કરેલી આગાહી સાચી પડી છે.

તામિલનાડુની 234 વિધાનસભા બેઠકોમાંથી 107 બેઠકો પર TVK આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં સરકાર બનાવવા માટે 118 બેઠકો પર જીતની જરૂર છે. અહેવાલ મુજબ સંપૂર્ણ પરિણામો જાહેર થતાંની સાથે વિજયની પાર્ટી સરળતાથી બહુમતી મેળવી શકે છે. 

પ્રશાંત કિશોરની આગાહી સાચી પડી:
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે અગાઉ દાવો કર્યો હતો કે જો વિજયની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડે, તો તે 118 બેઠકો જીતી શકે છે. હવે પ્રશાંત કિશોરે કરેલી આગાહી સાચી પડતી લાગે છે. એવામાં સોશિયલ મીડિયા પર તેમનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. 

એક ટીવી ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું હતું, "જો વિજય એકલા ચૂંટણી લડે, તો તેમની પાર્ટી એકલા હાથે 118 બેઠકો જીતી શકે છે. તમારે આ વાત ધ્યાનમાં લેવી જોઈએ.

TVKના સલાહકારની ભૂમિકા કેમ છોડી?
પ્રશાંત કિશોરે ફેબ્રુઆરી 2025 માં ટીવીકના ચૂંટણી સલાહકાર તરીકે કામ કર્યું. જોકે, જુલાઈ 2025 માં, તેમણે બિહાર ચૂંટણી લડવા TVKના સલાહકારની ભૂમિકા છોડી દીધી. આમ છતાં, તેમણે તમિલનાડુમાં TVKની જીતની આશા વ્યક્ત કરી હતી. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક ઈન્ટરવ્યું દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, "હું મારા મિત્ર કે ભાઈ વિજયને મદદ કરવા માટે અહીં નથી આવ્યો, કારણ કે તેને મારી મદદની જરૂર નથી. વિજય તમિલનાડુ માટે એક નવી આશા છે, તેથી જ હું અહીં છું."

એક નિવેદનમાં પ્રશાંત કિશોરે કહ્યું, “રાજકીય રણનીતિ બનાવવી અને ચૂંટણી લડવી એ બે અલગ અલગ બાબતો છે, પરંતુ યોગ્ય રણનીતિને કારણે જીત મળે છે.”

કિશોરે ભત્રીજાવાદની પણ ટીકા કરતા કહ્યું હતું કે જો અગ્રણી નેતાઓના જ બાળકો જ આગળ વધી શકે, તો દેશમાં સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ન મળ્યા હોત.

ઈન્ટરવ્યુંમાં પ્રશાંત કિશોરે મજાકમાં કહ્યું કે તે તમિલનાડુમાં સૌથી લોકપ્રિય બિહારી બનવા ઈચ્છે છે. જેના માટે તેમને એમ એસ ધોની સાથે સ્પર્ધા કરવી પડશે, જેમણે ચેન્નાઈ સુપર કિંગ્સને એક ઓછી એક જીત અપાવી છે.